Ahmedabad News: અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં આવેલી મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં તસ્કરોએ મોટી ચોરીને (Kathwada GIDC Theft) અંજામ આપ્યો છે. ફેક્ટરીનું શટર અને ઓફિસનું લોક તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રોકડા રૂ.20 લાખ ભરેલી તિજોરી અને લોકર જ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ફેક્ટરી માલિકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.
કઠવાડા GIDCમાં મશીનરીની ફેક્ટરી
નિકોલ વિસ્તારમાં રહેતા રવિ પંચાલ કઠવાડા GIDCમાં મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ફેક્ટરીના દૈનિક અને અન્ય ખર્ચ માટે તેમણે છેલ્લા છ મહિનામાં બેંકમાંથી તબક્કાવાર રોકડ રકમ ઉપાડી હતી. આ રકમમાંથી કુલ રૂ.20 લાખ ઓફિસમાં આવેલી તિજોરી અને લોકરમાં (Factory Theft Ahmedabad) રાખવામાં આવ્યા હતા. ગત 25 ઓગસ્ટની રાત્રે રવિ પંચાલ ફેક્ટરીનું કામકાજ પૂર્ણ કરીને ફેક્ટરી બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીને નિશાન બનાવી હતી. તસ્કરોએ ફેક્ટરીનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
Kathwada GIDC Theft: તિજોરી અને લોકર લઈને તસ્કરો ફરાર
તસ્કરોએ ઓફિસમાં પ્રવેશ કર્યા બાદ લોક તોડ્યું હતું. અંદર રાખવામાં આવેલી તિજોરી અને લોકરમાં રોકડ રકમ હોવાનું માલૂમ પડતાં તેને તોડવાને બદલે તસ્કરો આખી તિજોરી અને લોકર જ ઉઠાવી ગયા હતા. બંનેમાં કુલ રૂ.20 લાખની રોકડ હોવાનું ફરિયાદમાં (20 Lakh Theft) જણાવાયું છે.
સિક્યુરિટી ગાર્ડે શટર તૂટેલું જોયું
વહેલી સવારે ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડની નજર શટર તરફ જતાં શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ગાર્ડે તાત્કાલિક ફેક્ટરી માલિકને આ અંગે જાણ કરી હતી. રવિ પંચાલ અને તેમના ભાગીદારો સ્થળ પર પહોંચ્યા બાદ અંદર તપાસ કરતાં ચોરીની સમગ્ર ઘટના સામે આવી હતી.
ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે (Nikol Police) ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ફેક્ટરી અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. તસ્કરો કઈ રીતે ફેક્ટરીમાં પ્રવેશ્યા, ચોરી કર્યા બાદ કયા માર્ગે ફરાર થયા અને તિજોરી તથા લોકર ક્યાં લઈ ગયા તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ખેડાના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો કરી હત્યા
આ પણ વાંચો: ગણેશ આગમનમાં બેકાબૂ ભીડ! ટેબલ તૂટતાં લોકો નીચે પટકાયા, રામચોકમાં દોડધામ
આ પણ વાંચો: દહેગામમાં બોરવેલ કેબલ ચોરીનો ખેલ! વાહન અને મુદ્દામાલ સાથે 3 ઝડપાયા
