Rajkot News : રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં મૃતદેહની અદલાબદલી (Dead Body Swap)નો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 92 વર્ષીય હરસુખલાલ શાંતિલાલ ઠાકરના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જોકે, પરિવારજન અંતિમવિધિ (Funeral)માટે પહોંચ્યા ત્યારે મૃતદેહ ત્યાં જોવા મળ્યો ન હતો. તપાસ દરમિયાન મૃતદેહ અન્ય પરિવારને સોંપાઈ ગયો હોવાનું અને તેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
92 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન થયું હતું મોત
પરિવારના જણાવ્યા અનુસાર હરસુખલાલ ઠાકરને ગોળાનું ઓપરેશન કરાવવા માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષની ઉંમરને કારણે ઓપરેશન જોખમી હોવા છતાં પરિવારજનોએ સારવારનો નિર્ણય લીધો હતો. સારવાર દરમિયાન તેમની તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું મોત થયું હતું.

મૃતકની દીકરી અમેરિકામાં હોવાથી તે રાજકોટ પહોંચે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહને રાખવાનો નિર્ણય કર્યો હતો. 28 સપ્ટેમ્બરના રોજ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.
કોલ્ડ સ્ટોરેજ પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો
પરિવારજનોએ બુધવારે સવારે અંતિમવિધિની તૈયારીઓ કરી હતી. જોકે, તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પહોંચ્યા ત્યારે હરસુખલાલ ઠાકરનો મૃતદેહ મળ્યો નહોતો.
હોસ્પિટલ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતદેહની અદલાબદલી (Dead Body Swap)થઈ હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળ્યું કે મુંબઈના ગોપાલભાઈ નામના વૃદ્ધના પરિવારને હરસુખલાલ ઠાકરનો મૃતદેહ સોંપાઈ ગયો હતો. ત્યારબાદ રામનાથપરા સ્મશાન ખાતે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હતા.
અમેરિકાથી આવેલી દીકરી પિતાના અંતિમ દર્શન ન કરી શકી
પિતાના અંતિમ સંસ્કાર માટે દીકરી ખાસ અમેરિકાથી રાજકોટ આવી હતી. પરિવારજનોએ તેમની હાજરીમાં અંતિમવિધિ કરવાની તૈયારી કરી હતી. પરંતુ મૃતદેહની અદલાબદલીના કારણે પરિવારને ભારે આઘાત લાગ્યો હતો.
પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો પોલીસ સુધી પહોંચતા પરિવારજનો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિવિલ તંત્રે તપાસ કમિટી બનાવી
રાજકોટ સિવિલના અધિક્ષક કમલસિંહ ડોડીયાએ ઘટનાને ગંભીર અને દુઃખદ ગણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર મૃતદેહની અદલાબદલી (Dead Body Swap)કયા કારણોસર થઈ તેની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે.
સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે SOP તૈયાર કરવાની વાત પણ કરવામાં આવી છે. મૃતદેહની અદલાબદલીમાં ગુનાહિત બેદરકારી થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હવે તપાસ કમિટીના અહેવાલમાં સમગ્ર ઘટનાની જવાબદારી કોની સામે આવે છે તે મહત્વનું રહેશે.
