Gujarat News: ગુજરાત UCC બિલ-2026ને (Gujarat UCC Bill 2026) રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે અમલની પ્રક્રિયા આગળ વધશે; લગ્ન નોંધણી, લિવ-ઇન સંબંધો, વારસો અને છૂટાછેડા સહિતના મુદ્દાઓ કાયદાના દાયરામાં
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાગુ (Gujarat UCC Law) કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ-2026ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. બિલનો વ્યાપ લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો જેવા વ્યક્તિગત કાયદા સાથે જોડાયેલા મુદ્દાઓ સુધી છે. બિલમાં અમલની તારીખ રાજ્ય સરકાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નક્કી કરશે તેવી જોગવાઈ છે.
Gujarat UCC Bill 2026: મહિલાઓના સંપત્તિ અને વારસાના હક પર ભાર
UCCની ચર્ચામાં સૌથી મહત્વના મુદ્દાઓમાં વારસાગત હકનો સમાવેશ થાય છે. કાયદા હેઠળ વારસાની વ્યવસ્થામાં પતિ-પત્ની, સંતાનો અને માતા-પિતાના હકોને એકરૂપ કાયદાકીય માળખા હેઠળ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન બહારના સંબંધથી જન્મેલા, સરોગસીથી જન્મેલા અને દત્તક લીધેલા બાળકોના વારસાગત હકો અંગે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.
ST સમુદાયને મુક્તિ
UCCની જોગવાઈઓમાં અનુસૂચિત જનજાતિ એટલે કે ST સમુદાય માટે વિશેષ મુક્તિ રાખવામાં આવી છે. બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિના સભ્યો તેમજ બંધારણના ભાગ-21 હેઠળ સુરક્ષિત કેટલાક પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને કાયદાની જોગવાઈઓમાંથી બહાર રાખવાની જોગવાઈ છે.
લગ્નની નોંધણી ફરજિયાત
UCC હેઠળ લગ્નને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો છે. લગ્નની પરંપરાગત ધાર્મિક વિધિઓ યથાવત રાખવામાં આવી છે, પરંતુ લગ્નની કાયદાકીય નોંધણી ફરજિયાત બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થા હેઠળ લગ્ન થયા બાદ નિર્ધારિત સમયગાળામાં તેની નોંધણી કરાવવાની રહેશે. નોંધણી ન કરાવવાના કિસ્સામાં દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે. લગ્નની ઉંમર અંગે હાલની કાયદાકીય જોગવાઈ મુજબ પુરુષ માટે 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે.
એકપત્નીત્વનો નિયમ
UCCમાં એકપત્નીત્વની જોગવાઈ (UCC Gujarat Women Rights) પણ મહત્વપૂર્ણ છે. એટલે કે જીવિત જીવનસાથી હોય ત્યાં સુધી અન્ય લગ્ન કરવાની મંજૂરી નહીં રહે. આ સાથે લગ્ન અને છૂટાછેડા સંબંધિત પ્રક્રિયાઓને એકરૂપ કાયદાકીય માળખા હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લિવ-ઇન સંબંધો માટે નોંધણીની વ્યવસ્થા
ગુજરાત UCCમાં લિવ-ઇન સંબંધો (UCC Live In Relationship) અંગે પણ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે.લિવ-ઇન સંબંધમાં રહેતા અથવા રહેવા ઇચ્છતા યુગલોએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન આપીને નોંધણી કરાવવાની રહેશે.સંબંધ પૂર્ણ થાય ત્યારે તેની જાણ પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ રજિસ્ટ્રારને કરવાની જોગવાઈ છે.
છૂટાછેડાના કેસમાં મધ્યસ્થતાનો વિકલ્પ
લગ્ન અને છૂટાછેડા સાથે જોડાયેલા વિવાદોમાં કોર્ટની કાર્યવાહી પહેલાં મધ્યસ્થતા એટલે કે પ્રિ-લિટિગેશન મેડિએશનનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.આ વ્યવસ્થાનો હેતુ પક્ષકારો વચ્ચેનો વિવાદ કોર્ટની લાંબી પ્રક્રિયા પહેલાં મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવાનો છે.
સરકારી દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ માટે નોંધણી મહત્વની
લગ્નની નોંધણીને માત્ર કાયદાકીય પ્રક્રિયા પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. લગ્ન નોંધણી સાથે જોડાયેલી વિગતોને સરકારી દસ્તાવેજો અને વૈવાહિક સ્થિતિના રેકોર્ડ સાથે પણ સાંકળવામાં આવી છે.ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને પણ લાગુ પડવાની જોગવાઈ
બિલના ટેક્સ્ટ મુજબ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે અને ગુજરાતના એવા રહેવાસીઓને પણ લાગુ પડશે જેઓ રાજ્યની બહાર રહે છે.
હવે આગળ શું?
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે UCCના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નોટિફિકેશન અને પ્રક્રિયા મહત્વપૂર્ણ બનશે. બિલમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કાયદો રાજ્ય સરકાર ગેઝેટમાં નક્કી કરે તેવી તારીખથી અમલમાં આવશે.
આ રીતે ગુજરાતમાં UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો જેવા વ્યક્તિગત કાયદા સંબંધિત મુદ્દાઓ માટે એક અલગ અને એકરૂપ કાયદાકીય માળખું ઊભું થશે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રીથી ખળભળાટ, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર
આ પણ વાંચો: લગ્નથી લિવ-ઇન સુધી બદલાશે નિયમો: ગુજરાતમાં UCC લાગુ, 7 વર્ષ સુધીની જેલની સજા
આ પણ વાંચો: ગુજરાતમાં UCC બિલ બહુમતીથી પાસ: દેશનું બીજું રાજ્ય
