Gujarat News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર (PI) તરીકે રહેલા નીરજા ગુપ્તાએ હવે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રોજેક્ટની ગ્રાન્ટમાંથી 16.53 કરોડથી વધુની રકમ તેમના નામ સાથે જોડાયેલા બેંક ખાતામાં જમા થઈ હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. આ પૈકી આશરે 14 કરોડ રૂપિયા હવે યુનિવર્સિટીને પરત કરવામાં આવ્યા છે.
16.53 કરોડની રકમ પોતાના નામના ખાતામાં જમા થઈ હતી
PMJVK પ્રોજેક્ટ માટે કુલ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. પ્રથમ હપ્તા તરીકે 16 કરોડથી વધુની રકમ મળી હતી. આ રકમ જે ખાતામાં જમા થઈ હતી, તે ખાતું પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના નામે ખોલવામાં આવ્યું હતું. ખાતામાં કોમ્પ્યુટર ઓપરેટર પાર્થ પંચાલ અને ટેમ્પરરી એકાઉન્ટન્ટ હર્ષાબેનના નામ પણ જોડાયેલા હોવાનું જણાવાયું છે. યુનિવર્સિટીના નિયમો મુજબ આવા ખાતામાં કુલપતિ, રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટ ઓફિસરની ભૂમિકા હોવી જોઈએ. આ પ્રક્રિયાને લઈને હવે સવાલો ઊભા થયા છે.
14 કરોડ ડિમાન્ડ ડ્રાફ્ટથી યુનિવર્સિટીને પરત
વિવાદ વચ્ચે નીરજા ગુપ્તાએ રજિસ્ટ્રારને ઈ-મેલ કરીને PMJVKના PI પદેથી રાજીનામું મોકલ્યું છે. સાથે જ ખાતામાં જમા થયેલી રકમમાંથી આશરે 14 કરોડ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે ગુજરાત યુનિવર્સિટીને પરત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ હવે આ રકમ માટે નવું ખાતું ખોલાવી તેમાં રકમ જમા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
બે કરોડ રૂપિયાના ખર્ચનો હિસાબ બાકી
PMJVKની ગ્રાન્ટમાંથી આશરે બે કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું યુનિવર્સિટી(Gujarat University) તંત્ર તરફથી જણાવાયું છે. જોકે આ રકમ ક્યાં અને કયા કામ માટે ખર્ચાઈ તેની સંપૂર્ણ વિગતો તથા ઓડિટ સ્ટેટમેન્ટ રજૂ કરવાનું બાકી છે. ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ સંબંધિત એકાઉન્ટન્ટને ખર્ચનો હિસાબ અને ઓડિટ સ્ટેટમેન્ટ રજૂ કરવા સૂચના આપી છે.
બે અન્ય પ્રોજેક્ટમાં હજુ PI તરીકે નામ
નીરજા ગુપ્તા માત્ર PMJVK જ નહીં, પરંતુ બ્રેન મેપિંગ લેબ અને બહુ રત્ના વસુંધરા પ્રોજેક્ટ સાથે પણ PI તરીકે જોડાયેલા હતા. હાલ PMJVKમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ અન્ય બે પ્રોજેક્ટમાંથી રાજીનામું(Gujarat University) આપ્યાની માહિતી સામે આવી નથી. બ્રેન મેપિંગ લેબમાં નીરજા ગુપ્તાને 24.98 લાખ અને રજિસ્ટ્રાર પિયુષ પટેલને 3.20 લાખ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇન્ચાર્જ કુલપતિના(Gujarat University) જણાવ્યા મુજબ કુલપતિનો (Gujarat University) કાર્યકાળ પૂર્ણ થયા બાદ અન્ય હોદ્દાઓ અંગે પણ જરૂરી પ્રક્રિયા થવી જોઈએ. હવે બાકી રહેલા બે પ્રોજેક્ટમાં તેમની ભૂમિકા અંગે યુનિવર્સિટી તંત્ર આગળ શું નિર્ણય લે છે તેના પર નજર છે.
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પ્રોજેક્ટને લઈને વિવાદ
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં Safety Auditની માંગ, NSUIનું આવેદન
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હલ્લાબોલ, ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ
