Tamil Nadu Assembly DMK MLAs Marshalled Out: તમિલનાડુ વિધાનસભામાં મંગળવારે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી વિજય દ્વારા અગાઉના DMK શાસન દરમિયાન કથિત ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડના નામે રકમ વસૂલવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે DMKના ધારાસભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ વધુ વણસતા વિધાનસભા અધ્યક્ષે વિરોધ કરી રહેલા ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.
EDના દસ્તાવેજોનો ઉલ્લેખ કરી આક્ષેપ
વિવાદની શરૂઆત સોમવારના સત્ર દરમિયાન થઈ હતી. મુખ્યમંત્રી વિજયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના દસ્તાવેજોનો હવાલો આપતા દાવો કર્યો હતો કે અગાઉના DMK શાસન દરમિયાન કોન્ટ્રાક્ટરો પાસેથી 7.5થી 10 ટકા સુધીની રકમ ‘પાર્ટી ફંડ’ તરીકે લેવામાં આવતી હતી. મુખ્યમંત્રીએ આ રકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન(Tamil Nadu) અને વોટર સપ્લાય વિભાગ સાથે સંકળાયેલા કામોમાંથી વસૂલાતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે વીરનમ પાણી યોજનાને લગતા સરકારી આયોગના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

DMKએ નિવેદનો રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરી
મુખ્યમંત્રીના આક્ષેપો બાદ DMKના વ્હીપ ઈવી વેલુએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ ટિપ્પણીઓને વિધાનસભાના(Tamil Nadu) નિયમોની વિરુદ્ધ ગણાવીને તેને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવાની માંગ કરી હતી. જોકે, અધ્યક્ષ જેસીડી પ્રભાકરે આ માંગ સ્વીકારી નહોતી. અધ્યક્ષે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને સરકારી દસ્તાવેજોના આધારે વાત કરી હોવાથી નિવેદનોને રેકોર્ડમાંથી દૂર કરવાની જરૂર નથી.
પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર બાદ કાર્યવાહી
અધ્યક્ષના નિર્ણયથી અસંતુષ્ટ DMK ધારાસભ્યો પોડિયમ નજીક પહોંચી ગયા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરવાની સાથે મંજૂરી વગરના પ્લેકાર્ડ પણ દર્શાવ્યા હતા. ગૃહના નેતા કેએ સેંગોટ્ટાઈયને વિરોધ કરી રહેલા સભ્યોને શાંત રહેવાની અપીલ કરી હતી. પરંતુ વિરોધ ચાલુ રહેતા અંતે અધ્યક્ષે માર્શલોને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિરોધ કરી રહેલા DMKના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ધારાસભ્યોને બહાર લઈ જવાની કાર્યવાહી દરમિયાન પણ સરકાર(Tamil Nadu) વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે તમિલનાડુ વિધાનસભામાં સત્તા પક્ષ અને DMK વચ્ચે રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો હોવાનું જોવા મળ્યું હતું.
