Surat News: સુરતમાં યોજાયેલી સંકલન બેઠકમાં શહેરની અનેક ગંભીર (Surat Coordination Meeting) સમસ્યાઓનો મુદ્દો ઉઠ્યો છે. એક તરફ રહેણાંક વિસ્તારોમાં હોટફિક્સ મશીનોના પ્લાસ્ટિક કચરાના ઢગલા, બીજી તરફ સોસાયટીઓમાં ગેરકાયદે ગોડાઉન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ… તો સાથે જ નો-એન્ટ્રીના સમય દરમિયાન દોડતા ડમ્પરો અને મોટા વાહનોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો. નવી મહાનગરપાલિકા (Surat Municipal Corporation) કમિશનર સાથેની પ્રથમ બેઠકમાં ધારાસભ્યોએ જૂના પ્રશ્નો ફરી તંત્ર સમક્ષ મૂક્યા અને તેના કાયમી ઉકેલની માગ કરી.
Surat Coordination Meeting: પાલિકાની બેઠકમાં કાનાણીનો ઉગ્ર વિરોધ
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ (Kumar Kanani) હોટફિક્સ મશીનોમાંથી નીકળતા પ્લાસ્ટિક કચરાનો મુદ્દો (Hotmix Waste) ઉગ્રતાથી ઉઠાવ્યો. કાનાણીના જણાવ્યા પ્રમાણે રહેણાંક વિસ્તારોમાં આ કચરો મોટી સમસ્યા બની રહ્યો છે અને પાલિકા માટે પણ તેનો નિકાલ કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે છેલ્લા ચાર વર્ષથી તેઓ રહેણાંક વિસ્તારોમાં હોટફિક્સ મશીનો, ગેરકાયદે ગોડાઉન અને બિનઅધિકૃત ઔદ્યોગિક એકમો સામે રજૂઆત કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે કેટલીક સોસાયટીઓમાં રહેણાંક વિસ્તારનું સ્વરૂપ બદલાઈને ગોડાઉન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે.
કાનાણીએ સ્પષ્ટ માગ કરી કે રહેણાંક વિસ્તારોમાં ચાલતી બિનઅધિકૃત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી થવી જોઈએ. માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે અલગ અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની પણ તેમણે રજૂઆત કરી. આ મુદ્દો માત્ર કચરાનો નથી, પરંતુ રહેણાંક વિસ્તારોમાં લોકોના રોજિંદા જીવન અને શહેરના આયોજન સાથે પણ જોડાયેલો છે.
આ બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થાનો (Surat Traffic Issue) મુદ્દો પણ મહત્વનો રહ્યો. કાનાણીએ નો-એન્ટ્રીના સમયમાં પણ મોટા વાહનો અને ડમ્પરો દોડતા હોવાનો મુદ્દો ટ્રાફિક વિભાગ સમક્ષ મૂક્યો. મોતા વરાછામાં અગાઉ થયેલા ડમ્પર અકસ્માતમાં બે લોકોનાં મોતનો ઉલ્લેખ કરીને તેમણે આવા ભારે વાહનો સામે નિયમોનું કડક પાલન કરાવવાની માગ કરી. ટ્રાફિક પોલીસને નો-એન્ટ્રીના નિયમોનું અસરકારક અમલીકરણ કરવા રજૂઆત કરવામાં આવી.
આ ઉપરાંત પુલ નીચેના દબાણો દૂર કરવા, વરાછા વિસ્તારમાં કચરો એકત્ર કરવા માટે વધુ વાહનો વધારવા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ રજૂઆતો થઈ. ધારાસભ્ય વિનુ મોરડિયાએ વરસાદી પાણી અને ડ્રેનેજની સમસ્યા અંગે રજૂઆત કરી. તંત્ર તરફથી કચરા માટે વધારાના વાહનો અને ટ્રાફિક વ્યવસ્થામાં ઝડપથી આયોજન કરવાની ખાતરી આપવામાં આવી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી રજૂ થતા આ પ્રશ્નો માત્ર બેઠક અને રજૂઆત પૂરતા રહેશે કે પછી જમીન પર પણ તેનો ઉકેલ જોવા મળશે? નવી કમિશનર સાથેની આ પ્રથમ સંકલન બેઠકમાં જૂના પ્રશ્નો ફરીથી મૂકાયા છે. કુમાર કાનાણીએ પણ એવો સંદેશ આપ્યો કે હવે આ પ્રશ્નો માટે વારંવાર રજૂઆત કરવાની જરૂર ન પડે અને તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી થાય. હવે આગામી દિવસોમાં આ રજૂઆતો પર તંત્ર શું પગલાં લે છે, તેના પર સુરતના લોકોની નજર રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક
આ પણ વાંચો: યુપી પેટાચૂંટણી વચ્ચે આવતીકાલે રાહુલ ગાંધીની રાયબરેલીની મુલાકાત, જિલ્લા સંકલન બેઠકમાં હાજરી આપશે
