Ahmedabad News: શહેરમાં સરકારી અધિકારીની ખોટી ઓળખ આપીને રોફ જમાવતા એક શખસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મણિનગર રેલવે ક્રોસિંગ નજીકથી ઝડપાયેલા આરોપીની ઓળખ કિરીટકુમાર બી. અમીન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાને ડેપ્યુટી મામલતદાર (Fake Deputy Mamlatdar) અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખાવતો હતો. તેની પાસેથી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગના નામે બનાવેલું નકલી આઈકાર્ડ પણ મળી આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ નકલી PSI બનીને રોફ જમાવતો હોવાની અને તેની સામે અગાઉ આશરે 7 ગુના નોંધાયેલા હોવાની વિગતો સામે આવી છે.
Fake Deputy Mamlatdar: બાતમીના આધારે મણિનગરમાંથી ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમ મણિનગરના જયહિંદ ચાર રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રમેશકુમારને બાતમી મળી હતી કે ઘોડાસરનો કિરીટકુમાર અમીન મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ નજીક પોતે ડેપ્યુટી મામલતદાર (Fake Deputy Mamlatdar) અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપીને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે રેલવે ક્રોસિંગ નજીક તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ રીતે ફરતા કિરીટકુમારને ઝડપી પાડ્યો હતો.
Fake Deputy Mamlatdar: મોડાસાના ડેપ્યુટી મામલતદારનું બનાવટી ID કાર્ડ
આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતે મોડાસા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેની વાત પર શંકા જતા ક્રાઇમ બ્રાન્ચે તેની અંગઝડતી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ‘Government of Gujarat – Revenue Department’ લખેલું લેમિનેટેડ આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આ આઈડી કાર્ડમાં આરોપીનું નામ કિરીટકુમાર બી. અમીન દર્શાવવામાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ સરકારી ઓળખકાર્ડ બનાવટી હોવાનું સામે આવ્યું હતું.
‘સસ્પેન્ડ છું’ કહીને ઓળખ આપતો હોવાનો દાવો
પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે આરોપી લોકોને પોતે સરકારી અધિકારી હોવાનું જણાવતો હતો અને હાલમાં સસ્પેન્ડ હોવાનું કહેતો હતો. આ રીતે તે પોતાની ખોટી ઓળખને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરતો હોવાની પોલીસને શંકા છે. આરોપી અગાઉ પણ પોતાને PSI તરીકે ઓળખાવી રોફ જમાવતો હોવાની વિગતો સામે આવી છે.
અગાઉ પણ 7 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી સામે અગાઉ આશરે 7 ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. હવે નકલી ડેપ્યુટી મામલતદાર (Fake Deputy Mamlatdar) બનીને ફરવાના મામલે તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ અને તેણે નકલી સરકારી અધિકારીની ઓળખનો ઉપયોગ કયા હેતુથી કર્યો હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ગોલ્ડ અને બિટકોઇનના હવાલા અંગે પણ વાતો કરતો હતો
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગોલ્ડ, બિટકોઇન સહિતના હવાલા અંગે પણ વાતો કરતો હતો. જોકે, આ દાવાઓ પાછળ વાસ્તવમાં કોઈ વ્યવહાર થયો હતો કે નહીં અને તેનો આ કેસ સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં તે અંગે તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.
મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નકલી સરકારી ઓળખકાર્ડ મળી આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી મળેલા દસ્તાવેજો અને અગાઉના ગુનાહિત રેકોર્ડ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીએ નકલી ડેપ્યુટી મામલતદાર (Fake Deputy Mamlatdar) તરીકે ઓળખ આપીને અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી કે નહીં અથવા સરકારી અધિકારીની ઓળખનો ઉપયોગ કરીને કોઈ ગેરકાયદેસર લાભ મેળવ્યો હતો કે નહીં.
આ પણ વાંચો:ડેપ્યુટી કલેકટર થઇ જેલના સળિયા પાછળ, નકલી અધિકારી બની સોનીને 12.38 લાખનો લગાડ્યો હતો ચૂનો
આ પણ વાંચો:PMO અધિકારી હોવાનો દાવો, નકલી ઓળખપત્ર સાથે BKCમાં પ્રવેશનો પ્રયાસ; યુવક ઝડપાયો
આ પણ વાંચો:મહેસાણામાં 2 મહિલા સહિત નકલી GST અધિકારીઓ ઝડપાયા, CCTV આવ્યા સામે
