Chhota Udepur News: છોટાઉદેપુરના પાવી-જેતપુરમાંથી પસાર થતા NH-56ના બાયપાસ (NH 56 Bypass) માટે સર્વે શરૂ થતાં જ સ્થાનિકોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ સૂચિત બાયપાસના માર્ગમાં ખેતીની જમીનો, રહેણાંક મકાનો, શાળા, આંગણવાડી, મંદિર, કબ્રસ્તાન અને તળાવ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થઈ શકે છે. વિકાસના નામે ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન થવાની આશંકા વચ્ચે નગરજનો અને આગેવાનો રેલી સાથે તાલુકા સેવા સદન પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી સર્વે અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર વિસ્તારમાં NH-56ના બાયપાસ માટે સર્વેની કામગીરી શરૂ થતાં જ સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.

સર્વેના વિરોધમાં પાવી-જેતપુર વન કુટીર ખાતેથી નગરજનો અને આગેવાનોએ રેલી યોજી હતી. રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપી બાયપાસ (NH 56 Bypass)ના સૂચિત માર્ગ અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સૂચિત માર્ગમાં ખેડૂતોની કિંમતી ખેતીની જમીનો અને રહેણાંક મકાનો અસરગ્રસ્ત થઈ શકે છે. એટલું જ નહીં, પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ બાયપાસની ઝપેટમાં આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ સ્વામિનારાયણ મંદિર, શંકર ટેકરીનું પ્રાચીન શિવ મંદિર, મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને જેતપુરનું તળાવ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. તળાવ વિસ્તારમાંથી બાયપાસ (NH 56 Bypass) પસાર થાય તો જળચર જીવો, પશુઓ અને પર્યાવરણને નુકસાન થવાની આશંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

આ ઉપરાંત દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, પાણીની મુખ્ય સંપ અને પાઈપલાઈન સહિતની સુવિધાઓને પણ અસર થવાની શક્યતા અંગે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે જો સૂચિત બાયપાસ (NH 56 Bypass)ના કારણે મોટી સંખ્યામાં લોકોની જમીન, રહેણાંક મકાનો અને જાહેર ઉપયોગની મિલકતો અસરગ્રસ્ત થતી હોય, તો વૈકલ્પિક માર્ગ અંગે વિચારણા કેમ કરવામાં ન આવે?
સ્થાનિકોની માંગ છે કે અસરગ્રસ્ત વિસ્તારો અને જાહેર ઉપયોગની મિલકતોને ધ્યાનમાં રાખીને હાલના સર્વે અંગે પુનર્વિચાર કરવામાં આવે અને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવે.

NH 56 Bypass: મામલતદારને આવેદન, ધારાસભ્ય અને કલેક્ટરને પણ રજૂઆત
આ મુદ્દે પાવી-જેતપુરના નગરજનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું છે. સાથે જ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે બાયપાસનો માર્ગ અન્યત્ર ખસેડવામાં આવે અને લોકો તથા જાહેર મિલકતોને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે સર્વે કરવામાં આવે.
જોકે, સ્થાનિકોની માંગ સ્વીકારવામાં નહીં આવે અને હાલની કામગીરી આગળ વધારવામાં આવશે તો પાવી-જેતપુરના આગેવાનો અને ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હવે સ્થાનિકોના વિરોધ અને રજૂઆતો બાદ બાયપાસ (NH 56 Bypass)ના સર્વે અંગે સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર છે.
@સુલેમાન ખત્રી
આ પણ વાંચો:સુરતમાં નેશનલ હાઈવે-56 બાયપાસનો વિરોધ ઉગ્ર, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
