Surat News/ સુરતમાં જ્વેલરી ખરીદીથી સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો, પોરબંદરથી આરોપી ઝડપાયો

Pakistan China cyber fraud: સુરત સાયબર ક્રાઇમે પોરબંદરથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક સાથે જોડાયેલા શખ્સની ધરપકડ કરી. 80 બેંક ખાતા અને ₹11 કરોડથી વધુના ફ્રોડની કડી સામે આવી.

Top Stories Gujarat Surat
Pakistan China cyber fraud: રૂ.11 કરોડથી વધુની છેતરપિંડી અને 80 ખાતા

Surat News: સુરત સાયબર ક્રાઇમ પોલીસે (Surat cyber crime) આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ (Pakistan China cyber fraud) નેટવર્ક સાથે જોડાયેલા હોવાના આરોપસર પોરબંદરથી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીના મોબાઈલમાંથી પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલા સાયબર ગેંગના સંપર્કો તથા મોટી સંખ્યામાં ભારતીય બેંક ખાતાઓની વિગતો મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી ભારતીય બેંક ખાતાઓની માહિતી વિદેશી હેન્ડલરો સુધી પહોંચાડતો હતો. આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરતાં છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Pakistan China cyber fraud: સોનાની વીંટીની ખરીદીથી તપાસની શરૂઆત

આ સમગ્ર મામલો સુરતના એક જ્વેલરી શોરૂમમાં થયેલી ખરીદી બાદ પોલીસની નજરે આવ્યો હતો. આરોપીએ સોનાની વીંટી ખરીદીને UPI મારફતે પેમેન્ટ કર્યું હતું.બાદમાં આ રકમ સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલી હોવાનું સામે આવતાં સંબંધિત બેંક ખાતા સામે કાર્યવાહી થઈ હતી. વેપારીનું કરંટ એકાઉન્ટ સીઝ થતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ ટીમે પેમેન્ટની ડિજિટલ ટ્રેલ તપાસવાનું શરૂ કર્યું હતું.

ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટમાંથી મહત્વની કડીઓ

DCP બિશાખા જૈનના જણાવ્યા પ્રમાણે, આરોપીના મોબાઈલની તપાસ દરમિયાન ટેલિગ્રામ અને વોટ્સએપ પર થયેલી વાતચીત મળી આવી હતી. પોલીસના દાવા મુજબ, આ ચેટ્સમાં બેંક ખાતાઓની જરૂરિયાત અને તેની વ્યવસ્થા અંગેની વાતચીત જોવા મળી હતી.તપાસમાં દુબઈ સ્થિત હેન્ડલર મારફતે ચીન સાથે જોડાયેલા સાયબર નેટવર્ક સુધી કનેક્શન (cyber fraud racket) હોવાની પણ પોલીસને શંકા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વધુ બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવે તે પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

લાઈટ ડેકોરેશનના વ્યવસાયની આડમાં રેકેટ ચલાવ્યાનો આરોપ

ટેક્નિકલ તપાસના આધારે પોલીસે પોરબંદરના છાયા મેઈન રોડ પરથી 27 વર્ષીય દિવ્યેશ ઉર્ફે બાપુ ઉર્ફે દિવલો જમનગીરી મેઘનાથીને ઝડપી પાડ્યો હતો. તે મૂળ ગીર-સોમનાથના સમઢીયાળા ગામનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પોરબંદરમાં લાઈટ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેની આડમાં સાયબર ફ્રોડ સંબંધિત પ્રવૃત્તિ ચલાવતો હોવાનો આરોપ છે. તપાસમાં તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓની સંડોવણી અંગે પણ માહિતી મળી હોવાનું પોલીસનું કહેવું છે.

ફ્રોડની રકમ સોનું અને ક્રિપ્ટો મારફતે ખસેડાતી હોવાનો દાવો

તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, આરોપીઓ કમિશનના બદલામાં અન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ આ ખાતાઓની વિગતો વિદેશમાં રહેલા હેન્ડલરો સુધી પહોંચાડવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે.સાયબર ફ્રોડની રકમ ખાતામાં આવ્યા બાદ વિવિધ માધ્યમોથી તેને ઉપાડવામાં આવતી હતી. કેટલાક કિસ્સામાં સોનાની ખરીદી દ્વારા પણ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી તપાસમાં મળી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક બ્રોકરોની મદદથી ફ્રોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશી હેન્ડલરના વોલેટ (Chinese cyber syndicate) સુધી પહોંચાડવામાં આવતી હોવાની કડી પણ મળી છે.

80 જેટલા બેંક ખાતા અને 53 ફરિયાદોની કડી

પોલીસે આરોપીના મોબાઈલમાંથી આશરે 80 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટની (bank account fraud) વિગતો મળી હોવાનો દાવો કર્યો છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આ ખાતાઓ સાથે દેશના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલી આશરે 53 સાયબર ફ્રોડ ફરિયાદોની કડી મળી હોવાનું પોલીસનું કહેવું છે. આ ફરિયાદોમાં કુલ મળીને રૂ.11 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

હાલ આરોપી પોલીસ રિમાન્ડ પર છે. સુરત સાયબર ક્રાઇમ ટીમ હવે આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે, બેંક ખાતાઓ કેવી રીતે મેળવવામાં આવતા હતા અને વિદેશી હેન્ડલરો સાથે નાણાકીય વ્યવહાર કેવી રીતે થતો હતો તેની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: OTP કે લિંક શેર કર્યા વગર પણ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.19 લાખ ઉડી ગયા! ગાંધીનગરના યુવક સાથે સાયબર ફ્રોડ

આ પણ વાંચો: પાટણમાં રૂ.2.58 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 3 શખ્સ સામે ગુનો

આ પણ વાંચો: કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી