Surat News: સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરની મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ભરવાની ભરતી પ્રક્રિયામાં (SMC Recruitment) રાજ્ય સરકારે મોટો ફેરફાર સૂચવ્યો છે. અત્યાર સુધી તમામ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની મનપાની દરખાસ્ત હતી, પરંતુ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આ પદ્ધતિને બદલીને નવી ત્રિસ્તરીય ભરતી ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હવે ડેપ્યુટી કમિશનરની કુલ જગ્યાઓમાંથી 50 ટકા જગ્યાઓ સીધી ભરતીથી, 25 ટકા પ્રમોશનથી અને 25 ટકા ડેપ્યુટેશનથી ભરવામાં આવશે.
રાજ્ય સરકારે સીધી ભરતીની દરખાસ્ત ફગાવી
સુરત મહાનગરપાલિકા દ્વારા ડેપ્યુટી કમિશનરની તમામ જગ્યાઓ (SMC Deputy Commissioner Recruitment) સીધી ભરતીથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ દરખાસ્ત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ સમક્ષ પહોંચ્યા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગે પાલિકાને નવી ભરતી પદ્ધતિ અનુસાર નિયમોમાં સુધારો કરવા સૂચના આપી છે. આ નિર્ણય બાદ હવે ડેપ્યુટી કમિશનરની જગ્યાઓ માટે માત્ર બહારથી અધિકારીઓની સીધી ભરતી નહીં થાય, પરંતુ મનપાના અનુભવી અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના અધિકારીઓને પણ તક મળશે.
SMC Recruitment: 50% જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે
નવી ફોર્મ્યુલા મુજબ ડેપ્યુટી કમિશનરની 50 ટકા જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે અગાઉ મનપા દ્વારા અલગ-અલગ શાખામાં અનુસ્નાતક અથવા સ્નાતક સાથે CA, ICWA, CS અને MBA જેવી ઉચ્ચ વ્યાવસાયિક લાયકાત નક્કી કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા લાયકાતના માપદંડમાં ફેરફાર સૂચવવામાં આવ્યો છે. હવે માન્ય યુનિવર્સિટીમાંથી માત્ર સ્નાતકની લાયકાતને પણ માન્ય રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ઉમેદવારોના અનુભવ સંબંધિત માપદંડોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
25% જગ્યાઓ પ્રમોશનથી ભરાશે
નવી ભરતી વ્યવસ્થામાં મનપાના આંતરિક અધિકારીઓ માટે પણ મહત્વની તક ઊભી થશે. ડેપ્યુટી કમિશનરની કુલ જગ્યાઓમાંથી 25 ટકા જગ્યાઓ પ્રમોશન (SMC Promotion) દ્વારા ભરવામાં આવશે. આ ક્વોટા હેઠળ મનપામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓને તક આપવામાં આવશે. જોકે, પ્રમોશન માટે સંબંધિત શૈક્ષણિક લાયકાત સહિતના નિર્ધારિત માપદંડ પૂર્ણ કરવા પડશે. આ જોગવાઈથી લાંબા સમયથી મનપામાં સેવા આપી રહેલા અનુભવી અધિકારીઓને ઉચ્ચ જવાબદારીવાળી પોસ્ટ પર પહોંચવાની તક મળી શકે છે.
25% જગ્યાઓ ડેપ્યુટેશનથી ભરાશે
બાકીની 25 ટકા જગ્યાઓ ડેપ્યુટેશન એટલે કે પ્રતિનિયુક્તિના (SMC Deputation) આધારે ભરવામાં આવશે. આ ક્વોટામાં રાજ્ય સરકારના IAS અથવા GAS કેડરના અનુભવી ક્લાસ-1 અધિકારીઓને ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં રાજ્ય સરકારના અનુભવી અધિકારીઓનો પણ સમાવેશ થશે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સૂચવાયેલા નવા માપદંડોના આધારે સુરત મહાનગરપાલિકાએ ભરતીના નિયમો અને લાયકાતમાં ફેરફાર કરવાની દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્ત મનપાની સામાન્ય સભાના ઠરાવ ક્રમાંક 103/2026ના અનુસંધાને તૈયાર કરવામાં આવી છે. હવે તેને અંતિમ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. મંજૂરી બાદ નવી ભરતી પ્રક્રિયા માટે સુધારેલા નિયમો અમલમાં આવી શકે છે.
મનપાના અનુભવી અધિકારીઓને મળશે તક
નવી ભરતી ફોર્મ્યુલાનો સૌથી મોટો ફાયદો મનપાના લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓને થઈ શકે છે. પ્રમોશન માટે 25 ટકા ક્વોટા નક્કી કરવામાં આવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે જરૂરી અનુભવ ધરાવતા અધિકારીઓને ડેપ્યુટી કમિશનર બનવાની તક મળશે. સાથે જ સીધી ભરતી અને ડેપ્યુટેશનના ક્વોટા હોવાથી બહારના અનુભવી અધિકારીઓને પણ સ્થાન મળશે.
50 ટકા સીધી ભરતી, 25 ટકા પ્રમોશન અને 25 ટકા ડેપ્યુટેશનની નવી ફોર્મ્યુલા અમલમાં આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં અલગ-અલગ અનુભવ ધરાવતા અધિકારીઓનો સમન્વય જોવા મળી શકે છે. એક તરફ મનપાના સ્થાનિક અને અનુભવી અધિકારીઓને પ્રમોશનથી તક મળશે, જ્યારે બીજી તરફ રાજ્ય સરકારના IAS અને GAS કેડરના અધિકારીઓ ડેપ્યુટેશનથી જોડાશે. આ ઉપરાંત સીધી ભરતીથી નવા અધિકારીઓને સ્થાન મળશે. સરકાર અને મનપાની અંતિમ મંજૂરી બાદ આ નવી ભરતી પદ્ધતિનો અમલ કેવી રીતે થાય છે તેના પર હવે સૌની નજર રહેશે.
આ પણ વાંચો: રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી
આ પણ વાંચો: રક્ષાબંધન પર જેલમાં લાગણીસભર દૃશ્યો, બહેનોને જોઈ કેદી ભાઈઓ પણ થયા ભાવુક
