New Delhi: દિલ્હી-NCRમાં સગીરાઓ સાથે બળાત્કારની ત્રણ ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court)પોલીસને કડક શબ્દોમાં ટકોર કરી છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી ગુનેગારના મનમાં મોતનો ડર નહીં હોય, ત્યાં સુધી આવા ગુનાઓ અટકશે નહીં. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલય પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
“કાગળ પરની વાતો પૂરતી નથી”- Supreme Court

જસ્ટિસ પારદીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી પોલીસ (Delhi Police)ને કહ્યું કે ફક્ત કાગળ પર વાતો લખી દેવી પૂરતું નથી, કડક કાર્યવાહી (Strict action)કરવી પડશે. બેન્ચે કહ્યું કે જરૂર પડે ત્યારે કડક બનવામાં અચકાવું ન જોઈએ. બેન્ચે એમ પણ નોંધ્યું કે કેટલાક લોકો અનુચ્છેદ 21 એટલે કે માનવ અધિકાર (Human Rights)નો હવાલો આપીને સવાલ ઉઠાવી શકે છે, પરંતુ પોલીસે પોતાની ફરજ નિભાવવી જ પડશે.

કોર્ટે 4 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર વચ્ચે બનેલી ત્રણ ઘટનાઓ પર જાતે સંજ્ઞાન લીધું છે. આ ઘટનાઓ ગ્રેટર નોઇડા-દિલ્હી બસ, સ્વરૂપ નગર અને આસ્થા કુંજ પાર્કની છે.
કઈ ત્રણ ઘટનાઓ પર કોર્ટે સંજ્ઞાન લીધું
ચાલુ બસમાં ગેંગરેપ (4 ઓગસ્ટ): 16 વર્ષની સગીરા ગ્રેટર નોઇડાના પરી ચોકથી બસમાં બેઠી હતી, જ્યાં તેની સાથે ચાલુ બસમાં ગેંગરેપ થયો. આરોપીઓએ તેને કાશ્મીરી ગેટ પર ઉતારી દીધી. આ દરમિયાન બસ લગભગ 47 કિલોમીટર દોડતી રહી અને બારીના કાચ પર પડદા લગાવેલા હતા.
સ્વરૂપ નગરની ઘટના (12 સપ્ટેમ્બર): 16 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી. બીજા દિવસે ખેતર પાસેના ખુલ્લા મેદાનમાંથી મૃતદેહ મળ્યો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી ત્રણ સગીર છે.
આસ્થા કુંજ પાર્કની ઘટના (21 સપ્ટેમ્બર): કાલકાજી મંદિર નજીકના આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે ત્રણ યુવકોએ નકલી પોલીસ બનીને તેના પર બળાત્કાર કર્યો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પહેલી સુનાવણીમાં પણ કોર્ટે આપી હતી ચેતવણી
આ કેસોની પહેલી સુનાવણી 28 સપ્ટેમ્બરે થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જાહેર સ્થળોને ‘હાઈ રિસ્ક ઝોન’ બનવા દેવાય નહીં. કોર્ટના મતે ખરાબ પ્રકાશ, દેખરેખનો અભાવ અને પેટ્રોલિંગની અછત જેવા કારણો તેની પાછળ હોઈ શકે છે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફક્ત સંવેદના વ્યક્ત કરવી ઉકેલ નથી અને જેમના પર ગુનાઓ રોકવાની જવાબદારી છે, તે અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. આસ્થા કુંજ પાર્કની ઘટનાનો ઉલ્લેખ કરતાં કોર્ટે જણાવ્યું કે LSR કોલેજની વિદ્યાર્થિનીઓએ અગાઉ પણ જાતીય ઉત્પીડનની ફરિયાદ કરી હતી, છતાં સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા ન હતા.
હવે આગળ શું?
કોર્ટે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલય પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે હવે ફક્ત વાતો નહીં, કડક કાર્યવાહી જોઈએ, અને પોલીસ અધિકારીઓ તેમજ સરકારના સંબંધિત વિભાગની જવાબદારી નક્કી થવી જોઈએ.
