Ahmedabad News/ ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં સડેલા ડુંગળી-ટામેટા! એક્સપાયર ખાદ્ય સામગ્રી મળ્યાનો આક્ષેપ

ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થી સંગઠને અચાનક તપાસ કરી. સડેલા ડુંગળી-ટામેટા અને એક્સપાયર ખાદ્ય સામગ્રી મળી હોવાનો આક્ષેપ

Gujarat Ahmedabad Breaking News
Gujarat Vidyapith

Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલની મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સડેલા ડુંગળી-ટામેટા તેમજ કેટલીક એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની હાજરીમાં Gujarat Vidyapithમાં સરપ્રાઈઝ ચેકિંગ

ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને અગાઉ પણ સવાલો ઊભા થયા છે. આ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હોસ્ટેલની મેસ (Hostel Mess)માં વિદ્યાર્થીઓને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ (Surprise Checking) કરવામાં આવ્યું હતું. મેસમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવતા ભોજનમાં વપરાતી વિવિધ ખાદ્ય સામગ્રી અને શાકભાજીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક સામગ્રીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા હોવાનો વિદ્યાર્થી સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સડેલા ડુંગળી અને ટામેટા મળ્યાનો આક્ષેપ

ચેકિંગ દરમિયાન ભોજનમાં વપરાતા ડુંગળી અને ટામેટા મોટા પ્રમાણમાં સડેલા હોવાનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં આવી સામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપને પગલે મેસ સંચાલન સામે પણ સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે શાકભાજીની ગુણવત્તા યોગ્ય રીતે તપાસ્યા બાદ જ તેનો ભોજનમાં ઉપયોગ થવો જોઈએ. સડેલી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભોજનની ગુણવત્તા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું છે.

એક્સપાયર ખાદ્ય સામગ્રી પણ મળી હોવાનો દાવો

મેસમાં તપાસ દરમિયાન કેટલીક પેકિંગ ખાદ્ય સામગ્રી એક્સપાયર (Expiry Date) હોવાનું સામે આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલીક ખાદ્ય સામગ્રીના પેકેટ પર એક્સપાયરી તારીખ લખેલી ન હોવાનું પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા જણાવાયું છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં વપરાતી તમામ સામગ્રીની સમયમર્યાદા અને ગુણવત્તાની નિયમિત તપાસ થવી જરૂરી છે. આ મુદ્દે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વરસાદ દરમિયાન પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી

આ અગાઉ અમદાવાદમાં ભારે વરસાદ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં પાણી ઘૂસી ગયાનો વીડિયો વાયરલ થયો હતો. મેસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મેસમાં ભરાયેલા પાણીમાં કાનખજૂરો તરતા જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અન્ય સ્થળે ભોજનની વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપો પણ થયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ પાણી વચ્ચે ઊભા રહીને જમવા મજબૂર બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ

હાલ મેસમાં થયેલા ચેકિંગ (Checking) બાદ વિદ્યાર્થી સંગઠન દ્વારા સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને ખાદ્ય સલામતી (Food Safety) સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે નિયમિત તપાસ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. સડેલી કે સમયમર્યાદા પૂર્ણ થયેલી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થયો છે કે નહીં અને મેસમાં ભોજન તૈયાર કરવાની પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું છે કે નહીં, તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠ હોસ્ટેલમાં પાણી ભરાયા: વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહી જમ્યા,કાનખજૂરો તરતો જોવા મળ્યો

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠનો 70મો પદવીદાન સમારોહ, આચાર્ય દેવવ્રતે ‘સાદું જીવન-ઉચ્ચ વિચાર’નો સંદેશ આપ્યો

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક