Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ હવે સુપ્રીમ કોર્ટમાં, કેન્દ્રનું નોટિફિકેશન જાહેર

Justice Sunita Agarwal: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સત્તાવાર નિમણૂક થઈ છે. કેન્દ્રના કાયદા મંત્રાલયે 5 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર કર્યું છે. થોડા દિવસ પહેલાં કોલેજિયમે તેમના નામની ભલામણ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Justice Sunita Agarwal: ગુજરાત હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે

Ahmedabad News: અમદાવાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના (Justice Sunita Agarwal)  જજ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગે આજે, 5 ઓક્ટોબરે, આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે.

ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 124(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરી છે. નોટિફિકેશન મુજબ, તેઓ જે તારીખે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પદભાર સંભાળશે તે તારીખથી તેમની નિમણૂક અમલમાં આવશે.

Justice Sunita Agarwal: 7 દિવસ પહેલાં કોલેજિયમે કરી હતી ભલામણ

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર થતાં તેમની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.આજે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલ માટે વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાઈકોર્ટના જજ અને સરકારી વકીલો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ

જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ (Gujarat High Court) તરીકે સેવા આપનાર બીજા મહિલા ચીફ જસ્ટિસ રહ્યા છે. તેમના પહેલાં જસ્ટિસ સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા.જસ્ટિસ સુનિતા અગ્રવાલ મૂળ અલ્હાબાદ હાઈકોર્ટ સાથે સંકળાયેલા રહ્યા છે. જુલાઈ 2023થી તેઓ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. તેમણે 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને ડિસેમ્બર 1990થી કાયદાકીય વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો.

Justice Sunita Agarwal: ગુજરાત હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે
Justice Sunita Agarwal: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના તરીકે નિમણૂક

ગુજરાત હાઈકોર્ટમાં હવે નવા ચીફ જસ્ટિસ કોણ?

જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક બાદ હવે ગુજરાત હાઈકોર્ટના આગામી ચીફ જસ્ટિસ અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલની સ્થિતિમાં જસ્ટિસ માનસ રંજન પાઠક ગુજરાત હાઈકોર્ટના સૌથી સિનિયર જજ રહેશે.જસ્ટિસ માનસ રંજન પાઠકની તાજેતરમાં ઓડિશા હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે તેમના નામ સહિત અન્ય સંભવિત નામ અંગે કોલેજિયમ વિચારણા કરી શકે છે.

52 મંજૂર જગ્યામાંથી 33 જજ કાર્યરત

ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ 52 મંજૂર જગ્યાઓ સામે હાલમાં 33 જજ કાર્યરત છે. એટલે કે 19 જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટના જજની નિવૃત્તિની ઉંમર 62 વર્ષ છે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે.

2025માં ગુજરાત હાઈકોર્ટના બે જજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

ગુજરાત હાઈકોર્ટ માટે આ નિમણૂક વધુ એક મહત્વપૂર્ણ ઘટના છે. અગાઉ 2025માં ગુજરાત હાઈકોર્ટ સાથે સંકળાયેલા જસ્ટિસ નિલય અંજારિયા અને જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલીની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થઈ હતી.જસ્ટિસ વિપુલ પંચોલી ઓગસ્ટ 2025માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. તેમણે 1991માં ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે પણ સેવા આપી હતી.

જસ્ટિસ નિલય અંજારિયા 21 નવેમ્બર 2011થી ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાત હાઈકોર્ટના જજ રહ્યા હતા. ત્યારબાદ તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 30 મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.

ગુજરાત સાથે જોડાયેલી ન્યાયિક ક્ષેત્રની બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે સુપ્રીમ કોર્ટના જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલી ઉપરાંત સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અમદાવાદની એલ.એ. શાહ કોલેજ સાથે જોડાયેલા રહ્યા છે.


આ પણ વાંચો: કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક, જાણો કોણ છે નવા જજ

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટને 2 નવા જજ મળ્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિમણૂકને મંજૂરી આપી

આ પણ વાંચો: કેરળ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે 6 વકીલોના નામની ભલામણ કરવામાં આવી