Gujarat News : ગુજરાતમાં વકીલો દ્વારા ભાડા બિલ 2026 (Rent Bill 2026) સામે ઉગ્ર વિરોધ (Lawyers Protest)અને હડતાળ વચ્ચે સરકાર તરફથી મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સરકારે ખાતરી આપી છે કે નવા કાયદા અંગે હાલ તાત્કાલિક અમલ કરવામાં આવશે નહીં. વકીલોની રજૂઆતોને ધ્યાનમાં લઈને સરકાર તેમની સાથે ચર્ચા કરીને સમગ્ર મામલે ફરી વિચારણા કરશે.
વકીલોની હડતાળ વચ્ચે મોટો નિર્ણય
છેલ્લા કેટલાક દિવસોથી ભાડા બિલ 2026 (Rent Bill 2026)ની કેટલીક જોગવાઈઓને લઈને રાજ્યભરના વકીલોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. રાજ્યના અનેક વકીલ મંડળોએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આજે 5 ઑક્ટોબરે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વૉકેટ્સ એસોસિયેશન પણ હડતાળ (Lawyers Strike)માં જોડાયું હતું.
વકીલોના કામથી અળગા રહેવાના નિર્ણયની અસર હાઇકોર્ટ (Gujarat High Court)ઉપરાંત નીચલી અદાલતોની કામગીરી પર પણ જોવા મળી હતી. કોર્ટની નિયમિત કાર્યવાહી પર અસર પડતાં સરકાર પર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાનું દબાણ વધ્યું હતું.
સરકાર વકીલો સાથે કરશે ચર્ચા
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી દરમિયાન ઍડ્વૉકેટ જનરલે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે વકીલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને સરકાર ગંભીરતાથી લઈ રહી છે અને તેમની સાથે ચર્ચા કરીને માંગણીઓ અંગે ફરી વિચારણા કરવામાં આવશે.
સરકારે હાલ પૂરતો નવા નિયમના અમલને અટકાવી રાખવાની ખાતરી આપી છે. આ સાથે વકીલોની ચિંતાઓ અને સૂચનો અંગે યોગ્ય નિરાકરણ લાવવાનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાજ્યપાલે પણ સહી મોકૂફ રાખી
આ સમગ્ર મામલે વધુ એક મહત્ત્વની બાબત એ છે કે રાજ્યપાલે પણ ભાડા બિલ 2026 (Rent Bill 2026) પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા હાલ મોકૂફ રાખી છે. એટલે કે નવા કાયદાનો તાત્કાલિક અમલ થવાનો નથી.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે. આ ખાતરી બાદ વકીલોની માંગણીઓ અંગે સરકાર અને વકીલ સંગઠનો વચ્ચે આગળની ચર્ચાનો માર્ગ ખુલ્યો છે.
જૂનો કાયદો જ રહેશે અમલમાં
ઍડ્વૉકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં અદાલતોનું કામકાજ એક દિવસ માટે પણ બંધ રહેવું યોગ્ય નથી. તેથી વકીલોની રજૂઆતોને ગંભીરતાથી લઈને સકારાત્મક ઉકેલ લાવવાની સરકારની તૈયારી છે.
હાલ માટે ભાડા બિલ 2026નો અમલ અટકાવવામાં આવ્યો છે અને જૂની વ્યવસ્થા ચાલુ રહેશે. હવે સરકાર વકીલ સંગઠનો સાથે ચર્ચા બાદ આ બિલની વિવાદિત જોગવાઈઓમાં ફેરફાર કરે છે કે અન્ય કોઈ નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
