Surat News/ સુરત સ્ટ્રીટલાઈટ ટેન્ડર મામલે ACB એક્શનમાં, 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માગી

સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઈટ ટેન્ડર (Streetlight Tender) મામલે હવે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACB તપાસ આગળ વધારવાની તૈયારીમાં છે

Gujarat Surat
સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઈટ ટેન્ડર (Streetlight Tender) મામલે હવે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACB તપાસ આગળ વધારવાની તૈયારીમાં છે

Surat New : સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઈટ ટેન્ડર (Streetlight Tender) મામલે હવે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACB તપાસ આગળ વધારવાની તૈયારીમાં છે. વર્ષ 2019માં સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સ અને LED સપ્લાય સાથે જોડાયેલા ચાર ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ ભરાયા બાદ પણ ટેન્ડર રદ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે તપાસ પૂર્ણ કર્યા બાદ ACBએ પાંચ અધિકારીઓ સામે તપાસની મંજૂરી માગી છે.

Streetlight Tender : 2019ના ચાર ટેન્ડરથી શરૂ થયો વિવાદ

મળતી માહિતી મુજબ, વર્ષ 2019માં સુરત મનપા દ્વારા સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સ અને LED સપ્લાય માટે ચાર અલગ-અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ઇજારદાર ગોપાલ લાંબાએ આ ચારેય ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ રજૂ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જોકે, આ ટેન્ડરોને દફતરે કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે ઇજારદાર દ્વારા ACB સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને નિયમવિરુદ્ધ કામગીરી થયાની રજૂઆત કરવામાં આવી હતી.

ACBની સુરત કચેરીએ સમગ્ર મામલે લાંબી તપાસ હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને અન્ય લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા બાદ તપાસનો વિસ્તૃત અહેવાલ વડી કચેરીને મોકલવામાં આવ્યો હતો.

પાંચ અધિકારીઓ સામે તપાસની મંજૂરી માગી

એસીબીએ હવે આ મામલે સુરત મનપાના પાંચ અધિકારીઓ સામે તપાસ માટે મંજૂરી માગી છે. તેમાં તત્કાલિન વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણ, નિવૃત્ત એડિશનલ સિટી ઇજનેર કે.એચ. ખતવાણી, નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર કિરીટ સુવર્ણકાર, ડેપ્યુટી ઇજનેર રોહિત પટેલ અને ડેપ્યુટી ઇજનેર કે.ટી. પટેલનો સમાવેશ થાય છે.

આ પૈકી જયેશ ચૌહાણ અને કે.એચ. ખતવાણી નિવૃત્ત થઈ ચૂક્યા છે. કિરીટ સુવર્ણકારે રાજીનામું આપ્યું છે, જ્યારે કે.ટી. પટેલ હાલમાં મનપાના હાઇડ્રોલિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

હવે તપાસની મંજૂરી આપવામાં આવે છે કે નહીં, તે સુરત મનપાના કમિશનરના નિર્ણય પર નિર્ભર રહેશે.

નીચા ભાવના ટેન્ડર રદ કરવાના નિર્ણયની તપાસ

આ સમગ્ર કેસમાં મુખ્ય મુદ્દો ચાર ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ રજૂ કરાયા બાદ પણ ટેન્ડર પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય હોવાનું સામે આવ્યું છે. ACBની તપાસમાં આ નિર્ણય પાછળની પ્રક્રિયા, સંબંધિત અધિકારીઓની ભૂમિકા અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

એસીબી દ્વારા તપાસની મંજૂરી માગવામાં આવતા સુરત મનપા (Surat Municipal Corporation)ના વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જોકે, હાલ તપાસની મંજૂરી મળ્યા બાદ જ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહીનો માર્ગ સ્પષ્ટ થશે.

પૂર્વ વિજિલન્સ ઓફિસરની ભૂમિકા ચર્ચામાં

આ કેસમાં તત્કાલિન વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણનું નામ પણ સામે આવ્યું છે. અગાઉ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના એક ટેન્ડર સંબંધિત વિવાદમાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.

આ મામલે તેમના દ્વારા તત્કાલિન કમિશનરના દબાણ હેઠળ કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈ વિરુદ્ધ પાયાવિહોણો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. જોકે, આ અંગેના આક્ષેપો અને અગાઉની કાર્યવાહી અંગે સંબંધિત પક્ષોના સત્તાવાર વલણને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.

હવે સ્ટ્રીટલાઈટ ટેન્ડર પ્રકરણમાં ACBએ જયેશ ચૌહાણ સહિત પાંચ અધિકારીઓ સામે તપાસની મંજૂરી માગતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. કમિશનર તરફથી મંજૂરી મળે છે કે નહીં અને ત્યારબાદ એસીબી કઈ દિશામાં તપાસ આગળ વધારે છે તેના પર હવે સૌની નજર રહેશે.


આ પણ વાંચો : ગાંધીનગર ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, NOC રિન્યૂઅલમાં ACBનો સપાટો

આ પણ વાંચો : ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો: ₹500ની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્ક ઝડપાયા

આ પણ વાંચો : AMCના નામે સેટલમેન્ટનો કાળો ખેલ! પતિ-પત્ની રૂ.3.15 લાખ સાથે ACBના જાળમાં