Food Recipe: મોટે ભાગે સાંજની ચા સાથે હળવી ભૂખ લાગી જતી હોય છે અને કશુંક ચટપટું ખાવાનું મન થાય છે! આ સંજોગોમાં ઘણી વાર એ સમજમાં નથી આવતું કે શું ખાઈએ જે હળવું પણ હોય અને સ્વાદમાં પણ લાજવાબ હોય! હવે ટેન્શન લેવાની બિલકુલ પણ જરુર નથી. જો તમે સાંજની ચા સાથે કશુંક ક્રંચી અને ચટપટું ખાવાનું શોધી રહ્યાં છો તો આ ક્રંચી લસણીયા મમરા (Lasaniya Mamra Recipe) તમારા માટે બેસ્ટ ઑપ્શન હોઈ શકે છે. અહિં તમારા માટે આ લસણીયા મમરાની રેસિપી લઈને આવ્યા છીએ…તે નોંધી લો….
શી રીતે બનાવશો લસણીયા મમરા? (Lasaniya Mamra Recipe)
લસણીયા મમરા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ના આવશ્યકતા રહેશે.

સામગ્રી
3 કપ મમરા (Puffed Rice)
10-12 કળી વાટેલું લસણ
1/2 કપ મગફળી
2 બારીક સમારેલા લીલા મરચા
10-12 મીઠા લીમડાના પાન
1/2 નાની ચમચી હળદર
1/2 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી ચાટ મસાલો
1 ચપટી હિંગ
સ્વાદાનુસાર મીઠું
2 મોટા ચમચા તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મમરાને ડ્રાય રોસ્ટ કરી લેવા. આ માટે એક કડાઈને ધીમા તાપે ગરમ કરવી અને એમાં તેલ વિના 2-3 મિનિટ શેકી લેવું.
2. જ્યારે મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારે એને એક વાસણમાં કાઢી લેવા.
3. હવે આ જ કડાઈમાં 2 મોટા ચમચા તેલ (Oil) ગરમ કરો. ગરમ થાય પછી એમાં સીંગદાણા (Peanuts) ઉમેરો અને એને મધ્યમ તાપે હળવા સોનેરી અને ક્રંચી થાય ત્યાં સુધી શેકી લો.
4. આમાં વાટેલું લસણ (Garlic), મીઠા લીમડાના પાન, બારીક સમારેલા લીલા મરચાં અને એક ચપટી હીંગ ઉમેરો. લસણ સોનેરી થાય અને સરસ સુગંધ ન આવે ત્યાં સુધી એને શેકાવા દો.
5. હવે ગૅસ તદ્દન ધીમો રાખીને એમાં હળદર, લાલ મરચું, ચાટ મસાલો અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો. મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લો જેથી એ કાચા ન લાગે પણ એ બળવા ન જોઇએ એનું ધ્યાન રાખવું.
6. કડાઈમાં અગાઉથી શેકેલા મમરા ઉમેરો અને આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહો. મસાલા અને લસણ મમરાને કૉટ થઈ જાય ત્યાં સુધી 1-2 મિનિટ સુધી સતત હલાવીને મિક્સ કરી લો.
તો તૈયાર છે તમારા ક્રંચી અને ચટપટા લસણીયા મમરા…જેને તમે એમ જ અથવા ચા સાથે મજાથી ખાઈ શકો છો. તમે આ મસાલેદાર મમરાને થોડા મોટા બાળકોને લંચબોક્સમાં પણ ભરી આપી શકો છો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!
