Ahmedabad News: અમદાવાદમાં લગ્નના પ્રસ્તાવને લઈને એક આધેડ સાથે કથિત છેતરપિંડીનો (Ahmedabad Marriage Fraud) બનાવ સામે આવ્યો છે. લગ્ન કરાવવાની વાત કરી યુવતીને દોઢ લાખ રૂપિયા અને કપડાં આપ્યા બાદ થોડા દિવસમાં યુવતી ઘર છોડીને જતી રહી હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Ahmedabad Marriage Fraud: લગ્ન માટે યુવતી સાથે કરાવ્યો સંપર્ક
ફરિયાદ મુજબ, જામનગરના રહેવાસી 48 વર્ષીય આધેડના (Marriage Scam) હજુ સુધી લગ્ન થયા ન હતા. તેમના સંબંધીએ લગ્ન માટે ભાવનગરના પ્રવિણ ભટ્ટનો સંપર્ક કરાવ્યો હતો. પ્રવિણ દ્વારા આધેડની મુલાકાત કાશી નામની મહિલા સાથે કરાવવામાં આવી હતી.
કાશીએ પોતાની ભત્રીજી પીંકી પટેલ સાથે લગ્ન કરાવવાની વાત આધેડ સમક્ષ મૂકી હતી. બંને વચ્ચે મુલાકાત થયા બાદ લગ્ન માટે સંમતિ બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લગ્ન માટે દોઢ લાખ રૂપિયા અને કપડાંની માગ
ફરિયાદ મુજબ, પ્રવિણ અને કાશીએ લગ્નની વ્યવસ્થા માટે આધેડ પાસેથી દોઢ લાખ રૂપિયા ઉપરાંત 11 જોડી કપડાંની માગ કરી હતી. આધેડે આ અંગે અમદાવાદમાં રહેતી પોતાની ભાણીને જાણ કરી હતી.ત્યારબાદ આધેડ અમદાવાદ ગયા હતા, જ્યાં તેમની ભાણીએ તેમને દોઢ લાખ રૂપિયા (Marriage Cheating) આપ્યા હતા. આ રકમ લગ્નના આયોજનના નામે આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મંગળસૂત્ર પહેરાવ્યું, યુવતી થોડા દિવસ ઘરે રહી
રકમ આપ્યા બાદ પીંકીએ માસિક આવતું હોવાનું કહી લગ્ન થોડા દિવસ બાદ કરવાની વાત કરી હતી. આ દરમિયાન આધેડે તેને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને પીંકી તેમના ઘરે રહેવા આવી હતી.ફરિયાદમાં આધેડે આક્ષેપ કર્યો છે કે પીંકી થોડા દિવસ ઘરે રહી હતી, પરંતુ તેમની સાથે લગ્નજીવન શરૂ થયું નહોતું અને ઘરકામમાં પણ મદદ કરતી નહોતી.
મરણ પ્રસંગનું કહી ઘરેથી નીકળી ગઈ
થોડા દિવસ બાદ પીંકીએ તેના સંબંધીના (Ahmedabad Marriage Fraud) મૃત્યુની વાત કહીને ગામ જવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ઘરેથી નીકળી ગઈ હતી. લાંબો સમય વીતી ગયા છતાં તે પરત ન ફરતાં આધેડે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, ફોન બંધ આવતાં આધેડને શંકા ગઈ હતી. લગ્ન માટે આપવામાં આવેલી રકમ અને ત્યારબાદ યુવતીના સંપર્ક વિહોણા થઈ જવાના બનાવને પગલે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
યુવતી સહિત ત્રણ સામે ફરિયાદ
આધેડે સમગ્ર ઘટનાની જાણ વાસણા પોલીસને કરી હતી. લગ્ન કરાવવાના નામે દોઢ લાખ રૂપિયા લેવાયા હોવાના આક્ષેપ સાથે યુવતી પીંકી પટેલ, કાશી અને પ્રવિણ ભટ્ટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. રકમની લેવડદેવડ, લગ્ન માટે કરવામાં આવેલી વાતચીત તેમજ યુવતી અને અન્ય બે વ્યક્તિઓની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: NRI મહિલાના ત્રીજા લગ્નમાં દગો! 15 દિવસમાં ખુલ્યું પતિનું રહસ્ય
આ પણ વાંચો: અમદાવાદમાં 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવાયા, મંડપમાંથી જ 181 અભયમે બચાવી
આ પણ વાંચો: 6 મહિનાનું લગ્નજીવન અને અચાનક મોત… હિંમતનગરમાં પરિણીતાના કેસમાં 6 સામે ગુનો
