દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થવાની સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કર્ણાટકમાં વરસાદથી છેલ્લાં 24 કલાકમાં બનેલી ઘટનાઓને કારણે પાંચ લોકોના મૃત્યુ થયા છે. ચોમાસું મહારાષ્ટ્ર અને ગોવા તરફ આગળ જઈ રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ ત્રિપુરા, મેઘાલયના કેટલાંક ભાગો, પશ્ચિમી બંગાળ અને સિક્કિમ પહોંચી જશે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં આંધી તોફાનની સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ભારતમાં ગરમીનો કહેર યથાવત છે.

દક્ષિણના વિસ્તારોમાં રવિવારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. કર્ણાટકના અનેક વિસ્તારોમાં વરસાદ થવાથી પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે, તથા ખેતરોમાં પાકને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણના લગભગ તમામ રાજ્યો, બંગાળની ખાડી, આસામ અને અરૂણાચલ પ્રદેશ પહોંચી ગયું છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી સોમવારે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રના વિદર્ભ-કોંકણ, ગોવા, તામિલનાડુ, તેલાંગાણા, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ થઈ શકે છે.
આંદામાન-નિકોબાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને કેરળના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
