Ahmedabad News: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં (Shaherkotda Police Station) મદદની આશાએ પહોંચેલા ઉત્તરપ્રદેશના એક યુવકનું પોલીસ સ્ટેશન પરિસરમાં આપઘાત કરતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં યુવક છેલ્લા કેટલાક દિવસથી માનસિક તણાવમાં હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવકનું નામ રાજુ છે અને તે મૂળ ઉત્તરપ્રદેશના ખેરી જિલ્લાનો રહેવાસી હતો. રાજુ જામનગરમાં નોકરી કરતો હતો. તે પોતાના વતન ઉત્તરપ્રદેશ પરત જવા માટે એક મિત્ર સાથે ટ્રેનમાં નીકળ્યો હતો. ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ રાજુ પોતાના મિત્રને જાણ કર્યા વગર ટ્રેનમાંથી ઉતરી ગયો હતો.
કાલુપુરથી ચાલતો Shaherkotda Police Station પહોંચ્યો
ટ્રેનમાંથી ઉતર્યા બાદ રાજુ કાલુપુરથી ચાલતો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ તેણે પોલીસ કર્મચારીઓને કોઈ વ્યક્તિ દ્વારા પરેશાન કરવામાં આવી રહી હોવાની વાત કરી હતી. તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓએ તેની સાથે વાતચીત કરી હતી અને પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ભાઈ સાથે ફોન પર વાત કરાવી
રાજુ પાસે પૈસા ન હોવાનું જાણવા મળતાં પોલીસે તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. પરિવાર તરફથી તેને ટૂંક સમયમાં પૈસા મોકલવાની ખાતરી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં હાજર એક કર્મચારીએ પણ તેને નાસ્તા માટે રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજુ પોલીસ સ્ટેશનમાં જ હતો. થોડા સમય બાદ તે પોલીસની નજરથી દૂર ગયો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનના એક રૂમમાં ગંભીર સ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, પરંતુ તેનું મોત થયું હતું.
છેલ્લા કેટલાક દિવસથી તણાવમાં હોવાની માહિતી
પોલીસની પ્રાથમિક તપાસમાં રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં માનસિક રીતે પરેશાન અને તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેના તણાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે પરિવારજનો તથા તેની સાથે સંપર્કમાં રહેલા લોકો પાસેથી માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. રાજુ જે મિત્ર સાથે ઉત્તરપ્રદેશ જવા માટે નીકળ્યો હતો, તેનો પણ પોલીસે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ તેનો ફોન સંપર્કમાં ન આવતાં પોલીસ તેની પાસેથી પણ સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં શું સામે આવશે?
શહેરકોટડા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવક અમદાવાદ કેવી રીતે અને શા માટે આવ્યો હતો, તેણે પોલીસ સમક્ષ કઈ પરેશાની અંગે વાત કરી હતી અને છેલ્લા કેટલાક દિવસથી તે કયા કારણોસર તણાવમાં હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પરિવારજનો અને અન્ય સંબંધિત લોકોના નિવેદનોના આધારે ઘટનાની વધુ વિગતો મેળવશે. તપાસ પૂર્ણ થયા બાદ યુવકના મોત પાછળની પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
આ પણ વાંચો: સુરતમાં ધોરણ-6ની 11 વર્ષની વિદ્યાર્થિનીનું આપઘાતથી મોત, મોબાઈલને લઈને માતા સાથે વાતચીત બાદ બની ઘટના
આ પણ વાંચો: કેસ પરત લેવા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી, આપઘાતનો પ્રયાસ; આરોપીના ભાઈ સામે ફરિયાદ
આ પણ વાંચો: ધોરણ-8ના 13 વર્ષીય વિદ્યાર્થીનું આપઘાતથી મોત, માતાની ટોક બાદ ભર્યું અંતિમ પગલું
