Ahmedabad News/ બેંક ઓફ ઈન્ડિયાના નામે WhatsApp મેસેજ, APK ખોલતાં જ વેપારીના ખાતામાંથી લાખો પાર

Nikol Cyber Fraud: અમદાવાદના નિકોલમાં 65 વર્ષીય વેપારીને બેંક ઓફ ઈન્ડિયાના નામે WhatsApp પર PAN Card Updateની APK ફાઇલ મોકલી સાયબર ઠગાઈ કરવામાં આવી. વેપારીના ખાતામાંથી કુલ રૂ.5.19 લાખ ટ્રાન્સફર થયા.

Gujarat Top Stories Ahmedabad
Nikol Cyber Fraud: નિકોલના વેપારી સાથે રૂ.5.19 લાખની ઠગાઈ

Ahmedabad News: નિકોલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વેપારી સાથે બેંક ઓફ ઈન્ડિયાના નામે સાયબર છેતરપિંડીનો (Nikol Cyber Fraud) બનાવ સામે આવ્યો છે. વેપારીને વોટ્સએપ પર પાનકાર્ડ અપડેટ કરવા માટેની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. બેંક તરફથી મેસેજ હોવાનું માનીને ફાઇલ ખોલ્યા બાદ તેમના મોબાઇલ પર ઠગોનો કાબૂ થયો હોવાની ફરિયાદ છે. ત્યારબાદ વેપારીના બેંક ખાતામાંથી (Online Banking Fraud) તબક્કાવાર કુલ રૂ.5.19 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા.

Nikol Cyber Fraud: બેંકના નામે વોટ્સએપ મેસેજ આવ્યો

નિકોલના ભક્તિરાજ બંગ્લોઝમાં રહેતા 65 વર્ષીય વેપારી બેંક ઓફ ઈન્ડિયામાં સેવિંગ ખાતું ધરાવે છે. 3 જૂન, 2026ના રોજ તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજ સાથે ‘BOI PAN CARD UPDATE.apk’ નામની ફાઇલ મોકલવામાં આવી હતી.

બેંક તરફથી પાનકાર્ડ અપડેટ માટે મેસેજ આવ્યો હોવાનું માનીને વેપારીએ પરિવારના ભાઈની મદદથી ફાઇલ ખોલી હતી. ત્યારબાદ ખુલેલા ફોર્મમાં જરૂરી વિગતો પણ ભરવામાં આવી હતી. ફરિયાદ મુજબ આ પ્રક્રિયા બાદ ઠગોએ વેપારીના મોબાઇલનું સંચાલન મેળવી લીધું હતું.

રૂ.5 લાખ ડેબિટનો મેસેજ આવતા વેપારી બેંક પહોંચ્યા

બીજા દિવસે, 4 જૂનના રોજ બપોરના સમયે વેપારીના મોબાઇલ પર તેમના ખાતામાંથી રૂ.5 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. આથી તેઓ તાત્કાલિક બેંક ઓફ ઈન્ડિયાની નિકોલ શાખાએ પહોંચ્યા હતા.

બેંકમાં તપાસ કરતાં ખાતામાંથી (Cyber Fraud) આઈએમપીએસ મારફતે નાણાં ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું. તપાસમાં એક રૂ.5 લાખના વ્યવહાર ઉપરાંત અન્ય ચાર નાના વ્યવહાર પણ થયેલા હોવાનું સામે આવ્યું હતું. કુલ પાંચ વ્યવહારો મારફતે ખાતામાંથી રૂ.5.19 લાખ ટ્રાન્સફર થયા હતા.

સાયબર ક્રાઇમમાં ફરિયાદ, અજાણ્યા નંબર અને ખાતાધારકોની તપાસ

ઘટના બાદ વેપારીએ સાયબર હેલ્પલાઇન (Gujarat Cyber Crime) 1930 પર જાણ કરી હતી. ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઇલ નંબરના ધારક તેમજ નાણાં મેળવનારા ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને નાણાં કયા ખાતામાં ટ્રાન્સફર થયા, વોટ્સએપ મેસેજ કયા નંબર પરથી આવ્યો તથા સમગ્ર છેતરપિંડીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: OTP કે લિંક શેર કર્યા વગર પણ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.19 લાખ ઉડી ગયા! ગાંધીનગરના યુવક સાથે સાયબર ફ્રોડ

આ પણ વાંચો: પાટણમાં રૂ.2.58 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 3 શખ્સ સામે ગુનો

આ પણ વાંચો: કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી