Gujarat News : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ (Rain)નું જોર ઘટતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ અંદાજે પોણા ત્રણ ઈંચ વરસાદ (Rajkot Rain)નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે. જોકે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના પ્રભાવને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. બીજી તરફ સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો હટી જતાં હાલ અતિભારે વરસાદની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે.
દરિયાકાંઠે ભારે પવન, માછીમારોને ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યના બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ નંબર-3 (LCS-3) લગાવવામાં આવ્યું છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-(Saurashtra)કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં સાથે ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં 12 મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 552.4 મિમી (21.75 ઈંચ) સુધી પહોંચી ગયો છે.
રાજ્યમાં સામાન્ય કરતાં 21% વધુ વરસાદ
ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં આશરે 21 ટકા વધુ વરસાદ (Rain)નોંધાયો છે. આ આંકડો દર્શાવે છે કે ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસું અત્યાર સુધી સક્રિય રહ્યું છે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.
