Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીમાં લાખોનું કૌભાંડ!? પૂર્વ કુલપતિના વિદેશ પ્રવાસને લઈ વિવાદ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના અમેરિકા પ્રવાસના 5.88 લાખના ખર્ચને લઈને સવાલો ઉઠ્યા છે. સરકારી મંજૂરીની શરતો છતાં ચુકવણી GUPIERમાંથી થઈ હોવાનો દાવો.

Breaking News Mantavya Vishesh
Gujarat University

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના જૂન 2026ના અમેરિકા પ્રવાસને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે.

Gujarat Universityના પૂર્વ કુલપતિ સામે કૌંભાડના આક્ષેપ 

અહેવાલ મુજબ, 4થી 9 જૂન દરમિયાન ટેક્સાસ (Texas)ના પ્રવાસ માટે શિક્ષણ વિભાગ પાસેથી મંજૂરી લેવામાં આવી હતી. 6 એપ્રિલે મળેલી મંજૂરીમાં સ્પષ્ટ શરત હતી કે એર ટિકિટ સહિતનો પ્રવાસ ખર્ચ રાજ્ય સરકાર કે ગુજરાત યુનિવર્સિટી ભોગવશે નહીં.  સરકારની શરત હોવા છતાં 5,88,769નો એડવાન્સ પ્રવાસ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ ચુકવણી ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી GUPIER નામની Section 8 સંસ્થાના ફંડમાંથી કરવામાં આવી હોવાનો દાવો છે. ખર્ચની ફાઇલમાં GUPIERના ગ્રુપ CEO શ્રીનિવાસ રાવ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને નીરજા ગુપ્તાની સહીઓ હોવાનો અહેવાલ છે.

અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ

આ મામલે GUPIERના અધિકારીઓની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે. અગાઉ શ્રીનિવાસ રાવ સહિત કેટલાક અધિકારીઓની નિમણૂક અને પગારને લઈને વિવાદ થયો હતો. ઓગસ્ટ 2026ના અહેવાલ મુજબ, ગુજરાત યુનિવર્સિટીએ નિયમ વિરુદ્ધ ભરતીના આક્ષેપો વચ્ચે 10 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા, જેમાં શ્રીનિવાસ રાવનો પણ સમાવેશ હતો. તેમના માસિક પગાર અંગે પણ સવાલો ઉઠ્યા હતા.

નીરજા ગુપ્તા સામે અગાઉ પણ આક્ષેપો

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા (Neerja Gupta) સામે અગાઉ પણ નાણાકીય વ્યવહાર અને વિદેશ પ્રવાસના ખર્ચને લઈને આક્ષેપો થયા છે. સપ્ટેમ્બર 2026ના અહેવાલોમાં અમેરિકા અને દુબઈ (Dubai)ના પ્રવાસ દરમિયાન અંગત ખરીદીના બિલ યુનિવર્સિટી ખર્ચમાં દર્શાવ્યાના આરોપોનો ઉલ્લેખ થયો હતો. એક અહેવાલ મુજબ, આવા કથિત ખર્ચમાં આશરે 33,300ની ખરીદીનો સમાવેશ થતો હતો.

હવે મુખ્ય સવાલ એ છે કે શિક્ષણ વિભાગ (Education Department) આ 5.88 લાખના પ્રવાસ ખર્ચની તપાસ કરશે કે નહીં? GUPIERમાંથી ચુકવણી કયા નિયમ હેઠળ કરવામાં આવી અને મંજૂરીની શરતોનું પાલન થયું કે નહીં, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે. સાથે જ, પૂર્વ કુલપતિના અન્ય વિદેશ પ્રવાસોના ખર્ચમાં પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી કે કેમ, તે તપાસનો મુદ્દો બની શકે છે.