nepal news/ નેપાળ-તિબેટ પૂર વચ્ચે તળાવ ફાટવાનું જોખમ, રેસ્ક્યૂ ઓપરેશન રોકાયું,મૃત્યુઆંક 469, 977 લોકો ગુમ

તિબેટ-નેપાળ (Nepal-Tibet Flood,)સરહદ નજીક બુધવારે સર્જાયેલી ભયાનક કુદરતી આફતે બંને દેશોમાં ભારે વિનાશ વેર્યો છે

Top Stories World
તિબેટ-નેપાળ (Nepal-Tibet Flood,)સરહદ નજીક બુધવારે સર્જાયેલી ભયાનક કુદરતી આફતે બંને દેશોમાં ભારે વિનાશ વેર્યો છે.

Nepal News : તિબેટ-નેપાળ (Nepal-Tibet Flood,)સરહદ નજીક બુધવારે સર્જાયેલી ભયાનક કુદરતી આફતે બંને દેશોમાં ભારે વિનાશ વેર્યો છે. ગ્લેશિયરનો અંદાજે 1.2 કિલોમીટર ભાગ તૂટ્યા બાદ બરફ, ખડકો, માટી અને કાટમાળ સાથે પાણીનો અત્યંત ઝડપી પ્રવાહ નીચે આવ્યો હતો. તેની સીધી અસર ભોટેકોશી નદી પર પડી અને નેપાળના અનેક વિસ્તારોમાં વિનાશક પૂર આવ્યું.

નેપાળ જળપ્રલયમાં 23 ગુજરાતીઓનો સંપર્ક તૂટ્યો, 150થી વધુ અસરગ્રસ્ત હોવાની શક્યતા

નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાતના અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 28 ઓગસ્ટે સવારે 7:45 વાગ્યા સુધી મળેલી માહિતી પ્રમાણે 23 ગુજરાતી નાગરિકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

અગાઉ 12 ગુજરાતીઓનો સંપર્ક ન થવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ આ સંખ્યા વધીને 18 થઈ હતી અને હવે 23 સુધી પહોંચી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ ગુમ અથવા સંપર્કવિહોણા પ્રવાસીઓ અંગેની વિગતો મેળવવા અને તેમના પરિવારજનો સાથે સંકલન કરવાની કામગીરી ચાલી રહી છે.

નેપાળ-તિબેટ બોર્ડર તરફ ગયેલા પ્રવાસીઓનો સંપર્ક નથી

સુરતના પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રમાણી સહિત કેટલાક ગુજરાતીઓ 23 ઓગસ્ટે નેપાળ પ્રવાસે ગયા હતા. મળેલી છેલ્લી માહિતી મુજબ તેઓ નેપાળ-તિબેટ બોર્ડર તરફ હતા. ત્યારથી પરિવારજનોનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ગાંધીનગરના કેટલાક પ્રવાસીઓ ટ્રેકિંગ માટે નેપાળ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ આણંદના બે પ્રવાસીઓ હિમાલયન ગ્લેશિયર એન્ડ એડવેન્ચર પ્લાનર મારફતે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા. તેમની સાથે પણ હાલ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી.

150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત હોવાની શક્યતા

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે નેપાળની સ્થિતિ અત્યંત ગંભીર છે. પૂર અને કુદરતી આફતના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલોના આધારે 150થી વધુ ગુજરાતીઓ આ આપત્તિથી અસરગ્રસ્ત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નેપાળના રસુવા સહિતના વિસ્તારોમાં થયેલી આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત અને ગુમ થવાના અહેવાલો સામે આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાગરિકો પણ હોવાની માહિતી મળી રહી છે.

ભારત તરફથી રાહત અને બચાવ કામગીરી

નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ પહોંચાડવા ભારત સરકારે રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. પાટીલે જણાવ્યું કે ભારત તરફથી આશરે 47.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નેપાળ સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવાયું છે. ફસાયેલા ભારતીયો સુધી પહોંચવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સંકલન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત માટે હેલ્પલાઇન નંબર

નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે માહિતી મેળવવા અથવા મદદ માટે નીચેના નંબરો પર સંપર્ક કરી શકાય છે:

079-23251900

9978405304

1070

રાજ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નેપાળમાં રહેલા ગુજરાતીઓના પરિવારજનો ગભરાયા વિના સત્તાવાર હેલ્પલાઇન અને તંત્રનો સંપર્ક કરે તથા મળતી માહિતી શેર કરે.

હાલ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. તિબેટ તરફ પાણીનો પ્રવાહ ફરી વધવાની માહિતી મળ્યા બાદ નેપાળી અધિકારીઓએ બચાવ કામગીરીમાં (Nepal Rescue Operation)જોડાયેલા સુરક્ષાકર્મીઓ, રેસ્ક્યૂ ટીમો અને સામાન્ય લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. જોખમને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન (Nepal Rescue Operation)આશરે 90 મિનિટ માટે રોકવામાં આવ્યું છે.

ચીનના તિબેટ વિસ્તારમાં પણ રાહત અને બચાવ કામગીરી અટકાવવામાં આવી છે અને લેવલ-4 એલર્ટ જાહેર કરાયું છે. બે નદીઓના સંગમ પાસે બનેલા નવા બેરિયર લેક (Barrier Lake)એટલે કે અસ્થાયી તળાવના તૂટવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. જો આ તળાવ તૂટે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી અચાનક પૂર આવી શકે છે.

નેપાળના રસુવા સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગૃહ મંત્રાલયની આપત્તિ તૈયારી અને પ્રતિભાવ શાખા (NEOC)ના અહેવાલ મુજબ નેપાળમાં 469 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 977 લોકો હજુ પણ ગુમ છે.

ગુમ થયેલા લોકોમાં વિદેશી નાગરિકો ઉપરાંત નેપાળી સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઉપલબ્ધ વિગતો અનુસાર 517 વિદેશી નાગરિકો, નેપાળી સેનાના 45 જવાનો અને નેપાળ પોલીસના 41 કર્મચારીઓ ગુમ હોવાનું જણાવાયું છે.

તિબેટ (Tibet Flood)માં પણ સ્થિતિ ગંભીર છે. ત્યાં ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 558 લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાયું છે. ગુમ થયેલા લોકોમાં 260 વિદેશી નાગરિકો સામેલ હોવાનું ચીની અધિકારીઓએ જણાવ્યું છે.

આ રીતે નેપાળ અને તિબેટમાં મળીને મૃત્યુઆંક 478 સુધી પહોંચ્યો છે અને 1,500થી વધુ લોકો ગુમ છે. જોકે, અલગ-અલગ સમયે જાહેર થયેલા આંકડાઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કારણ કે બચાવ કામગીરી હજુ ચાલુ છે અને ઘણા વિસ્તારો સાથે સંપર્ક તૂટેલો છે.

ચીનના અધિકારીઓએ તિબેટના ગ્યિરોંગ કાઉન્ટીમાં 1,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. શિન્હુઆના અહેવાલ પ્રમાણે તેમાં 555 પ્રભાવિત પ્રવાસીઓ અને 499 સ્થાનિક લોકો તથા બાંધકામ કામદારોનો સમાવેશ થાય છે.

ચીની સરકારી મીડિયા અનુસાર હવે ગ્યિરોંગ વિસ્તારમાં કોઈ પ્રવાસી ફસાયેલો નથી. જોકે, બચાવાયેલા 555 પ્રવાસીઓમાં કયા દેશોના નાગરિકો છે તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી. તેથી આ સંખ્યા નેપાળ અથવા અન્ય દેશો દ્વારા જાહેર કરાયેલા ગુમ થયેલા લોકોના આંકડામાં સામેલ છે કે નહીં તે સ્પષ્ટ નથી.

ચીને નવા બનેલા અસ્થાયી તળાવની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન શરૂ કર્યું છે. એન્જિનિયરોની ટીમ હવાઈ સર્વે અને 3D મોડેલિંગ દ્વારા તળાવ તથા તેની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે.

ગ્યિરોંગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન પણ રોકાઈ-રોકાઈને વરસાદ પડવાની આગાહી છે. જેના કારણે ભૂસ્ખલન અને ફરી પૂર આવવાની આશંકા યથાવત છે. ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે પણ ચેતવણી આપી છે કે ભૂસ્ખલનથી બનેલી અસ્થાયી બંધ જેવી રચના તૂટી શકે છે.

 પૂર અને ભૂસ્ખલન બાદ 30થી વધુ દેશોના નાગરિકો પ્રભાવિત થયા છે. વિવિધ સ્થાનિક અહેવાલોમાં આશરે 1,500 વિદેશી નાગરિકો અસરગ્રસ્ત અથવા ગુમ હોવાની માહિતી સામે આવી છે. તેમાં ભારતના આશરે 290, અમેરિકાના 90, યુક્રેનના 55, મલેશિયાના 51, ઓસ્ટ્રેલિયાના 39, બ્રિટનના 33 અને કેનેડાના 25 નાગરિકોનો સમાવેશ થાય છે.

ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળમાં રેસ્ક્યૂ કરાયેલા ભારતીયોની વિગતો જાહેર કરી છે. ત્રિશૂલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 63 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત તામિલનાડુના 21 કૈલાશ માનસરોવર યાત્રીઓને પણ બચાવવામાં આવ્યા છે. અગાઉ 54 ભારતીયોને બચાવ્યાની માહિતી પણ આપવામાં આવી હતી, જે દર્શાવે છે કે બચાવ કામગીરી દરમિયાન આંકડા સતત અપડેટ થઈ રહ્યા છે.

હૈદરાબાદથી કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલી 45 સભ્યોની ટીમ પણ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. તેમાં પૂર્વ DRDO ચેરમેન જી. સતીશ રેડ્ડી અને તેમનો પરિવાર પણ સામેલ છે. ટીમે કૈલાશ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને રસ્તો બદલાયા બાદ વૈકલ્પિક માર્ગે નેપાળ પરત ફરવાની તૈયારી કરી રહી છે.

દિલ્હીના 25 શ્રદ્ધાળુઓ પણ સુરક્ષિત રીતે પરત ફર્યા છે. જોકે, ખાનગી એજન્સીઓ મારફતે અથવા વ્યક્તિગત રીતે કૈલાશ યાત્રા પર ગયેલા લોકો અંગે અધિકારીઓ હજુ માહિતી એકત્ર કરી રહ્યા છે.

સુરંગમાં લગભગ 100 લોકો ફસાયા હોવાની આશંકા

રસુવામાં આવેલા ત્રિશૂલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની માહિતી છે. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર લગભગ 100 લોકો હજુ પણ સુરંગમાં ફસાયેલા હોઈ શકે છે, જ્યારે 350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

નેપાળી સેનાની હેલિકોપ્ટર અને સર્ચ-રેસ્ક્યૂ ટીમો બચાવ કામગીરી (Nepal Rescue Operation)માં લાગી છે. મુશ્કેલ પહાડી ભૂપ્રદેશ, કાટમાળ અને સતત રહેલા જોખમને કારણે ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું છે. અત્યાર સુધી સુરંગમાંથી ઓછામાં ઓછા બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી છે.

ભોટેકોશી પૂરથી માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન

નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને સંચાલન સત્તામંડળ (NDRRMA) અનુસાર પૂરથી આશરે 80 પુલ અને લગભગ 40 કિલોમીટર પાકા રસ્તાઓને નુકસાન થયું છે. ચીન સરહદ નજીકના આ માર્ગો નેપાળના વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

પૂરના કારણે ચીનથી માલસામાનની અવરજવર તથા નેપાળ-ચીન સરહદ પારના વેપારને અસર થવાની શક્યતા છે. ચીન નેપાળનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર હોવાથી આ કુદરતી આફત દેશના અર્થતંત્ર માટે પણ મોટો પડકાર બની શકે છે.

ગંડક નદીથી ભારતમાં પણ જોખમ

નેપાળમાં આવેલા પૂર (Nepal Flood)બાદ ગંડક નદીની જળસપાટીમાં વધારો થયો છે. બિહારના કેટલાક ગામોમાં પૂર અને ધોવાણનું જોખમ વધી ગયું છે. સ્થાનિક લોકોએ પાણીનું સ્તર સતત વધતું હોવાની માહિતી આપી છે અને વહીવટીતંત્રે લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવા સૂચના આપી છે.

ઉત્તર પ્રદેશમાં ગંડક નદીના કિનારેથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. તેમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આશંકા છે કે આ મૃતદેહો નેપાળમાંથી નદીના તેજ પ્રવાહ સાથે તણાઈને ભારત પહોંચ્યા હોઈ શકે છે.

સેટેલાઇટ તસવીરોથી પૂરનું કારણ સામે આવ્યું

વૈજ્ઞાનિકોના પ્રાથમિક વિશ્લેષણ અનુસાર માત્ર ગ્લેશિયર (Glacier Burst)તૂટવાથી આટલી મોટી તબાહી સર્જાઈ નહોતી. સેટેલાઇટ તસવીરોમાં ગ્લેશિયરની નીચે આવેલા પહાડ અને મોટા પ્રમાણમાં ખડકોનો ભાગ પણ તૂટી પડ્યો હોવાનું જોવા મળ્યું છે.

ઊંચાઈ પરથી બરફ, ખડકો અને કાટમાળ ઝડપથી ખીણમાં પડતાં માર્ગમાં બરફ ઓગળ્યો અને પાણી, કાદવ, પથ્થરો તથા કાટમાળનો વિનાશક પ્રવાહ સર્જાયો. કેટલીક જગ્યાએ આ પ્રવાહ બહુમાળી ઇમારત જેટલો ઊંચો હોવાનું જણાવાયું છે.

નેપાળે વિદેશી રેસ્ક્યૂ ટીમની મદદ સ્વીકારી નહીં

ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોએ વિદેશી રેસ્ક્યૂ ટીમ મોકલવાની ઓફર કરી હતી. જોકે, નેપાળ સરકારે હાલ આ ટીમોની મદદ સ્વીકારી નથી અને પોતાની સેના તથા પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

અધિકારીઓએ 2015ના ભૂકંપનો અનુભવ ટાંક્યો છે. તે સમયે મોટી સંખ્યામાં વિદેશી બચાવ ટીમો પહોંચતાં સંકલનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ વખતે વિદેશી રેસ્ક્યૂ ટીમોની જગ્યાએ આર્થિક અને માનવતાવાદી મદદ લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.

UAE તરફથી 1 કરોડ ડોલરની રાહત સહાય

સંયુક્ત આરબ અમીરાતે ભોટેકોશી પૂરમાં અસરગ્રસ્ત લોકો માટે 1 કરોડ અમેરિકી ડોલરની કટોકટી રાહત સહાય આપવાની જાહેરાત કરી છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનના નિર્દેશ પર આ સહાય આપવામાં આવી રહી છે.

27 બેંક કર્મચારીઓ પણ સંપર્કવિહોણા

 પૂર બાદ સાત અલગ-અલગ બેંકોમાં કામ કરતા ઓછામાં ઓછા 27 કર્મચારીઓ હજુ સંપર્કમાં આવ્યા નથી. તેમાં નેપાળ ઇન્વેસ્ટમેન્ટ મેગા બેંકના 7, માછાપુચ્છ્રે બેંકના 5, સાનિમા બેંકના 2, લક્ષ્મી સનરાઇઝ બેંકના 3, હિમાલયન બેંકના 1, NMB બેંકના 4 અને પ્રભુ બેંકના 5 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

હાલ નેપાળી સેના, પોલીસ અને બચાવ (Nepal Rescue Operation)દળોનું મુખ્ય ધ્યાન ગુમ થયેલા લોકોની શોધ, ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તૂટેલા રસ્તા-પુલને કારણે સંપર્કવિહોણા વિસ્તારો સુધી પહોંચવા પર છે.


આ પણ વાંચો : નેપાળમાં ગ્લેશિયર ફાટતાં તબાહી: 392નાં મોત, 1,500થી વધુ લોકો ગુમ; ચીનમાં પણ બીજા પૂરનું જોખમ

આ પણ વાંચો :  નેપાળ પૂરમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોવાની આશંકા, હેલ્પલાઇન નંબર જાહેર

આ પણ વાંચો :  નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા