Ahmedabad News: પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધુની હત્યા કેસમાં (Mad Sandhu Murder Case) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વની કાર્યવાહી કરી છે. પંજાબમાં થયેલી આ હત્યાના કેસમાં ફાયરિંગ કરનાર આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, હત્યા બાદ આરોપી પંજાબમાંથી ફરાર થઈ અમદાવાદ આવ્યો હતો.
મેડ સંધુની હત્યાની જવાબદારી સોશિયલ મીડિયા પર ગોલ્ડી ધિલ્લોન ગેંગ (Goldy Dhillon Gang) સાથે જોડાયેલા એક પેજ પરથી લેવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Mad Sandhu Murder Case: અમૃતસરમાં મેડ સંધુ પર ફાયરિંગ
3 ઓક્ટોબર 2026ના રોજ સાંજે અમૃતસરના લોહારકા રોડ વિસ્તારમાં મેડ સંધુ પર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, મેડ સંધુ કાર વોશ કરાવવા માટે કાર લઈને ત્યાં પહોંચ્યા હતા અને કારની રાહ જોઈ રહ્યા હતા.આ દરમિયાન બાઈક પર બે શખ્સ ત્યાં આવ્યા હતા. એક વ્યક્તિ બાઈક પર રહ્યો હતો જ્યારે બીજો મેડ સંધુ પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.ફાયરિંગમાં મેડ સંધુને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
ગોલ્ડી ધિલ્લોન ગેંગના નામે જવાબદારી લેવાનો દાવો
હત્યાની ઘટના બાદ (Punjab Murder Case) સોશિયલ મીડિયા પર ગોલ્ડી ધિલ્લોન નામના પેજ પરથી આ હત્યાની જવાબદારી લેવામાં આવી હોવાનો ઉલ્લેખ સામે આવ્યો હતો. આ મામલે પંજાબ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.હત્યાની તપાસ દરમિયાન આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પરમિંદર પ્રસાદ અંગે માહિતી મળી હતી.
પંજાબથી ભાગીને અમદાવાદ આવ્યો હતો આરોપી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી હત્યા બાદ પંજાબથી ફરાર થઈ અમદાવાદ આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં એવો આરોપ છે કે પરમિંદરે મેડ સંધુ પર ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળે બાઈક લઈને પહોંચેલા બે લોકોમાં તેનો પણ સમાવેશ હતો.હાલ ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ તેને પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
ઘટનાના એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, મેડ સંધુએ કાર ધોવા માટે પોતાની કાર પાર્ક કરી હતી. ત્યારબાદ બે યુવતીઓ તેમને કાર પરત લેવા માટે ત્યાં મૂકવા આવી હતી.આ દરમિયાન બાઈક પર બે યુવકો આવ્યા હતા. એક યુવક બાઈક પર જ રહ્યો હતો જ્યારે બીજો મેડ સંધુ પાસે ગયો હતો અને તેના પર ફાયરિંગ કર્યું હતું.પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને મેડ સંધુને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મેડ સંધુની ઓળખ શું હતી?
મેડ સંધુ સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો હતો. તેઓ મેકઅપ આર્ટિસ્ટ અને ફેશન ડિઝાઈનર તરીકે પણ કામ કરતા હતા. LGBTQ+ સમુદાયમાં પણ તેઓ જાણીતા હતા.તેમની હત્યા બાદ પંજાબમાં આ મામલો ચર્ચામાં આવ્યો હતો. હવે અમદાવાદમાંથી એક આરોપીની ધરપકડ થતાં કેસની તપાસમાં મહત્વની કડી મળી હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસની તપાસ ચાલુ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરમિંદર પ્રસાદની પૂછપરછમાં હત્યાની પાછળનું કારણ, અન્ય આરોપીઓની ભૂમિકા અને હત્યા બાદ આરોપી અમદાવાદ કેવી રીતે પહોંચ્યો સહિતના મુદ્દાઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે નહીં અને હત્યા પાછળ ચોક્કસ કારણ શું હતું તે પંજાબ પોલીસની આગળની તપાસમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને UIDAIનો વિશેષ એવોર્ડ, ‘પથિક-પ્રતિરક્ષા’ પોર્ટલની રાષ્ટ્રીય સ્તરે નોંધ
આ પણ વાંચો: સુરતમાં નકલી નોટોના મોટા કૌભંડમાં વધુ એક આરોપી ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ ગજેરાની કરી ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ, ₹2.48 કરોડની નકલી નોટો, AI, ચીન કનેક્શન આવ્યું બહાર
