Ahmedabad News/ ખંભાતથી એમ્બરગ્રીસ લઈને બાવળા આવ્યા, સોદો થાય તે પહેલાં જ SMCએ દબોચ્યા

SMCએ બાવળા ચોકડી પાસે 4.35 કરોડનું 4.354 કિલો એમ્બરગ્રીસ (Ambergris) ઝડપી પાડ્યું, અજય ચાવડા અને હિતેશ ચૌહાણની ધરપકડ.

Gujarat Ahmedabad Breaking News
ambergris

Ahmedabad News: ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે અમદાવાદ ગ્રામ્યના બાવળા ચોકડી નજીક દરોડો પાડી 4.35 કરોડની કિંમતનું 4.354 કિલો એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી, Ambergris) ઝડપી પાડ્યું છે. પોલીસે બે શખસોની ધરપકડ કરી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ (Wildlife Protection Act) ગુનો નોંધ્યો છે. વધુ તપાસ બાવળા પોલીસે હાથ ધરી છે.

બાવળા ચોકડી પાસે 4.35 કરોડના Ambergris સાથે 2ની ધરપકડ

મળતી માહિતી મુજબ, SMCની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે (Rajkot-Ahmedabad Highway)પર બાવળા ચોકડી પાસે આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્યાંથી અજય અશોકભાઈ ચાવડા (રહે. તારાપુર, જી. આણંદ) અને હિતેશ દશરથભાઈ ચૌહાણ (રહે. ભેટાવાડા, ધોળકા, અમદાવાદ) નામના બે શખસોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી જુદા-જુદા આકાર અને સાઇઝના એમ્બરગ્રીસના ટુકડાઓ મળી આવ્યા હતા.

વન વિભાગ અને FSLની ટીમ બોલાવાઈ

ઘટના બાદ વન વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને બોલાવી પદાર્થની તપાસ કરાવવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલા 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસની કિંમત 4.35 કરોડ અંકાઈ છે, જ્યારે અન્ય સામગ્રી સાથે કુલ 4.38 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. SMCએ બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાવળા પોલીસને સોંપી દીધા છે.

ખંભાતથી વેચવા આવ્યા હતા

પ્રાથમિક પૂછપરછ દરમિયાન અજય ચાવડાએ ખુલાસો કર્યો હતો કે, તારાપુરના મેહુલ મનીષભાઈ ડાભીએ તેને એમ્બરગ્રીસના વેચાણનું સેટિંગ કરવા માટે બાવળા બોલાવ્યો હતો. જેથી અજય ચાવડા તેના સાથી કિશનભાઈ ટીકમભાઈ ગોહેલ અને અન્ય એક વ્યક્તિ સાથે બાવળાની ગોવાળિયા હોટલ ખાતે પહોંચ્યો હતો. આ દરમિયાન હિતેશ ચૌહાણ ખંભાત વિસ્તારમાંથી એમ્બરગ્રીસ લઈને આવ્યો હતો. આકૃતિ આર્કેડના પાર્કિંગમાં ગ્રાહકને બતાવી વેચવાની પેરવી ચાલતી હતી, ત્યારે જ SMCની ટીમે તેમને ઝડપી લીધા હતા.

સપ્લાય ચેઇન પાછળ કોણ? પોલીસ તપાસ

હાલ બાવળા (Bavla) પોલીસે આ ગેરકાયદે સપ્લાય ચેઇન પાછળ કોણ છે, એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ખરીદદાર કોણ હતો, તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદ-ભાવનગર હાઈવે પરથી ₹1.01 કરોડની એમ્બરગ્રીસ સાથે યુવક ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદમાં 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે 3 વિદ્યાર્થી ઝડપાયા: BA, LLB અને B.Comના યુવકો વ્હેલની ‘ઉલ્ટી’ વેચવા આવ્યા હતા

આ પણ વાંચો: સરખેજમાંથી 8.70 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 4 શખ્સો ઝડપાયા