New Delhi News : 8મા પગાર પંચ (8th Pay Commission)ને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આરોગ્ય સુવિધા અંગે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે CGHS લાભ (CGHS Benefits) મેળવવા માટે લાગુ રહેલી 5 કિલોમીટરની ભૌગોલિક મર્યાદા દૂર કરી છે. નવા નિયમથી હવે CGHS વેલનેસ સેન્ટરથી 5 કિલોમીટરથી વધુ અંતરે રહેતા અથવા ફરજ બજાવતા પાત્ર કર્મચારીઓને પણ યોજના સાથે જોડાવાની તક મળશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના EHS વિભાગ દ્વારા આ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો મુખ્ય હેતુ CGHS સુવિધાથી અંતરના કારણે વંચિત રહેતા કર્મચારીઓ માટે આરોગ્ય સેવાઓ (Health Benefits)નો વિકલ્પ સરળ બનાવવાનો છે.
જૂના નિયમમાં શું જોગવાઈ હતી?
વર્ષ 2018ના નિયમો અનુસાર, કર્મચારી અથવા તેનો પરિવાર CGHSની સુવિધા લેવા માટે સંબંધિત વેલનેસ સેન્ટરના 5 કિલોમીટરના વિસ્તારમાં રહેતો અથવા ફરજ બજાવતો હોવો જરૂરી હતો. આ મર્યાદાની બહાર રહેતા કર્મચારીઓ માટે CS(MA) Rules, 1944 હેઠળ તબીબી ખર્ચની ભરપાઈની જોગવાઈ હતી.
દૂરના વિસ્તારોમાં પોસ્ટિંગ ધરાવતા કર્મચારીઓ માટે આ વ્યવસ્થાને કારણે CGHS હેઠળની સારવાર અને એમ્પેનલ્ડ હોસ્પિટલની સુવિધા મેળવવામાં વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થતી હતી. નવા નિર્ણયથી આ અંતરની શરત દૂર કરવામાં આવી છે.
કર્મચારીઓને કેવી રીતે મળશે CGHSનો લાભ?
નવા નિયમ હેઠળ હાલમાં 5 KM (5 KM Rule)ની મર્યાદાને કારણે CS(MA) Rules, 1944 હેઠળ તબીબી સુવિધા મેળવી રહેલા પાત્ર કર્મચારીઓને CGHSમાં જોડાવા માટે વન-ટાઇમ વિકલ્પ આપવામાં આવશે.
કર્મચારી આ વિકલ્પ પસંદ કરે તો તેને CGHSના લાભાર્થી તરીકે નોંધણી કરાવવાની રહેશે. જોકે, તેના માટે પે-મેટ્રિક્સ મુજબ નક્કી કરવામાં આવેલું માસિક CGHS યોગદાન ભરવાનું રહેશે.
આ વિકલ્પ એક વખત પસંદ કર્યા બાદ તેને અંતિમ ગણવામાં આવશે. એટલે કર્મચારીએ પસંદગી કરતા પહેલાં બંને વ્યવસ્થાના નિયમો અને પોતાની જરૂરિયાત ધ્યાનમાં લેવી પડશે.
પરિવાર અને ડબલ ક્લેમ અંગે પણ નિયમ
CGHS પસંદ કરનાર કર્મચારીનો નિર્ણય તેના સમગ્ર પરિવાર માટે લાગુ પડશે. પરિવારના કેટલાક સભ્યોને CGHS અને અન્ય સભ્યોને CS(MA) Rules હેઠળ રાખવાની મંજૂરી રહેશે નહીં.
ઉપરાંત, કર્મચારી અથવા પરિવાર એકસાથે બંને યોજનાઓ હેઠળ સારવારનો દાવો કરી શકશે નહીં. કર્મચારીએ આ અંગે લેખિત બાંહેધરી આપવાની રહેશે. ખોટી માહિતી આપવાના કિસ્સામાં શિસ્તાત્મક કાર્યવાહી ઉપરાંત મળેલા લાભની વસૂલાત થઈ શકે છે.
જે કર્મચારીઓ આ વન-ટાઇમ વિકલ્પ પસંદ નહીં કરે તેઓ અગાઉની જેમ CS(MA) Rules, 1944 હેઠળ ચાલુ રહી શકશે.
જોકે, CGHS કવર્ડ વિસ્તારમાં રહેતા અથવા ફરજ બજાવતા કર્મચારીઓ માટે CGHS સાથે જોડાણ ફરજિયાત રહેશે. આવા કર્મચારીઓને CS(MA) Rules હેઠળ રહેવાનો વિકલ્પ ઉપલબ્ધ નહીં રહે.
આ ફેરફાર ખાસ કરીને CGHS વેલનેસ સેન્ટરથી દૂર રહેતા અથવા ફરજ બજાવતા કેન્દ્રીય કર્મચારી (Central Government Employees)ઓ માટે મહત્વનો છે. નવી વ્યવસ્થાથી આવા કર્મચારીઓને CGHS હેઠળ આરોગ્ય સુવિધા(Health Benefits) મેળવવાનો વધુ વ્યાપક વિકલ્પ મળશે.
આ પણ વાંચો : 8મા પગાર પંચ: 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ, માત્ર ૧૩% વધારો થઈ શકે છે
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓને ક્યારે મળશે વધારાનો પગાર? 8મા પગાર પંચ સંબંધિત અત્યાર સુધીના તમામ અપડેટ્સ અહીં જાણો
આ પણ વાંચો : 8મા પગાર પંચની કેવી અને ક્યાં અસર થશે? જાણો કમિશનનું ગણિત
