nepal news/ નેપાળ પૂર બાદ અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કાર શરૂ,અત્યાર સુધીમાં 900થી વધુનાં મોત

નેપાળના પૂર (Nepal Flood)બાદ પાણીમાં તણાઈને ભારત પહોંચેલા મૃતદેહો મળવાનો સિલસિલો પણ ચાલુ છે

Top Stories World
નેપાળમાં ગ્લેશિયર (Glacier)તૂટ્યા બાદ આવેલા વિનાશક પૂર (Nepal Flood)એ ભારે તબાહી મચાવી છે

Nepal News : નેપાળમાં ગ્લેશિયર (Glacier)તૂટ્યા બાદ આવેલા વિનાશક પૂર (Nepal Flood)એ ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 800થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 3 હજારથી વધુ લોકો હજુ લાપતા છે. ઓળખ ન થઈ શકેલા મૃતદેહોને હવે સામૂહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે.

ચિતવનના દેવઘાટ જંગલ વિસ્તારમાં પ્રશાસને સેંકડો કબરો તૈયાર કરી છે. છેલ્લા બે દિવસમાં 196 અજાણ્યા મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. ઘણા મૃતદેહો લાંબા સમય સુધી પાણીમાં રહ્યા હોવાથી તેમની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.

દરેક મૃતદેહને ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે અને તેનો જરૂરી રેકોર્ડ જાળવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં DNA તપાસ (DNA Test) મારફતે મૃતદેહોની ઓળખ કરી શકાય તે માટે સેમ્પલ અને રેકોર્ડ સાચવવામાં આવી રહ્યા છે.

ગ્લેશિયર તૂટવાથી નેપાળમાં ભયાનક પૂર

26 ઓગસ્ટે તિબેટમાં ગ્લેશિયર (Glacier)તૂટ્યા બાદ નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. આ કુદરતી આપત્તિમાં નેપાળમાં અત્યાર સુધી 788 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે તિબેટમાં 16 લોકોનાં મોત થયા છે.

આપત્તિ બાદ 3 હજારથી વધુ લોકો હજુ લાપતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે.

આ દરમિયાન નેપાળ અને ચીન વચ્ચે આપત્તિની પૂર્વચેતવણીને લઈને પણ સવાલો ઊભા થયા છે. 27 મેના રોજ બંને દેશોના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. નેપાળી અધિકારીઓએ ગ્લેશિયરમાં થતી શરૂઆતની હલચલ અને જળસ્તરની માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. જોકે, તેમના કહેવા પ્રમાણે ચીન તરફથી અપેક્ષા મુજબની માહિતી મળી નહોતી.

90% અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત

પૂરના કારણે વીજ પુરવઠાને ભારે અસર થઈ હતી. હવે વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. નુવાકોટના લગભગ 90 ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી ફરી શરૂ થઈ ગઈ છે. રસુવામાં પણ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

વીજળીની અછત દૂર કરવા માટે 2 કિલોવોટની સંસ્થાકીય સોલર સિસ્ટમ ઉપરાંત 20 વોટના 500 સોલર સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાધનો વન-ડોર સિસ્ટમ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે.

સરહદ પાસેનું તળાવ ખાલી થતાં મોટો ખતરો ટળ્યો

નેપાળ-તિબેટ સરહદ નજીક ગ્લેશિયર (Glacier)તૂટ્યા બાદ બનેલું બેરિયર તળાવ હવે લગભગ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલય અનુસાર, તળાવમાં ભરાયેલું પાણી કુદરતી પ્રવાહથી બહાર નીકળી ગયું છે.

આથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં તળાવ ફાટવાથી અચાનક વધુ એક પૂર (Flash Flood) આવવાનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. આ તળાવ ચોચેન ખોલા અને ચીનની પુરેપુ ત્સાંગપો નદીના સંગમ નજીક બન્યું હતું અને તેમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થયું હતું.

દલાઈ લામાએ પૂર પીડિતો માટે પ્રાર્થના કરી

તિબેટીયન આધ્યાત્મિક ગુરુ 14મા દલાઈ લામાએ નેપાળ અને તિબેટમાં પૂરથી મૃત્યુ પામેલા લોકો, લાપતા નાગરિકો અને અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી.

લેહના શેવાત્સેલ ટીચિંગ ગ્રાઉન્ડ ખાતે તેમની હાજરીમાં પીડિતોની સ્મૃતિ અને પરિવારોના કલ્યાણ માટે અવલોકિતેશ્વર મંત્રનો જાપ કરવામાં આવ્યો. દલાઈ લામાએ 27 ઓગસ્ટે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ગંડક નદીમાંથી વધુ 4 મૃતદેહ મળ્યા

 

નેપાળના પૂર (Nepal Flood)બાદ પાણીમાં તણાઈને ભારત પહોંચેલા મૃતદેહો મળવાનો સિલસિલો પણ ચાલુ છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ગંડક નદીમાંથી વધુ ચાર મૃતદેહ મળી આવ્યા છે.

SDRFની ટીમે રવિવારે બે મહિલાઓ અને બે પુરુષોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં કુશીનગરમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા હવે 13 થઈ છે.

કોઈપણ મૃતદેહની ઓળખ હજુ થઈ શકી નથી. કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. કુશીનગરનું શબગૃહ ભરાઈ જતાં કેટલાક મૃતદેહોને ગોરખપુર મોકલવામાં આવ્યા છે. મૃતદેહોની માહિતી નેપાળના સંબંધિત અધિકારીઓને પણ આપવામાં આવી છે.

49 ભારતીય તીર્થયાત્રીઓ હજુ લાપતા

તમિલનાડુના 49 તીર્થયાત્રીઓ કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કર્યા બાદ ચીન તરફ હતા ત્યારે 26 ઓગસ્ટે નેપાળ-ચીન સરહદ નજીક પૂર આવ્યું હતું.

ચેન્નઈની ટ્રાવેલ કંપનીના માલિક મારાવેલ નાગપ્પનના જણાવ્યા પ્રમાણે, આ યાત્રીઓ નેપાળમાં પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ અચાનક આપત્તિ આવી હતી. તેમણે કેન્દ્ર સરકારને ચીની અધિકારીઓ સાથે સંપર્ક કરીને યાત્રીઓ અંગે માહિતી મેળવવાની અપીલ કરી છે.

યાત્રા 14 ઓગસ્ટે શરૂ થઈ હતી અને નાગપ્પનના પુત્ર સત્યનારાયણ યાત્રીઓના જૂથનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરિવારજનો હજુ પણ યાત્રીઓ સુરક્ષિત હોવાની આશા રાખી રહ્યા છે.

ત્રિશૂલી નદીના પૂરમાં 130 મીટરનો પુલ તણાયો

નેપાળમાં રવિવારે સવારે ત્રિશૂલી નદીમાં આવેલા નવા પૂરના (Nepal Flood)કારણે 130 મીટર લાંબો સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયો. આ પુલ ગોરખા જિલ્લાના ગ્યાલચોકને પૃથ્વી હાઈવે નજીકના ચરૌદી વિસ્તાર સાથે જોડતો હતો.

લગભગ ત્રણ કલાક સુધી પાણીના ભારે પ્રવાહ બાદ સવારે 11:30 વાગ્યે પુલ તણાઈ ગયો. તેના કારણે ગંડકી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ 7 અને 8ના લોકોનો પૃથ્વી હાઈવે સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે.

ગ્યાલચોકના આશરે 400 પરિવારો આ પુલનો ઉપયોગ દૂધ અને શાકભાજી ચરૌદીની કૃષિ સહકારી સમિતિ સુધી પહોંચાડવા માટે કરતા હતા. હવે ખેડૂતોને પોતાની ઉપજ બજાર સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડશે.

UN ક્લાઇમેટ ચીફે હિમાલય અંગે આપી ચેતવણી

સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ચીફ સાઇમન સ્ટીલે નેપાળ-ચીન સરહદ નજીક બનેલી આ ઘટનાને હિમાલય માટે ગંભીર ચેતવણી ગણાવી છે.

તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે ખાસ કરીને હિંદુકુશ હિમાલય વધુ નબળો બની રહ્યો છે. વૈજ્ઞાનિકો અને સ્થાનિક લોકો વર્ષોથી આ વિસ્તારમાં વધતા જળવાયુ જોખમ અંગે ચેતવણી આપી રહ્યા છે.

તેમના જણાવ્યા પ્રમાણે કોલસો, તેલ અને ગેસના વધતા ઉપયોગથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને તેના કારણે ભવિષ્યમાં આવી કુદરતી આપત્તિઓ વધુ વારંવાર અને વધુ વિનાશક બની શકે છે.

ભારતની ફોરેન્સિક અને રેસ્ક્યુ ટીમ નેપાળમાં

નેપાળમાં ભારતની 19 સભ્યોની ફોરેન્સિક ટીમે કાઠમંડુમાં કામગીરી શરૂ કરી છે. ટીમ પૂર પીડિતોના મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલની તપાસમાં મદદ કરી રહી છે.

આ ઉપરાંત ભારતીય ટનલ રેસ્ક્યુ ટીમે ચિલિમે અને લાંગટાંગના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ વિસ્તારમાં નેપાળ સેનાના સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં સહયોગ આપ્યો હતો.

લાંગટાંગ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ નજીકની સુરંગમાં પહોંચી ટીમે ખરાબ હવામાન વચ્ચે એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.

નેપાળમાં 85 અમેરિકી નાગરિકોનો પત્તો નથી

પૂર (Nepal Flood)બાદ નેપાળમાં 85 અમેરિકી નાગરિકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું કે 9 અમેરિકી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

હાલમાં કોઈ અમેરિકી નાગરિકના મોતની માહિતી મળી નથી. જોકે, અસરગ્રસ્ત વિસ્તારો અત્યંત દૂરના અને ભારે નુકસાનગ્રસ્ત હોવાથી ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

અનેક દેશોએ નેપાળ માટે મદદ જાહેર કરી

નેપાળના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે પૂરથી થયેલું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી શકે છે, જોકે અંતિમ અંદાજ માટે હજુ સમય લાગશે. આ દરમિયાન અનેક દેશોએ નેપાળ માટે રાહત અને માનવીય સહાય જાહેર કરી છે.

ભારત: વિદેશ મંત્રી એસ. જયશંકરના જણાવ્યા પ્રમાણે ભારતની ત્રીજી રાહત ફ્લાઇટ કાઠમંડુ પહોંચી હતી. તેમાં 10 ટન માનવીય સહાય અને 11 સભ્યોની મેડિકલ તથા ટનલ રેસ્ક્યુ ટીમ હતી.

બ્રિટન: 50 લાખ પાઉન્ડની સહાયની જાહેરાત કરવામાં આવી.

યુરોપિયન યુનિયન: 20 લાખ યુરોની તાત્કાલિક માનવીય સહાય જાહેર કરવામાં આવી.

કેનેડા: 50 લાખ કેનેડિયન ડોલરની સહાય જાહેર થઈ.

અમેરિકા: 5 લાખ ડોલરની રાહત સહાયની જાહેરાત કરવામાં આવી.

ચીન: ચીને પણ રાહત સામગ્રી અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે.

149 ભારતીયોને સુરક્ષિત બચાવવામાં આવ્યા

ભારતીય વિદેશ મંત્રાલયે 30 ઓગસ્ટ સાંજે 5:30 વાગ્યા સુધીનું અપડેટ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેપાળમાં ફસાયેલા અને બાદમાં બચાવવામાં (Rescue)આવેલા 149 ભારતીય નાગરિકોની યાદી સોશિયલ મીડિયા પર જાહેર કરી છે.

નેપાળમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. એક તરફ અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે DNA તપાસ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હજારો લાપતા લોકોના પરિવારજનો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. ગ્લેશિયર (Glacier), અચાનક પૂર અને પુલો તથા રસ્તાઓને થયેલા નુકસાનને કારણે રાહત કામગીરી (Rescue)હજુ પણ પડકારજનક છે.


આ પણ વાંચો : નેપાળ-તિબેટ પૂર વચ્ચે તળાવ ફાટવાનું જોખમ, રેસ્ક્યૂ ઓપરેશન રોકાયું,મૃત્યુઆંક 469, 977 લોકો ગુમ

આ પણ વાંચો : નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ

આ પણ વાંચો : તિબેટમાં પૂરથી તબાહી; લાખો લોકો લાપતા છતાં ચીને દુનિયાથી છુપાવ્યા મોત અને નુકસાનના આંકડા