Surat News/ સુરતમાં ડિગ્રી વગર બની ગયા ડોક્ટર! પાંડેસરામાં 8 બોગસ તબીબો ઝડપાયા

Pandesara Fake Doctor: સુરતના પાંડેસરામાં પોલીસ અને આરોગ્ય વિભાગે 8 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા. મોટાભાગના આરોપીઓ માત્ર ધોરણ 12 પાસ હોવાનું સામે આવ્યું. એક આરોપી 14 વર્ષના કિશોરના મોતના કેસમાં અગાઉ આરોપી હોવા છતાં ફરી ક્લિનિક ચલાવતો ઝડપાયો.

Top Stories Gujarat Surat
Pandesara Fake Doctor: 8 બોગસ ડોક્ટરો ઝડપાયા, 21 વર્ષનો યુવાન પણ ‘ડોક્ટર’ બની બેઠો

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા 8 બોગસ ડોક્ટરો (Pandesara Fake Doctor) ઝડપાયા છે. પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં સામે આવ્યું કે, પકડાયેલા મોટાભાગના આરોપીઓ પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી નથી. કેટલાક માત્ર ધોરણ 12 પાસ છે, જ્યારે કેટલાક પાસે બી.એસસી.ની લાયકાત અથવા કમ્પાઉન્ડર તથા ઓટી આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ હોવાનું સામે આવ્યું છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પકડાયેલા આરોપીઓ (Bogus Doctors Surat) પૈકી એક વ્યક્તિ અગાઉ 14 વર્ષના કિશોરની સારવારના કેસમાં આરોપી હોવાનું સામે આવ્યું છે. કિશોરના પરિવારની ફરિયાદ બાદ તેની સામે ગુનો નોંધાયો હોવા છતાં તે ફરીથી નવું ક્લિનિક શરૂ કરીને દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

Pandesara Fake Doctor: ડમી દર્દી મોકલી પોલીસે હાથ ધર્યું મેગા ઓપરેશન

પાંડેસરા વિસ્તારમાં બોગસ તબીબો દ્વારા ડિગ્રી વગર દર્દીઓની સારવાર (Fake Clinic Surat) કરવામાં આવતી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે કાર્યવાહીનું આયોજન કર્યું હતું. પોલીસે અલગ-અલગ સ્થળોએ ડમી દર્દીઓને મોકલી માહિતી એકત્ર કરી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ અને પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને પાંડેસરા વિસ્તારમાં એકસાથે 8 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કેટલીક નાની દુકાનોમાં જ ક્લિનિક શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. કેટલાક સ્થળોએ ક્લિનિક બહાર ડોક્ટરનું નામ કે કોઈ તબીબી ડિગ્રી દર્શાવતું બોર્ડ પણ જોવા મળ્યું નહોતું.

સગીર દર્દીને પણ દવા ચડાવતો હતો બોગસ તબીબ

દરોડા દરમિયાન તપાસ ટીમને એક સ્થળે ચોંકાવનારું દૃશ્ય જોવા મળ્યું હતું. એક બોગસ તબીબ સગીર વયની દર્દીની સારવાર કરી રહ્યો હતો અને દવાની બોટલ ચડાવવામાં આવી રહી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ત્યારે આરોપીએ ગભરાઈને દર્દીના હાથમાંથી સિરીંજ કાઢી લીધી હતી.આ ઘટનાએ બોગસ તબીબો દ્વારા કોઈપણ યોગ્ય તબીબી લાયકાત વિના દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાના ગંભીર મુદ્દાને ઉજાગર કર્યો છે.

શ્રમિકોને બનાવી રહ્યા હતા નિશાન

પાંડેસરા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે અને કામ કરે છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ મુખ્યત્વે શ્રમિકોને દર્દી તરીકે સારવાર આપતા હતા.માન્ય મેડિકલ ડિગ્રી વગર પણ તેઓ દર્દીઓને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શન અને અન્ય સારવાર આપતા હોવાનો આરોપ છે. કેટલાક સ્થળોએ ગેરકાયદેસર રીતે બાટલા ચડાવવાની કામગીરી પણ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન કેટલાક આરોપીઓએ પોતાના પરિવારના સભ્યોની મેડિકલ ડિગ્રી અથવા અગાઉના કમ્પાઉન્ડર તરીકેના અનુભવના આધારે સારવાર શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું છે.

14 વર્ષના કિશોરના મોતના કેસનો આરોપી ફરી ક્લિનિક ચલાવતો ઝડપાયો

પકડાયેલા આરોપીઓમાં પાર્થ કાલીભદ્ર દેવનાથનો કેસ ખાસ ચોંકાવનારો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તે અગાઉ ‘સ્વસ્તીક ક્લિનિક’ના નામે દવાખાનું ચલાવતો હતો.લગભગ એક મહિના પહેલાં તેણે 14 વર્ષના અભિષેક સિંહ નામના કિશોરની સારવાર કરી હતી. સારવાર બાદ કિશોરનું મોત થયું હતું. પરિવારજનોએ સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે તપાસ ચાલી રહી છે.આ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું કે, આ કેસ બાદ પણ આરોપીએ નવું ક્લિનિક શરૂ કરીને ફરી દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી.

પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે તમામ 8 સ્થળોએથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિત કુલ રૂ.98,825નો મુદ્દામાલ કબજે કર્યો છે.તમામ 8 આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધવામાં આવ્યો છે.

મોટાભાગના આરોપીઓની લાયકાત માત્ર ધોરણ 12

તપાસમાં આરોપીઓની શૈક્ષણિક લાયકાત અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે…પાર્થ દેવનાથ: ધોરણ 12 પાસ, સિદ્ધાર્થ દેવનાથ: ધોરણ 12 પાસ, વિનોદકુમાર સહાની: ઓટી આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ, મનોરંજન બિસ્વાલ: બી.એસસી. પાસ, સજલ સમીર બિશ્વાસ: ધોરણ 12 પાસ, કમ્પાઉન્ડરનો અનુભવ, વિજય યાદવ: ધોરણ 12 પાસ, 15 વર્ષનો કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ, સંદીપ સોનવણે: ધોરણ 12 પાસ, 8 વર્ષનો કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ, શ્યામનારાયણ ગુપ્તા: બી.એસસી.નો અભ્યાસ

આ આરોપીઓ પાસે માન્ય તબીબી ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનો પોલીસનો આક્ષેપ છે.

માત્ર 21 વર્ષની ઉંમરે ‘ડોક્ટર’ બની ગયો

આ કેસમાં સજલ સમીર બિશ્વાસનો કિસ્સો પણ સામે આવ્યો છે. માત્ર 21 વર્ષનો સજલ ધોરણ 12 પાસ છે અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો.પોલીસ તપાસ મુજબ, તે છેલ્લા બે વર્ષથી પાંડેસરા વિસ્તારમાં ‘સાઈ બાબા ક્લિનિક’ ચલાવતો હતો. એટલે કે, માત્ર 19 વર્ષની ઉંમરથી જ તે ડોક્ટર તરીકે ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરતો હોવાનો આક્ષેપ છે. પાંડેસરામાં થયેલી આ કાર્યવાહીથી ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે માન્ય તબીબી લાયકાત વગર દર્દીઓની સારવાર કરતા લોકો સુધી કાર્યવાહી પહોંચવામાં કેમ વિલંબ થાય છે અને આવા લોકો ફરીથી ક્લિનિક શરૂ કરીને દર્દીઓની સારવાર કેવી રીતે કરી શકે છે?


આ પણ વાંચો: વડોદરામાં હિન્દુ ડોક્ટર યુવતીના કોર્ટ મેરેજનું નકલી સર્ટિફિકેટ? યુવકની ધરપકડ, SIT તપાસની માગ

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી તબીબ ઝડપાયો, બાવળા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર : જેસડા ગામમાંથી નકલી તબીબ ઝડપાયો, તબીબની ડિગ્રી વગર ચાલતુ હતુ દવાખાનું