nepal news/ સવારે 4 વાગ્યે ગામોમાં ઘૂસ્યું પૂરનું પાણી: બુઢી ગંડકીમાં 10 લોકો ગુમ, SMSથી ચેતવણી

Nepalના ગોરખામાં બુઢી ગંડકી નદીમાં અચાનક પૂર આવતાં ઘર-પુલ તણાયા, 10 લોકો ગુમ

World Breaking News
nepal

Nepal News: ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે બુઢી ગંડકી નદીમાં એકાએક પૂર ત્રાટક્યું, જેનાથી ઘણાં ગામોમાં તારાજી સર્જાઈ. પૂરના પ્રવાહમાં અનેક ઘરો અને પુલો વહી ગયા અને 10 લોકો લાપતા છે. તેમને શોધવા માટે અભિયાન ચાલુ છે.

Nepalમાં ફરી પૂર 

નદીના પૂરમાં 341 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ (Hydropower Project)ની બાંધકામ છાવણી અને ઘણાં મશીનો પણ તણાઈ ગયાં. આશરે સવારે 4 વાગ્યે વસાહતોમાં પાણી ઘૂસવા લાગ્યું, જેથી લોકોને ઘર છોડીને સલામત જગ્યાએ જવું પડ્યું.

ભૂસ્ખલનથી અટક્યું હતું નદીનું વહેણ

શરૂઆતની માહિતી મુજબ, ઊંચા પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન (Landslide) થવાથી ચુન્ચુબ્રી સ્યારી નદીનો માર્ગ અવરોધાયો હતો. પરિણામે ત્યાં પાણીનો જથ્થો જમા થયો અને પછી અચાનક જોરદાર પ્રવાહ સાથે નીચે ધસી આવ્યો.

આ પહેલાં 26 ઑગસ્ટે ભોટેકોસી અને ત્રિશૂલી નદીમાં આવેલા પૂરમાં 1455 લોકોનાં મોત થયાં હતાં અને 5,285 લોકો હજુ ગુમ છે. સરકારે જણાવ્યું છે કે ભૂસ્ખલનો ચાલુ રહેવા છતાં ગુમ લોકોની શોધખોળ ચાલુ છે.

બિહારમાં પણ જોખમની આશંકા

બુઢી ગંડકી આગળ ત્રિશૂલી નદીને મળે છે. બંનેનું પાણી દેવઘાટ નજીક નારાયણી નદીમાં ભળે છે, અને એ જ નદી ભારતમાં ગંડક નામે બિહાર (Bihar) માં પ્રવેશીને આગળ ગંગામાં ભળી જાય છે. આથી પાણીનું સ્તર વધે તો ગંડકના કિનારાના પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ અને વૈશાલી જેવા જિલ્લાઓ પર અસર પડી શકે. જોકે નેપાળના પૂરથી બિહારમાં જળસ્તર વધશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી.

SMS દ્વારા ચેતવણી, લોકોને સલામત સ્થળે જવાની સલાહ

ગોરખા જિલ્લા પોલીસ કાર્યાલયના ઇન્સ્પેક્ટર આકાશ કંડેલના જણાવ્યા મુજબ, પૂરના જોખમને જોતાં પ્રશાસને સિર્દિબાસ અને ધારચે ગ્રામીણ નગરપાલિકાના ખોર્લાબેસી, માછાખોલા, સોતી, અરખેત અને આરુઘાટના રહેવાસીઓને સલામત સ્થળે જવા કહ્યું છે.

રાષ્ટ્રીય આપત્તિ જોખમ ન્યૂનીકરણ અને વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDRRMA) ના મુખ્ય કાર્યકારી ડૉ. ધર્મરાજ ઉપ્રેતીએ કહ્યું કે ઉપરવાસથી પૂરનું પાણી આરુઘાટ પહોંચતાં લગભગ 3 કલાક લાગે છે, એટલે નીચાણવાળા વિસ્તારોના લોકોને બચવાનો સમય મળી શકે છે. પ્રશાસને SMS મોકલીને નદી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી છે. સિર્દિબાસ, જગત, યારી, તાતોપાની, સોતી અને અરુખોલા જેવા નદીકાંઠાના વિસ્તારોના લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે.


આ પણ વાંચો:નેપાળ પૂર હોનારત વચ્ચે મોટો ચમત્કાર; ટનલમાં ફસાયેલા 2 શ્રમિકો 9 દિવસ બાદ જીવિત મળ્યા

આ પણ વાંચો:નેપાળ પૂર અને ગુમ થવાની વાતો વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ ભારત પરત ફરી માનસી પારેખ

આ પણ વાંચો:નેપાળ પૂર બાદ અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કાર શરૂ,અત્યાર સુધીમાં 900થી વધુનાં મોત