Surat News/ સુરત મનપાની બેદરકારીનો આક્ષેપ: ગોડાદરામાં 3 ફૂટ ખાડામાં બાઈક ખાબકતાં ઉપદેશ રાણાના PA સંદીપ યાદવનું મોત

સુરતના ગોડાદરા વિસ્તારમાં રોડના 3 ફૂટ ઊંડા ખાડા (Surat Road Accident)માં બાઈક ખાબકતાં ઉપદેશ રાણાના PA સંદીપ યાદવનું મોત થયું છે. સ્થાનિકોએ સુરત મનપાની બેદરકારીનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Road Accident: મોતના ખાડામાં ખાબક્યું બાઈક, ઉપદેશ રાણાના PAનું કરૂણ મોત; પાલિકા સામે રોષ

Surat News: સુરત શહેરમાં બિસમાર રસ્તા અને ખુલ્લા ખાડાઓને કારણે વધુ એક કરૂણ અકસ્માત (Surat Road Accident) સામે આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જવાના રસ્તા પર બાઈક સવાર યુવક ઊંડા ખાડામાં ખાબકતાં તેનું મોત થયું છે. મૃતક યુવક હિન્દુવાદી નેતા અને સનાતન સંઘના આગેવાન ઉપદેશ રાણાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. અકસ્માત (Surat Road Accident) બાદ પરિવાર સહિત સ્થાનિકોમાં ભારે શોક અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

3 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું બાઈક

મળતી માહિતી મુજબ, ગત રાત્રે અંદાજે 10:30 વાગ્યાના સમયે 24 વર્ષીય સંદીપ યાદવ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.આ દરમિયાન ગોડાદરા વિસ્તારમાં રોડ પર પાણી અને કાદવથી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડામાં તેનું બાઈક અચાનક ખાબક્યું હતું.બાઈક ખાડામાં પડતાં સંદીપ જોરદાર રીતે ઉછળીને રોડ પર પટકાયો હતો. માથા અને શરીરના ગંભીર ભાગે ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઉપદેશ રાણાએ વ્યક્ત કર્યો આક્રોશ

સંદીપ યાદવના મોતની જાણ થતાં ઉપદેશ રાણા હોસ્પિટલ અને સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, સંદીપ છેલ્લા 6થી 7 વર્ષથી તેમની સાથે જોડાયેલો હતો અને માત્ર કર્મચારી નહીં પરંતુ નાના ભાઈ સમાન હતો. ઓફિસથી લઈને ઘર સુધીની તમામ જવાબદારીઓ તે સંભાળતો હતો.ઉપદેશ રાણાએ આક્ષેપ કર્યો હતો કે સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક યુવાનનો જીવ ગયો છે.

સ્થાનિકોનો આક્ષેપ: રોડ બન્યો મોતનો પટ્ટો

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગોડાદરા વિસ્તારના 150 ફૂટના મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી અનેક મોટા ખાડાઓ છે.ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી અને કાદવ ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી.સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે, રસ્તા પર સ્ટ્રીટ લાઈટના થાંભલા હોવા છતાં રાત્રિના સમયે લાઈટો બંધ રહેતી હોવાની સમસ્યા છે.

Surat Road Accident: ખાડા પર કરેલું માર્કિંગ પણ હટાવી દેવાયું હોવાનો આક્ષેપ

અકસ્માત (Surat Road Accident) બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અગાઉ અકસ્માત અટકાવવા માટે તેમણે પોતાના ખર્ચે ખાડાઓની આસપાસ નિશાનીઓ અને સાઈનબોર્ડ લગાવ્યા હતા.પરંતુ બાદમાં આ માર્કિંગ પણ હટાવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે, જો સમયસર રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા હોત અને લાઈટો ચાલુ હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ

સંદીપના પરિવારજનો, સનાતન સંઘના કાર્યકરો અને સ્થાનિક રહીશોમાં સુરત મનપાના રોડ-બિલ્ડિંગ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ માંગ કરી છે કે અકસ્માત (Surat Road Accident) માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.આ ઉપરાંત ગોડાદરા વિસ્તારના બિસમાર રસ્તાઓ અને બંધ સ્ટ્રીટ લાઈટોની સમસ્યા તાત્કાલિક ઉકેલવાની માંગ કરવામાં આવી છે.

હવે પાલિકાની કામગીરી પર નજર

આ ઘટના બાદ ફરી એકવાર શહેરના રસ્તાઓની ગુણવત્તા, ખાડાઓ અને ચોમાસા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે.હવે જોવાનું રહેશે કે સુરત મહાનગરપાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે અને જવાબદાર સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં.


આ પણ વાંચો:સુરતમાં કોંગ્રેસે રસ્તા પરના ખાડાનો અનોખી રીતે કર્યો વિરોધ

આ પણ વાંચો:સુરતમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ મંગળ જેવા બની ગયા, ખાડા તંત્રને દેખાશે ખરા ?

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત