Surat News: સુરત શહેરમાં કચરાના ઢગલા અને ખુલ્લા પ્લોટમાં પડેલા જ્વલનશીલ જથ્થામાં આગ (Surat Fire) લાગવાની વધુ બે ઘટના સામે આવી છે. વરાછા રોડ પર હોટ ફિક્સના કચરાના ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જ્યારે ગોડાદરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં પડેલા લાકડા અને સૂકી ડાળીઓના જથ્થામાં આગ ભડકી હતી. બંને ઘટનામાં ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
Surat Fire: વરાછામાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ
પ્રાપ્ત માહિતી મુજબ, વરાછા રોડ (Varachha Fire) પર બુટભવાની મંદિર નજીક ગાયત્રી સોસાયટી પાસે જાહેર રસ્તાની બાજુમાં હોટ ફિક્સના કચરાનો મોટો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક આ કચરામાં આગ લાગી હતી.ટેક્સટાઇલ સંબંધિત કચરો હોવાથી આગ ઝડપથી ફેલાઈ (Hot Fix Waste Fire) હતી અને થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ધુમાડો વધતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.
અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આશરે અડધો કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક તબક્કે કોઈએ સળગતી બીડી કે સિગારેટ ફેંકી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગોડાદરામાં લાકડા અને સૂકી ડાળીઓના ઢગલામાં આગ
બીજી ઘટના ગોડાદરા વિસ્તારમાં જોગણી માતાના મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં બની હતી. અહીં સૂકી ઝાડની ડાળીઓ, લાકડા અને અન્ય કચરો એકઠો કરવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક તેમાં આગ ભડકી (Godadara Fire Incident) ઊઠી હતી.
આગની જ્વાળાઓ દેખાતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની (Surat Fire Brigade) ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ પણ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઓલવી નાખી અને કુલિંગની કામગીરી હાથ ધરી હતી.
બંને બનાવમાં જાનહાનિ ટળી
સુરતમાં બનેલી આ બંને આગની ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. શહેરમાં ખુલ્લામાં ટેક્સટાઇલ કચરો, સૂકી ડાળીઓ અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ થતો હોવાથી આવી ઘટનાઓ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: વડોદરાના હાથીખાનામાં મકાનમાં આગ, શોર્ટ સર્કિટની આશંકા
આ પણ વાંચો: સચિનમાં A to Z હોસ્પિટલ ઉપર ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ કાબૂ મેળવ્યો
આ પણ વાંચો: સુરતના લિંબાયતમાં આગનો તાંડવ! મીઠીખાડીના કચરાના પ્લાન્ટમાં ભભૂકી આગ
