Gandhinagar News : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)ના એક કથિત નિવેદનને લઈને રાજ્યમાં રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. વાઘેલાએ કથિત રીતે કહ્યું હતું કે પટેલ, વાણિયા અને બ્રાહ્મણોએ માથે મેલું ઉપાડવું જોઈએ. આ નિવેદન સામે બ્રાહ્મણ અને પાટીદાર સમાજે વિરોધ નોંધાવ્યો છે.
Shankersinh Vaghelaના નિવેદનનો વિરોધ

બ્રહ્મ સમાજ (Brahmin Samaj)ના આગેવાન અશ્વિન ત્રિવેદીએ આ કથિત નિવેદનને સમાજોમાં વૈમનસ્ય ઊભું કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે સમાજ-સમાજ વચ્ચે વિખવાદ ઊભો થાય તેવી વાતો કરવાને બદલે સમાજને જોડવાની વાત થવી જોઈએ.
‘રોજના 1 લાખ આપીશું’
અશ્વિન ત્રિવેદી ( Ashwin Trivedi)એ કહ્યું કે બાપુ જો મેલું ઉપાડશે તો 50 હજાર નહીં, પરંતુ તેઓ રોજના 1 લાખ આપશે. સ્વચ્છતા અને ગાંધીજીના મૂલ્યોની વાત થાય છે, તો તેની શરૂઆત પોતાના ઘરથી અને પોતાનાથી થવી જોઈએ, એમ તેમણે જણાવ્યું.
‘વર્ણવ્યવસ્થા હવે રહી નથી’
ત્રિવેદીએ કહ્યું કે આધુનિક સમયમાં વર્ણવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા રહી નથી અને દરેકને પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો અધિકાર છે. કોઈ પણ સમાજને હીન ગણાવતી કે ચોક્કસ સમાજને કામ કરવા ફરજ પાડતી વાત સ્વીકાર્ય નથી. તેમણે દાવો કર્યો કે માથે મેલું ઉપાડવું કે વ્યક્તિને ગટરમાં ઉતારવું કાયદેસર રીતે પણ ગંભીર બાબત છે અને તેના માટે દંડની જોગવાઈ છે.
‘રાજકારણની ગંદકી સમાજમાં ન લાવો’
ત્રિવેદીએ અપીલ કરી કે રાજકારણની ગંદકી સમાજમાં લાવવી ન જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણી કાલે પૂરી થઈ જશે, પરંતુ OBC, જનરલ અને SC-ST સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાશે તો તેની અસર લાંબા સમય સુધી રહેશે. સવર્ણ સમાજ આર્થિક ધોરણે અનામત માગે છે, કોઈ અન્ય સમાજની અનામત છીનવવાની માગ નથી, એમ પણ તેમણે કહ્યું. અંતે તેમણે હાથ જોડીને સ્ફોટક નિવેદનો ન કરવા અપીલ કરી.
દિનેશ બામણીયાનો પણ વિરોધ

બીજી તરફ પાટીદાર સમાજના નેતા દિનેશ બામણીયા ( Dinesh Bamaniya)એ પણ નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે નિવેદનને બાલ્ય અવસ્થાવાળું ગણાવી દાવો કર્યો કે ચોક્કસ સમાજને ખુશ કરવા આવું કહેવાયું છે. તેમના જણાવ્યા મુજબ પાટીદાર (Patidar Samaj), બ્રાહ્મણ અને વણિક સમાજમાં રોષ છે. તેમણે સામાજિક એકતા જળવાઈ રહે તેવા જવાબદાર નિવેદનોની જરૂર હોવાનું કહ્યું. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ વધુ ગરમાય છે કે કેમ અને શંકરસિંહ વાઘેલા આ અંગે શું પ્રતિભાવ આપે છે.
આ પણ વાંચો: ‘બાપુ’નું રાજકીય રિટર્ન! શંકરસિંહ વાઘેલાની 6 દાયકાની સફરની સંપૂર્ણ કહાની
આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે? અમિત ચાવડાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો
આ પણ વાંચો: ’30 વર્ષમાં ભાજપ કાટવાળું થઈ ગયું છે!’ ગુજરાત પેટાચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?
