Gujarat News : ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા છતાં હવામાન (Gujarat Weather)માં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા (Rain Alert)વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
Gujarat Weather : ગુજરાતમાં 3 દિવસ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફમાં ફેરવાતા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી અસર જોવા મળી શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.
5 જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીને પાર
એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના પાંચ જિલ્લામાં મહત્તમ તાપમાન (Temperature) 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે રાજકોટમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
આ કારણે વરસાદી માહોલની શક્યતા વચ્ચે દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ
હાલ ચોમાસાની વિદાય લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક હવામાન પરિસ્થિતિને કારણે વરસાદની સંભાવના યથાવત્ છે. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય (Monsoon Withdrawa)ની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ આજે અને 1 ઓક્ટોબરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Light Rain)ની શક્યતા રહેશે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
દરિયાકાંઠે પવનની ઝડપ વધશે
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા ન હોવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ સાથે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
