Gujarat Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી (Gujarat Rain Forecast) મેઘરાજાએ થોડી રાહત આપી છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની જગ્યાએ માત્ર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. રાજ્ય પર અસર કરતું વેલમાર્ક લો-પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું હોવાથી હાલ ભારે વરસાદની શક્યતા ઓછી છે. તેમ છતાં સક્રિય મોન્સૂન ટ્રફને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે શું કહ્યું?
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાની સંભાવના છે. હાલ માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
5 ઓગસ્ટથી હવામાનમાં આવશે મોટો ફેરફાર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા મુજબ 5 ઓગસ્ટથી (August Rain Forecast) રાજ્યના હવામાનમાં ફરી પરિવર્તન જોવા મળી શકે છે. ત્યારબાદ 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ (Heavy Rain Gujarat) પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે મહત્વની સલાહ
અંબાલાલ પટેલે ખેડૂતોને પાકમાં જીવાતના ઉપદ્રવ સામે સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમણે પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં સમયસર લેવા જણાવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન ખેતીના કેટલાક કામ ટાળવા યોગ્ય ગણાય છે, જ્યારે 17 ઓગસ્ટ બાદ મધા નક્ષત્રનું પાણી ખેતી માટે વધુ લાભદાયી માનવામાં આવે છે.
રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો?

આ સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 23.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સિઝનના અંદાજે 68.58 ટકા જેટલો છે. રાજ્યના 38 તાલુકાઓમાં અત્યાર સુધી 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે હજુ પણ 84 તાલુકાઓ એવા છે જ્યાં 50 ટકા વરસાદ પણ થયો નથી. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા યથાવત છે.
આગામી દિવસોમાં નજર રહેશે નવી સિસ્ટમ પર
હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી હોવા છતાં 5 ઓગસ્ટ બાદ બનનારી હવામાન પ્રણાલીઓ પર હવામાન વિભાગ અને નિષ્ણાતોની સતત નજર છે. જો નવી સિસ્ટમ સક્રિય બનશે તો 8થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં જંગી વધારો, પુરવઠો ઘટતા ટામેટા-મરચાં ₹100ની નજીક
આ પણ વાંચો: ગુજરાત પરથી વાદળો હટ્યા, ભારે વરસાદની શક્યતા ઘટી
