Surat News/ સુરતમાં 13 વર્ષની માસૂમની જાહેરમાં છેડતી, બાઈક સવાર બોલ્યો- ‘ચાલ ગાડીમાં બેસી જા’

Suratના અમરોલીમાં ધોરણ 8 ની વિદ્યાર્થિની ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે બાઈક સવારે પીછો કરી છેડતી કરી. પરિવારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા CCTV આધારે તપાસ શરૂ.

Surat Top Stories Gujarat
Surat Amroli Eve Teasing:

Surat Amroli Eve Teasing: સુરત શહેરમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ-8 માં અભ્યાસ કરતી માત્ર 13 વર્ષની એક કિશોરીનો જાહેરમાં પીછો કરી, એક અજાણ્યા બાઈક સવારે નિર્લજ્જ માંગણી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, આ મામલે કિશોરીના પરિવારે હિંમત દાખવીને લુખ્ખા તત્વો સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક્શન લીધા છે.

ટ્યુશનથી ઘરે જતી વેળાએ રોમિયોએ પીછો કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરોલી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય કિશોરી ગત 3 એપ્રિલ 2026 ના રોજ સવારે રાબેતા મુજબ પોતાના ટ્યુશન ક્લાસીસ ગઈ હતી. સવારે 10:30 વાગ્યાની આસપાસ તે ટ્યુશન પૂર્ણ કરીને ચાલતી પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યો શખ્સ બાઈક લઈને તેની પાછળ પડ્યો હતો. નિર્જન રસ્તાનો લાભ ઉઠાવી આ શખ્સે કિશોરીની નજીક આવી તેને અટકાવવાનો નિંદનીય પ્રયાસ કર્યો હતો.

‘ચાલ મારી ગાડીમાં બેસી જા, આપણે ફરી આવીએ’

જ્યારે કિશોરી પોતાની સોસાયટીના જાહેર રોડ પર પહોંચી, ત્યારે આ બાઈક સવાર અજાણ્યા શખ્સે તેની એકદમ નજીક આવીને રોકતા નિર્લજ્જતાથી કહ્યું હતું કે, “ચાલ, મારી ગાડીમાં બેસી જા.” અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલી કિશોરીએ મૌન જાળવીને ચાલવાનું શરૂ રાખ્યું હતું. છતાં વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સે ફરીથી તેની પાસે આવીને છેડતી કરતા કહ્યું હતું કે, “ચાલ આપણે ફરી આવીએ.” આ પ્રકારની હરકતોથી 13 વર્ષની માસૂમ દીકરી અત્યંત ભયભીત થઈ ગઈ હતી.

ગભરાયેલી દીકરીની આપવીતી સાંભળી પરિવાર સ્તબ્ધ

અસામાજિક તત્વની આ હેરાનગતિથી બચવા કિશોરી દોડીને સીધી પોતાના ઘરે પહોંચી ગઈ હતી. ઘરે પહોંચતા જ દીકરીની ગભરાયેલી હાલત જોઈ માતાને શંકા ગઈ હતી. જ્યારે માતાએ પ્રેમથી પૂછપરછ કરી, ત્યારે રડતા-રડતા દીકરીએ રસ્તામાં બનેલી તમામ હકીકત જણાવી હતી. આ ઘટના સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરંતુ, આવા તત્વોને ખુલ્લા મૂકવાને બદલે તેમને પાઠ ભણાવવા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનું મુનાસિબ માન્યું.

Surat: અમરોલી પોલીસ એક્શનમાં

દીકરી સાથે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ પરિવારના સભ્યોએ અમરોલી પોલીસ મથકે પહોંચીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે છેડતીનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસ દ્વારા સોસાયટી અને રસ્તા પર લાગેલા CCTV ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી બાઈક નંબરના આધારે આરોપીની ઝડપથી ઓળખ કરી તેને કાયદાનું ભાન કરાવી શકાય.


આ પણ વાંચો: સુરત પોલીસે એટીએમ મશીનમાંથી ડેટા ચોરી કરનારને છ વર્ષે ઝડપ્યો

આ પણ વાંચો: સાહેબ… ઘરે પરિવાર શું ખાશે?” શ્રમિકની આ પીડા જોઈ સુરતના ઉદ્યોગપતિએ શોધ્યો અનોખો રસ્તો

આ પણ વાંચો: સુરત પોલીસે 24 વર્ષથી ભાગતા ફરતા હત્યાના આરોપીને ઝડપ્યો