Ahmedabad News: અમદાવાદમાં મોડી રાતે માર્ગ અકસ્માતોની (Ahmedabad Accident) ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ઇસ્કોન બ્રિજ પાસે બેકાબૂ બનેલી સ્વિફ્ટ ડિઝાયરે BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સમગ્ર અકસ્માત સીસીટીવીમાં (Iskcon Bridge Accident) કેદ થયો છે. બીજી તરફ સાબરમતી વિસ્તારમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના PSI ભરત પંડ્યાની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નરોડામાં પણ બેફામ ટ્રક BRTSની રેલિંગ સાથે અથડાતાં નુકસાન થયું હતું.
Ahmedabad Accident: ઇસ્કોન પાસે ફૂલ સ્પીડમાં આવેલી ડિઝાયર બેકાબૂ
ઇસ્કોન બ્રિજ નજીક પકવાન ચાર રસ્તા તરફથી આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અચાનક બેકાબૂ બની હતી. મળતી માહિતી મુજબ કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રસ્તા પર ચક્કર મારીને સર્વિસ રોડ પર પાર્ક રહેલી ગાડીઓ સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં ઇનોવા, i20 અને BMW સહિત ત્રણ વાહનોને નુકસાન થયું છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક કાર બીજી કાર સાથે અથડાયા બાદ BMW સુધી પહોંચી હતી. સદનસીબે BMWમાં ચાલક હાજર હોવા છતાં તેને કોઈ ઈજા થઈ નહોતી.
કારમાં 6 લોકો સવાર હતા
અકસ્માતમાં સામેલ સ્વિફ્ટ ડિઝાયર કારમાં કુલ છ લોકો સવાર (Swift Dzire Accident) હોવાનું સામે આવ્યું છે. કાર અમરાઈવાડી વિસ્તારમાં રહેતા હિમાંશુ નામના યુવકના પરિચિતની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસ પહોંચે તે પહેલાં હિમાંશુને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તે ત્યાંથી નીકળી ગયો હોવાનું પોલીસનું કહેવું છે. હવે એસજી-2 ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો આખો ઘટનાક્રમ CCTVમાં કેદ
ઇસ્કોન પાસે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કાર ઝડપથી આવતી અને ત્યારબાદ અચાનક બેકાબૂ બનીને એક પછી એક વાહનો સાથે અથડાતી જોવા મળે છે. કાર ચાલકે પોતે જ વાહન ચલાવ્યું હોવાનું અને અકસ્માત થયો હોવાનું સ્વીકાર્યું હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માત બાદ પોલીસ દ્વારા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સાબરમતીમાં PSIની કારનો અકસ્માત
બીજી તરફ સાબરમતી વિસ્તારમાં ટ્રાફિક પોલીસના PSI ભરત પંડ્યાની ક્રેટા કારને અકસ્માત (Sabarmati Accident) નડ્યો હતો. ઘટનાને લઈને સામે આવેલા વીડિયોમાં સ્થાનિક (Ahmedabad Accident) લોકો પોલીસ અધિકારીને ઘેરેલા જોવા મળે છે.
પોલીસના જણાવ્યા મુજબ, કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને PSI તથા કારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મેડિકલ તપાસ માટેની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. નશાની હાલતમાં વાહન ચલાવ્યું હતું કે નહીં તે અંગે મેડિકલ રિપોર્ટ અને તપાસના આધારે સ્થિતિ સ્પષ્ટ થશે.
અગાઉ પણ PSI અંગે આક્ષેપો થયા હતા
PSI ભરત પંડ્યા અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ દારૂના નશામાં અકસ્માત કર્યો હોવાના આક્ષેપો સાથે વીડિયો સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, હાલની ઘટનામાં આ તમામ બાબતોની પોલીસ તપાસ બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.
નરોડામાં બેફામ ટ્રકે BRTSની રેલિંગ તોડી
આ તરફ અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મોડી રાત્રે અકસ્માત (Naroda Truck Accident) સર્જાયો હતો. નરોડા ફૂટ માર્કેટ નજીક રાત્રે આશરે ત્રણ વાગ્યે એક ટ્રક BRTS ટ્રેકની રેલિંગ સાથે અથડાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ નરોડાથી કાલુપુર તરફ જઈ રહેલા ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રેલિંગમાં ઘૂસી ગયો હતો. અકસ્માતમાં એક સ્ટીકર પોલ સહિત આશરે 10 જેટલી રેલિંગને નુકસાન થયું છે. ઘટના મોડી રાત્રે બની હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
એક જ રાતે ત્રણ અકસ્માતથી સવાલો
ઇસ્કોન બ્રિજ, સાબરમતી અને નરોડામાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ અમદાવાદના રસ્તાઓ પર રાત્રિના સમયે વાહનચાલકોની બેદરકારી અને ઓવર સ્પીડિંગ સામે ફરી સવાલો ઊભા કર્યા છે. હવે ઇસ્કોન અકસ્માતમાં ફરાર થયેલા કારચાલકની શોધ, સાબરમતીની ઘટનામાં PSI સામેની તપાસ અને નરોડાના ટ્રક અકસ્માત અંગેની કાર્યવાહી પર નજર રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં બે અકસ્માત, બે પરિવારમાં માતમ; વટવા-ઓગણજમાં 2 મોત
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત: પિકઅપને ટ્રકે ફંગોળી, 7નાં મોત
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત: બસ-ટ્રકની ટક્કરમાં 5ના મોત
