ગૃહયુદ્ધની આગમાં હોમાઈ રહેલા સુદાન (Sudan)માં વધુ એક રક્તપાતની ઘટના સામે આવી છે. ઉત્તર સુદાનમાં ઇજિપ્ત (Egypt)ની સરહદ નજીક આવેલી એક પર્વતીય સોનાની ખાણ (Gold mine)પર અચાનક થયેલા ભયાનક મિસાઇલ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 72 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉત્તર સુદાનમાં ઇજિપ્તની સરહદ નજીક સોનાની ખાણ પર થયેલા આ મિસાઇલ હુમલા બાદ સુદાનના સત્તાવાળાઓએ ઇજિપ્તની વાયુસેના પર ગંભીર આરોપો મૂક્યા છે.
અચાનક થયેલા વિસ્ફોટોથી મચી અફરાતફરી
પ્રત્યક્ષદર્શી અબ્દેલ-અઝીઝ યુસુફના જણાવ્યા અનુસાર, જ્યારે ખાણિયાઓ રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા અને આસપાસના લોકો પોતાના સામાન્ય કામો કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ આકાશમાંથી એક પછી એક મિસાઇલો આવીને પડી હતી. આ સખત વિસ્ફોટોને કારણે સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને ગભરાટ ફેલાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સોનાની ખાણ આસપાસ ક્ષત-વિક્ષત કાટમાળ, લોહીથી લથપથ મૃતદેહો અને કફનમાં લપેટાયેલી લાશો જોઈ શકાય છે, જે આ હુમલાની ભયાનકતા છતી કરે છે.
આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ અને ઇજિપ્તનું મૌન
સુદાનના સત્તાવાળાઓનું કહેવું છે કે સરહદ પારથી કરવામાં આવેલો આ હવાઈ હુમલો સીધો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે. જોકે, આ ગંભીર આરોપો અંગે ઇજિપ્તની વાયુસેના કે તેમના વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે પણ સુદાનના બ્લુ નાઇલ (Blue Nile)રાજ્યમાં વિસ્થાપિતોના કેમ્પ પર થયેલા ડ્રોન હુમલામાં 31 લોકો માર્યા ગયા હતા.
સોનાની ગેરકાયદેસર દાણચોરી અને સંઘર્ષનું મુખ્ય કારણ
સુદાનમાં સોનાની ખાણો સ્થાનિક લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ આ જ ખાણો પર કબજો મેળવવા માટે હિંસક સંગ્રામ ચાલી રહ્યો છે. દેશમાં સૈન્ય અને અર્ધલશ્કરી દળ ‘રેપિડ સપોર્ટ ફોર્સિસ’ (RSF) વચ્ચેના આંતરિક યુદ્ધમાં સોનાની દાણચોરી આવકનો મોટો સ્ત્રોત બની ગઈ છે. વર્ષ 2024 ના સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક રિપોર્ટ અનુસાર, સુદાનમાં ઉત્પાદિત થતા સોનામાંથી 50 ટકા સોનું ગેરકાયદેસર રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે. ઇજિપ્ત તરફ સોનાની થતી મોટા પાયે દાણચોરીને કારણે આ સરહદી વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, પરંતુ આ હિંસક અથડામણોને કારણે નિર્દોષ ખાણિયાઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો:સુદાનમાં એક સપ્તાહમાં બે સોનાની ખાણ ધસી પડી, 93નાં મોત; અનેક શ્રમિકો કાટમાળમાં ફસાયા
આ પણ વાંચો:સુદાનમાં RSFનો ક્રૂર ડ્રોન હુમલો, કિન્ડરગાર્ટનમાં 33 બાળકો સહિત 50નાં મોત
આ પણ વાંચો:સુદાનના ડાર્ફુર પ્રદેશમાં હોસ્પિટલ પર મોટો હુમલો, WHOએ 70 લોકોના મોતનો દાવો કર્યો
