Gandhinagar News/ મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી આપઘાત કેસ, જ્હાનવીને માનસિક ત્રાસ આપતો પરણિત કમાન્ડો પ્રેમીની પોલીસે કરી ધરપકડ

ગાંધીનગર મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના Suicide કેસમાં ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની ધરપકડ. પોલીસ તપાસમાં પ્રેમસંબંધ, ત્રાસ અને વેબકેમથી નજર રાખ્યાના આક્ષેપ.

Gujarat Gandhinagar Breaking News
suicide

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-3D વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના મોત (suicide) ના કેસમાં પોલીસ તપાસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જ્હાનવીના પ્રેમસંબંધમાં રહેલા પરિણીત ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જ્હાનવીના રૂમમાં ઓડિયો સુવિધા ધરાવતો વેબકેમ (Webcam) લગાવવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે.

જ્હાન્વી suicide કેસમાં પ્રેમીની ધરપકડ

28 વર્ષીય જ્હાનવી ડાભી અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર (Shahibaug Police Headquarters)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અને ગાંધીનગરના સેક્ટર-3D વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. 15 સપ્ટેમ્બરે તેના મકાનમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સેક્ટર-7 પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.

પોલીસ તપાસ મુજબ, જ્હાનવીને બાઈક સ્ટંટ અને ઈન્સ્ટાગ્રામ (Instagram) રીલ્સ બનાવવાનો શોખ હતો. આશરે ચાર વર્ષ પહેલાં અરવલ્લીમાં યોજાયેલી બાઈક સ્ટંટ ઈવેન્ટ દરમિયાન તેનો પરિચય પ્રકાશ ચૌહાણ સાથે થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રકાશ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. બંને વચ્ચે ત્યારબાદ પ્રેમસંબંધ થયો હતો.

લગ્નનું વચન આપ્યાનો આક્ષેપ, બાદમાં સંબંધમાં ખટરાગ

પોલીસ તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે પ્રકાશે જ્હાનવીને લગ્નનું વચન આપ્યું હતું. આ સંબંધ દરમિયાન જ્હાનવીએ પોતાના અગાઉના લગ્નજીવનમાંથી કાયદેસર છૂટાછેડા લીધા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. જોકે, બાદમાં બંનેના સંબંધમાં ખટરાગ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રકાશ જ્હાનવી પર શંકા રાખતો હતો અને તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ છે. સપ્ટેમ્બરમાં જ્હાનવીએ લગ્ન અંગે વાત કરતાં પ્રકાશે ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ તેને મોબાઈલ તથા સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધી હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.

રૂમમાં વેબકેમ લગાવી નજર રાખવાનો આરોપ

આ કેસમાં સૌથી મહત્વની વિગતોમાં જ્હાનવીના રૂમમાં વેબકેમ (Webcam) લગાવવાનો મુદ્દો છે. પોલીસના જણાવ્યા મુજબ, જ્હાનવીની હિલચાલ પર નજર રાખવા માટે રૂમમાં ઓડિયો સુવિધા ધરાવતો વેબકેમ લગાવવામાં આવ્યો હતો અને તેનો પ્રવેશ પ્રકાશના મોબાઈલમાં હતો.

પોલીસને આશંકા છે કે જ્હાનવીના અંતિમ સમયની કેટલીક ઘટનાઓ અંગે પણ આ વેબકેમમાંથી માહિતી મળી શકે છે. પ્રકાશે પોતાના મોબાઈલમાંથી કેટલીક વિગતો કાઢી નાખી હોવાની માહિતી સામે આવતા પોલીસે વેબકેમ તથા બંનેના મોબાઈલ કબજે કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલ્યા છે. આ ડિજિટલ પુરાવા (Digital Evidence)ની તપાસ બાદ ઘટનાક્રમ વધુ સ્પષ્ટ થઈ શકે છે.

48 કલાક પહેલાં ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી પોસ્ટ

જ્હાનવીના મૃતદેહની જાણ મકાનમાંથી દુર્ગંધ આવતાં થઈ હતી. પોલીસને આશંકા છે કે મૃત્યુના આશરે દોઢથી બે દિવસ પહેલાં જ તેણે અંતિમ પગલું ભર્યું હતું. તેના મૃત્યુના આશરે 48 કલાક પહેલાં તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર સાથે ભાવનાત્મક સંદેશ પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ અને જ્હાનવીના મોબાઈલ સહિતના ડિજિટલ પુરાવાની પણ પોલીસ તપાસ કરી રહી છે. શરૂઆતની તપાસમાં કોઈ આત્મહત્યા નોંધ મળી ન હોવાનું અગાઉના અહેવાલોમાં જણાવાયું હતું.

બહેનના નિવેદન બાદ પ્રકાશ સામે કાર્યવાહી

જ્હાનવીના પરિવારજનોના નિવેદનો દરમિયાન કેસમાં અલગ-અલગ આક્ષેપો સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસે જ્હાનવીની બહેન સ્નેહલનું નિવેદન નોંધ્યું હતું. તેના આધારે પ્રકાશ ચૌહાણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસે પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, વેબકેમ દ્વારા જ્હાનવીના અંતિમ સમયની ઘટના પ્રકાશે ખરેખર જોઈ હતી કે નહીં, તેમજ ડિજિટલ પુરાવામાંથી શું સામે આવે છે તે FSL તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, શાહીબાગ હેડ ક્વાર્ટર્સમાં હતી ફરજ પર

આ પણ વાંચો: અમદાવાદના પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત, મદદ માટે આવ્યો હતો

આ પણ વાંચો: સુરતમાં ધોરણ-6ની 11 વર્ષની વિદ્યાર્થિનીનું આપઘાતથી મોત, મોબાઈલને લઈને માતા સાથે વાતચીત બાદ બની ઘટના