Ahmedabad News : અમદાવાદમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ (Matrimonial Site)મારફતે લગ્ન કરનાર અમેરિકન નાગરિકત્વ ધરાવતી NRI મહિલા (NRI Woman)ના ત્રીજા લગ્ન વિવાદમાં સપડાયા છે. લગ્નના માત્ર 15 દિવસ બાદ પતિના મોબાઇલમાંથી અનેક મહિલાઓ સાથેની વાંધાજનક ચેટ મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઉપરાંત દહેજ માટે દબાણ, મારઝૂડ અને સ્ત્રીધન પરત (Stridhan Return)ન આપવાના મુદ્દે મહિલાએ પતિ સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મેટ્રિમોનિયલ સાઇટ પર થયો હતો પરિચય
અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી 46 વર્ષીય NRI મહિલા (NRI Woman)ના અગાઉ બે લગ્ન થયા હતા, જેનો અંત છૂટાછેડામાં આવ્યો હતો. વર્ષ 2023માં શાદી.કોમ મારફતે તેમનો પરિચય મકરબાના એક યુવક સાથે થયો હતો. ત્યારબાદ ઓગસ્ટ 2024માં બંનેએ લગ્ન કર્યા હતા.
લગ્નના થોડા દિવસો બાદ જ પતિ સતત મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતો હોવાથી મહિલાને શંકા ગઈ હતી. પતિનો મોબાઇલ તપાસતાં ગોવા, અમદાવાદ અને અમેરિકાની મહિલાઓ સહિત ડઝનથી વધુ મહિલાઓ સાથેની વાંધાજનક ચેટ મળી આવી હતી. આ અંગે પતિને પૂછતાં તેણે મારઝૂડ કરી અપશબ્દો કહ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ગોવા પ્રવાસ દરમિયાન પણ થયો વિવાદ
ફરિયાદ મુજબ, પતિ મહિલાને ગોવા અને બાલી ફરવા લઈ ગયો હતો. ગોવાની હોટેલમાં પતિ જુગારમાં પૈસા હારી ગયો હતો. આ દરમિયાન તેણે પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
વિવાદ ત્યારે વધુ વકર્યો, જ્યારે પતિની અન્ય એક મહિલા મિત્રએ પરિણીતાની સામે પોતે તેની પત્ની હોવાનો દાવો કર્યો હતો. આ બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં પતિએ મહિલાનો હાથ ખેંચ્યો હતો, જેના કારણે તેના કાંડાના ભાગે ઈજા થઈ હતી.
દહેજ માટે દબાણ અને સ્ત્રીધન પરત ન આપ્યાનો આરોપ
મહિલાના પિતાએ વર્ષ 2025માં એક દુકાન વેચી હતી. દુકાનના વેચાણથી મળેલી રકમની જાણ થતાં પતિ અને તેનાં અગાઉનાં લગ્નથી થયેલાં પુત્ર-પુત્રીએ મહિલા પર પૈસા જમાઈને આપવા દબાણ કર્યું હોવાનો આરોપ છે.
ઘરમાં શાંતિથી રહેવું હોય તો આ રકમ આપી દેવાની વાત કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની પણ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાએ લગ્ન વખતે લાવેલા દાગીના સ્ત્રીધન તરીકે પરત માગ્યા હોવા છતાં આપવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ છે.
પતિ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ
સતત માનસિક અને શારીરિક ત્રાસ તેમજ ધમકીઓથી કંટાળીને NRI મહિલા (NRI Woman)એ અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad Women Police)નો સંપર્ક કર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ, પુત્ર અને પુત્રી સામે ગુનો નોંધ્યો છે.
હાલમાં આ મામલે પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.
