Chhota Udepur News/ ‘મારા માટે આ બધા મારા ભાઈ જ છે’, 49 વર્ષથી મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે આ બહેન

Premilaben Jaiswal: બોડેલીમાં પ્રેમીલાબેન જયસ્વાલ છેલ્લા 49 વર્ષથી પોતાના સગા ભાઈઓ કરતાં પહેલાં માનેલા મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે. બંને પરિવારો વચ્ચે વર્ષોથી ભાઈચારો અને આત્મીય સંબંધ છે.

Gujarat Top Stories Others
Premilaben Jaiswal: બોડેલીની પ્રેમીલાબેન 49 વર્ષથી પહેલા મુસ્લિમ ભાઈઓને બાંધે છે રાખડી

Chhota Udepur News: રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવવાનો તહેવાર. આ સંબંધને ધર્મની સરહદો રોકી શકતી નથી, તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી સામે આવ્યું છે. અહીં રહેતા જયસ્વાલ પરિવારની પ્રેમીલાબેન (Premilaben Jaiswal) છેલ્લા 49 વર્ષથી પોતાના સગા ભાઈઓ કરતાં પહેલાં માનેલા મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ બંને પરિવારો વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાને જીવંત રાખી રહી છે.

પહેલા માનેલા ભાઈઓને રાખડી, પછી સગા ભાઈઓને

બોડેલીના અલિપુરા વિસ્તારમાં આવેલી ચંદ્રજ્યોતિ સોસાયટીમાં રહેતા પ્રેમીલાબેન જયસ્વાલ મૂળ પંચમહાલના જાંબુઘોડાના વતની છે. તેમનું પિયર જાંબુઘોડામાં હોવાથી વર્ષોથી દિવાન પરિવાર સાથે તેમનો ઘરોબો રહ્યો છે. આ સંબંધ સમય જતાં એટલો ગાઢ બન્યો કે દિવાન પરિવારના મુસ્લિમ ભાઈઓ (Hindu Muslim Unity) સાથે તેમનો ભાઈ-બહેનનો સંબંધ બંધાયો. રક્ષાબંધન આવે ત્યારે પ્રેમીલાબેન આજે પણ સૌથી પહેલાં પોતાના માનેલા મુસ્લિમ ભાઈઓના ઘરે પહોંચે છે. તેમના કાંડા પર રાખડી બાંધી તેમની સલામતી, સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ તેઓ પોતાના સગા ભાઈઓને રાખડી બાંધવા જાય છે.

Premilaben Jaiswal: 49 વર્ષથી સંબંધમાં કોઈ ધર્મની દીવાલ નહીં

પ્રેમીલાબેન અને દિવાન પરિવારનો આ સંબંધ માત્ર રાખડીના એક દિવસ પૂરતો મર્યાદિત નથી. બંને પરિવારો વર્ષોથી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને છે. પરિવારના કોઈ શુભ પ્રસંગથી લઈને મુશ્કેલીની ઘડી સુધી બંને પરિવારો એકબીજાની પડખે ઊભા રહે છે. આ સંબંધ હવે માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો નહીં, પરંતુ બે પરિવારો અને પેઢીઓ વચ્ચેનો સંબંધ બની ગયો છે.

પ્રેમીલાબેનના કુલ છ સગા ભાઈ હતા અને તેમના માનેલા મુસ્લિમ ભાઈઓની સંખ્યા પણ છ જેટલી હતી. સમય જતાં બંને પરિવારોના કેટલાક ભાઈઓનું અવસાન થયું છે. બે હિન્દુ ભાઈઓ અને બે મુસ્લિમ ભાઈઓ હવે આ દુનિયામાં નથી. આ વખતે પ્રેમીલાબેને પોતાના ચાર હિન્દુ અને ચાર મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. જોકે, અવસાન પામેલા ભાઈઓની યાદ આવતા તેઓ ભાવુક થઈ ગયા હતા.

Premilaben Jaiswal: બોડેલીની પ્રેમીલાબેન 49 વર્ષથી પહેલા મુસ્લિમ ભાઈઓને બાંધે છે રાખડી
Premilaben Jaiswal: સગા ભાઈઓ કરતાં પહેલાં માનેલા મુસ્લિમ ભાઈઓને બાંધે છે રાખડી

રક્ષાબંધનના પ્રસંગે પોતાના અવસાન પામેલા માનેલા મુસ્લિમ ભાઈઓને યાદ કરતાં પ્રેમીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા હતા. વર્ષો જૂના સંબંધો અને સાથે વિતાવેલી ક્ષણો તેમની આંખો સામે ફરી આવી હતી. દિવાન પરિવારની ભાભીઓ પણ આ પ્રસંગે ભાવુક બની હતી. એકબીજાના પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા સંબંધોને યાદ કરતાં વાતાવરણ લાગણીસભર બની ગયું હતું.

‘મારા માટે આ બધા મારા ભાઈ જ છે’

પ્રેમીલાબેન કહે છે કે, “મારા માટે આ બધા મારા ભાઈ જ છે. વર્ષોથી તેમને (Hindu Muslim Brotherhood) રાખડી બાંધું છું. તેમના માટે હંમેશા દુઆ કરું છું કે તેઓ સ્વસ્થ રહે, સુખી રહે અને પ્રગતિ કરે.” તેમના શબ્દોમાં વર્ષોથી જળવાયેલા આ સંબંધ પ્રત્યેનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ જોવા મળે છે. તેમના માટે ભાઈ-બહેનના સંબંધને ધર્મના આધારે અલગ પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી.

‘સુખ હોય કે દુઃખ, અમે સાથે રહીએ છીએ’

પ્રેમીલાબેનના પુત્ર સંદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમારા પરિવાર અને દિવાન પરિવાર વચ્ચે વર્ષોથી ભાઈ-બહેનનો સંબંધ છે. મારા અને મારી બહેનના મોસાળાના મામાઓ પણ આ જ પરિવારના છે. સુખ હોય કે દુઃખ, અમે એકબીજાની સાથે રહીએ છીએ.” આ શબ્દો દર્શાવે છે કે વર્ષોથી ચાલતો આ સંબંધ માત્ર તહેવાર પૂરતો નથી, પરંતુ બંને પરિવારોના જીવનનો એક ભાગ બની ગયો છે.

જાંબુઘોડાથી બોડેલી સુધી સંબંધ અકબંધ

જયસ્વાલ પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વિસ્તાર સાથે જોડાયેલો છે અને વર્ષોથી બોડેલીમાં સ્થાયી થયો છે. જોકે, પ્રેમીલાબેનનું પિયર જાંબુઘોડામાં હોવાથી રક્ષાબંધન સહિતના પ્રસંગોએ તેઓ ત્યાં પોતાના ભાઈઓને મળવા જાય છે. આ વખતે પણ રક્ષાબંધનના પર્વે તેઓ પોતાના માનેલા ભાઈઓને રાખડી બાંધવા (Rakhi Celebration) પહોંચ્યા હતા. આ દરમિયાનના દ્રશ્યોમાં એક હિન્દુ બહેન પોતાના મુસ્લિમ ભાઈના કાંડા પર રાખડી બાંધતી જોવા મળી હતી.

પ્રેમ અને માનવતાનો સંદેશ આપતી રાખડી

બોડેલીમાં જોવા મળેલી આ રક્ષાબંધનની ઉજવણી માત્ર એક તહેવારની ઉજવણી નથી. આ 49 વર્ષથી જળવાયેલા સંબંધની કહાની છે, જેમાં વિશ્વાસ, લાગણી અને પરિવાર જેવી આત્મીયતા જોવા મળે છે. રાખડીના આ પવિત્ર બંધને વર્ષોથી બંને પરિવારોને એકબીજા સાથે જોડ્યા છે. પ્રેમીલાબેન અને દિવાન પરિવારનો આ સંબંધ સમાજમાં ભાઈચારા અને પરસ્પર સન્માનનો સુંદર સંદેશ આપે છે.

@સુલેમાન ખત્રી


આ પણ વાંચો: સુરત મનપામાં ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય, ડેપ્યુટી કમિશનરની જગ્યાઓ હવે આ રીતે ભરાશે

આ પણ વાંચો: રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી

આ પણ વાંચો: રક્ષાબંધન પર જેલમાં લાગણીસભર દૃશ્યો, બહેનોને જોઈ કેદી ભાઈઓ પણ થયા ભાવુક