Patan News: સમી તાલુકાના વરાણા ગામે આવેલા ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટ (Varana Khodiyar Temple)માં ₹1 લાખની કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મંદિર (Varana Khodiyar Temple)ના પૂજારી કૂણાલદાન ઉર્ફે કિશોરદાન ગઢવી સામે દાનની રકમની બોગસ પાવતી બનાવી ટ્રસ્ટના હિસાબમાં નોંધ ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ટ્રસ્ટી ભરત ગગજી નાડોદાએ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, મુંબઈના રાહુલ વીરા ચૌહાણે (Rahul Vira Chauhan) 14 માર્ચ 2025ના રોજ મંદિર (Varana Khodiyar Temple) ટ્રસ્ટને ₹1 લાખનું દાન આપ્યું હતું. ત્યારબાદ 13 જુલાઈ 2026ના રોજ રાપરના નરસિંહ ચૌહાણે (Narsinh Chauhan) આ દાનની પાવતી ટ્રસ્ટના પ્રમુખને મોકલી હતી. પાવતીની વિગતો સામે આવ્યા બાદ ટ્રસ્ટ દ્વારા દાનની રકમ અને પાવતી અંગે તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પાવતી નંબર A 35907 અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ આ જ પાવતી 8 જુલાઈ 2025ના રોજ સંગીતાબેન હિતેશભાઈ (Sangeetaben Hiteshbhai)ને ₹500ના દાન બદલ આપવામાં આવી હતી. જોકે, બાદમાં આ પાવતીનો ઉપયોગ ₹1 લાખના દાનની રસીદ તરીકે કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

Varana Khodiyar Temple: પૂજારી સામે પોલીસ ફરિયાદ
ટ્રસ્ટના રજિસ્ટરની તપાસ કરતાં ₹1 લાખની દાનની રકમની કોઈ નોંધ મળી ન હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં, ₹1 લાખની દાનની પાવતી પર પૂજારી કૂણાલદાન ગઢવી (Kunaldan Gadhvi)ની સહી હોવાનું સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ટ્રસ્ટી દ્વારા સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. દાનની રકમ, પાવતી નંબર, મંદિર ટ્રસ્ટના હિસાબી રેકોર્ડ અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગૂગલ પર સર્ચ કર્યું ‘સોમનાથ ટ્રસ્ટ રૂમ બુકિંગ’, નકલી વેબસાઇટના કારણે ગુમાવ્યા રૂ.70 હજાર
