Ahmedabad News/ દીકરીના BITSમાં એડમિશનનું સપનું પડ્યું ભારે, અમદાવાદમાં ડોક્ટર પાસેથી લાખો પડાવ્યા

BITS Pilani Admission Fraud: અમદાવાદમાં BITS Pilaniમાં દીકરીને એડમિશન અપાવવાના નામે ડોક્ટર સાથે રૂ.15.50 લાખની છેતરપિંડીનો આરોપ. WhatsApp સંપર્ક, રૂ.50 હજારની રસીદ અને હૈદરાબાદની હોટલમાં પૈસા લેવાની ફરિયાદ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
BITS Pilani Admission Fraud: અમદાવાદના ડોક્ટર સાથે રૂ.15.50 લાખની છેતરપિંડી

Ahmedabad News: દીકરીને પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થામાં પ્રવેશ અપાવવાની આશામાં અમદાવાદના એક તબીબ સાથે રૂ.15.50 લાખની છેતરપિંડી (BITS Pilani Admission Fraud) થયાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, કેટલાક શખ્સોએ WhatsApp મારફતે સંપર્ક કરીને BITS Pilaniમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની ખાલી સીટમાં એડમિશન અપાવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં રૂ.50 હજારની રકમ મેળવી તેની રસીદ મોકલી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. બાદમાં હૈદરાબાદની (Hyderabad) એક હોટલમાં પોતાને યુનિવર્સિટીની એડમિશન કમિટીના અધિકારી તરીકે ઓળખાવી રૂ.15 લાખ લેવામાં આવ્યા હતા.

BITS Pilani Admission Fraud: ઓછા માર્ક્સ બાદ શરૂ થયો એડમિશનનો પ્રયાસ

ફરિયાદી ડો. ગોપાલ ભાટીયા અમદાવાદમાં ક્લિનિક ચલાવે છે અને પરિવાર સાથે શહેરમાં રહે છે. તેમની દીકરી મિત્રાએ ધોરણ 12 બાદ એન્જિનિયરિંગમાં (Engineering admission scam) પ્રવેશ મેળવવા માટે BITSAT પરીક્ષા આપી હતી. જોકે, પરીક્ષામાં અપેક્ષા મુજબના માર્ક્સ ન આવતા BITSમાં એડમિશન મળી શક્યું નહોતું. હાલમાં દીકરી પંજાબના પટિયાલામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

દીકરીને BITSમાં પ્રવેશ અપાવવા માટે પરિવાર પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન WhatsApp મારફતે નિહારીકા શર્મા અને પ્રતિક ગુપ્તા નામના વ્યક્તિઓનો ડો. ભાટીયા સાથે સંપર્ક થયો હતો.

‘વિદેશી વિદ્યાર્થીઓની ખાલી સીટ’ના નામે ઓફર

ફરિયાદ મુજબ, બંનેએ ડોક્ટરને જણાવ્યું હતું કે BITSની એન્જિનિયરિંગ કોલેજમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની કેટલીક સીટો ખાલી છે અને તેમાંથી એક સીટ પર તેમની દીકરીને પ્રવેશ અપાવી શકાય છે. આ માટે શરૂઆતમાં લગભગ રૂ.16 લાખની રકમની માંગ કરવામાં આવી હતી.

શરૂઆતમાં ડો. ભાટીયાએ કોઈ નિર્ણય લીધો નહોતો. જોકે, વારંવાર સંપર્ક કર્યા બાદ આરોપીઓએ માત્ર રૂ.50 હજાર ચૂકવી સીટ બુક કરાવી દેવાની વાત કરી હતી.

રૂ.50 હજારની રસીદ મોકલી વિશ્વાસ જીત્યો

ફરિયાદ અનુસાર, WhatsApp મારફતે બેંકની વિગતો મોકલવામાં આવી હતી. ડો. ભાટીયાએ તેમાં રૂ.50 હજાર જમા કરાવ્યા હતા. રકમ મળ્યા બાદ સામે પક્ષે તેની રસીદ પણ મોકલી હતી.ત્યારબાદ દીકરીના એડમિશન માટે જરૂરી દસ્તાવેજો WhatsApp મારફતે મંગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાને કારણે ડોક્ટરને સામેની વ્યક્તિઓ પર વધુ વિશ્વાસ આવ્યો હતો.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે ત્યારબાદ રૂ.16 લાખનો ચેક આપવાની વાત કરવામાં આવી હતી અને એડમિશન પૂર્ણ થયા બાદ રોકડ રકમ ચૂકવી ચેક પરત કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી.

હૈદરાબાદની હોટલમાં બે વ્યક્તિ મળ્યા

આ પછી ડો. ભાટીયા પત્ની અને દીકરી સાથે હૈદરાબાદ પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, ત્યાં એક હોટલમાં વિવાન અને વિરેન્દ્ર નામના બે વ્યક્તિઓ તેમને મળ્યા હતા.બંનેએ પોતાને BITS Pilaniની એડમિશન કમિટીના અધિકૃત અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. તેમણે દીકરીનું એડમિશન થઈ ગયું હોવાનું કહી ડોક્ટરને વિશ્વાસમાં લીધા હતા.આ વાત પર વિશ્વાસ કરીને ડો. ભાટીયાએ બંનેને રૂ.15 લાખ ચૂકવ્યા હતા.

પૈસા ચૂકવ્યા બાદ તમામ સંપર્કો બંધ

રૂ.15 લાખ ચૂકવ્યા બાદ પણ દીકરીનું BITSમાં એડમિશન થયું ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ડો. ભાટીયાએ નિહારીકા શર્મા, પ્રતિક ગુપ્તા, વિવાન અને વિરેન્દ્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ફરિયાદ મુજબ, તમામના મોબાઇલ ફોન બંધ મળી આવ્યા હતા અને WhatsApp પર પણ કોઈ જવાબ મળ્યો નહોતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ડો. ભાટીયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પાંચ લોકો સામે ફરિયાદ

આ સમગ્ર મામલે ડો. ગોપાલ ભાટીયાએ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિવાન, વિરેન્દ્ર, નિહારીકા શર્મા, પ્રતિક ગુપ્તા અને વેદીકા સિંઘના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ખરેખર યુનિવર્સિટીના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી હતી કે નહીં, નાણાકીય વ્યવહારો ક્યાં થયા અને આ કથિત નેટવર્કમાં અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ફિનલેન્ડમાં નોકરીની લાલચ આપી દંપતી સાથે છેતરપિંડી

આ પણ વાંચો: પાટણમાં મંદિર ટ્રસ્ટમાં ₹1 લાખની છેતરપિંડીનો કિસ્સો, સમી પોલીસની તપાસ શરૂ

આ પણ વાંચો: WhatsApp ‘બોસ’ કૌભાંડ: ₹3 કરોડની છેતરપિંડી; ₹2.88 કરોડ રિકવર કરાયા