Banaskantha News: ગુજરાત કોંગ્રેસમાં આંતરિક મતભેદ (Banaskantha Congress Crisis)નો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદે હવે રાજકીય રંગ પકડી લીધો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પક્ષની અંદરની ખેંચતાણ ફરી જાહેરમાં આવી છે. ગુલાબસિંહે પક્ષના કેટલાક લોકો પર ભાજપ સાથે મળીને સોદાબાજી કરવાનો આક્ષેપ કર્યો છે અને ભવિષ્યમાં આવા લોકોના નામ સાથે ખુલાસો કરવાની ચીમકી આપી છે.
Banaskantha Congress Crisis: ગુલાબસિંહ રાજપૂતની પોસ્ટથી રાજકીય ચર્ચા તેજ
ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પક્ષના નેતાઓ અને કાર્યકરોની લડાઈ એકબીજા સામે નહીં, પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ માટે ભાજપ સરકાર સામે હોવી જોઈએ. આ સાથે તેમણે પક્ષની અંદર જ કેટલાક લોકો ભાજપ સાથે મળીને સોદા કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીત મળ્યા બાદ તેમને નુકસાન પહોંચાડવા માટે આંતરિક સ્તરે ષડયંત્ર રચાઈ રહ્યું છે. ગુલાબસિંહે આગામી સમયમાં પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વોના નામ જાહેર કરીને મોટા ખુલાસા કરવાની ચીમકી પણ આપી છે. તેમના આ નિવેદનથી બનાસકાંઠા કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
Banaskantha Congress Crisis: ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસના આંતરિક વિવાદ અંગે મંત્રી પ્રવીણ માળીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સ્થિતિ માત્ર બનાસકાંઠા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પક્ષ પાસે ન તો મજબૂત નેતૃત્વ છે કે ન તો યોગ્ય દિશા. જે પક્ષ પોતાના સંગઠન અને પરિવારને સંભાળી શકતો નથી, તે રાજ્યની જવાબદારી સંભાળવાની વાત કરે છે તે વિરોધાભાસી છે. પ્રવીણ માળીના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ મજબૂત મુદ્દો રહ્યો નથી અને તેના કારણે પક્ષની અંદરના મતભેદો (Banaskantha Congress Crisis) વારંવાર જાહેરમાં આવી રહ્યા છે.
Banaskantha Congress Crisis: ભાજપ પ્રવક્તાએ પણ સાધ્યું નિશાન
ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલએ પણ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને આકરા પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાં સ્થાપનાકાળથી જ આંતરિક ખેંચતાણ જોવા મળતી રહી છે. તેમણે કોંગ્રેસને પરિવાર આધારિત પાર્ટી ગણાવીને કહ્યું કે આવી પરિસ્થિતિ પક્ષની અંદરની રાજકીય ખેંચતાણનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું.
Banaskantha Congress Crisis: કોંગ્રેસે ભાજપને પણ આપ્યો જવાબ
બનાસકાંઠા કોંગ્રેસના વિવાદને લઈને ભાજપના પ્રહારો સામે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ વળતો જવાબ આપ્યો છે. મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે, સંગઠનમાં યોગ્ય સંવાદના અભાવને કારણે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કાર્યકરોને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપે કોંગ્રેસને સલાહ આપવાને બદલે પોતાના સંગઠનની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ભરૂચમાં ભાજપના સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો તેમજ રાજકોટમાં જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી વચ્ચેની ખેંચતાણનો ઉલ્લેખ કરીને ભાજપની આંતરિક સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. મનીષ દોશીએ વધુમાં કહ્યું કે ભાજપમાં પણ નવા અને જૂના નેતાઓ વચ્ચેની હરિફાઈ જોવા મળી રહી છે અને અંતે કોને સમર્થન આપવું તે જનતા જ નક્કી કરશે.
Banaskantha Congress Crisis: કોંગ્રેસના જ પૂર્વ હોદ્દેદારે ગુલાબસિંહ અને ગેનીબેન સામે ઉઠાવ્યા સવાલો
બનાસકાંઠા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણએ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેન ઠાકોરની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે. મુકેશ ચૌહાણના આક્ષેપ પ્રમાણે, ગુલાબસિંહને જિલ્લા પ્રમુખ બન્યાને આશરે એક વર્ષ થયું હોવા છતાં સંગઠનને મજબૂત કર્યા વિના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી, જેના કારણે પક્ષને નુકસાન થયું. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે સિનિયર આગેવાનોને બાજુ પર રાખીને ચોક્કસ પસંદગીના લોકોને મહત્વ આપવામાં આવ્યું અને નિયુક્તિઓમાં પક્ષપાતની નીતિ અપનાવવામાં આવી. આ કારણે જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ હોવાનું તેમનું કહેવું છે.
Banaskantha Congress Crisis: ગેનીબેનની ભૂમિકા અંગે પણ સવાલ
મુકેશ ચૌહાણે લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યું કે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારની જનતાએ ગેનીબેન ઠાકોરને જીત અપાવી હતી. જોકે, સંગઠન માત્ર ચોક્કસ લોકોના આધારે ચલાવવામાં આવશે તો પાર્ટી આગળ કેવી રીતે વધશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે રાજીનામાં અપાવીને પક્ષ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ સમગ્ર ઘટનાક્રમમાં ગેનીબેન ઠાકોર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
Banaskantha Congress Crisis: હવે નજર ગુલાબસિંહના આગામી ખુલાસા પર
બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આ વિવાદ વચ્ચે સૌથી વધુ ચર્ચા ગુલાબસિંહ રાજપૂતના આગામી પગલાંને લઈને થઈ રહી છે. તેમણે પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વોના નામ સાથે ખુલાસા કરવાની વાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે ગુલાબસિંહ રાજપૂત ખરેખર કયા નામો જાહેર કરે છે અને તેમના આક્ષેપો બાદ કોંગ્રેસનું આંતરિક રાજકારણ કઈ દિશામાં આગળ વધે છે. હાલ આ સમગ્ર મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો રાજકીય સિલસિલો શરૂ થઈ ગયો છે.
આ પણ વાંચો:કોંગ્રેસમાં મોટો સંગઠનાત્મક ફેરફાર: રાહુલ ગાંધી પોતે કરી રહ્યા છે 120 નેતાઓના ઈન્ટરવ્યૂ
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટો ફેરફાર, 8થી 9 જિલ્લા-શહેર પ્રમુખો બદલાશે?
આ પણ વાંચો:પાટણ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સપાટી પર, ટિકિટ ફાળવણીને લઈને નેતાઓ સામસામે
