Rajasthan News: રાજસ્થાનના ભરતપુરમાં ક્રશર પ્લાન્ટને લઈને ચાલી રહેલો જૂનો વિવાદ ઉગ્ર બન્યો હતો. આ ઘટનામાં BJPના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાના (Atar Singh Bhadana)નું મોત થયું છે. અહેવાલ અનુસાર, ભોંડા ગામમાં આવેલા ક્રશર પ્લાન્ટ પર લાઠી અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અતર સિંહ ભડાના ઉપરાંત ગગન શર્મા નામની અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભડાનાનું જયપુરની SMS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Atar Singh Bhadana: ક્રશર પ્લાન્ટ પર કેવી રીતે થયો વિવાદ?
મળતી માહિતી અનુસાર, રવિવારે સાંજે આશરે 6:30 વાગ્યે અતર સિંહ ભડાના ભોંડા ગામમાં આવેલા પોતાના ક્રશર પ્લાન્ટ (Crusher Plant Clash) પર હાજર હતા. છેલ્લા એક વર્ષથી બંધ પડેલા પ્લાન્ટને ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. આ દરમિયાન ગ્રામજનો અને ભડાના પક્ષ વચ્ચે વિવાદ વધ્યો હતો.
આક્ષેપ છે કે 70થી 80 લોકોના ટોળાએ લાઠી અને પથ્થરો (Lathi Stone Attack)થી હુમલો કર્યો હતો. ઘાયલોને પહેલાં વેરની ઉપજિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગંભીર સ્થિતિને કારણે ભડાનાને જયપુર અને ગગન શર્માને ભરતપુર રિફર કરવામાં આવ્યા હતા.
ચાર વર્ષ જૂનો વિવાદ હોવાનું કહેવાય છે
પોલીસના જણાવ્યા અનુસાર, ક્રશર પ્લાન્ટના મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ હતો કે પશુઓના ચરાણની જમીન પર કબજો, ગેરકાયદે ખનન અને રસ્તા સંબંધિત મુદ્દાઓને લઈને સમસ્યા હતી. આ મુદ્દે ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હોવાનું પણ જણાવાયું છે. (Bharatpur Latest News)
બીજી તરફ, ગ્રામજનોનો દાવો છે કે તેઓ છેલ્લા 10થી 15 દિવસથી શાંતિપૂર્ણ ધરણાં કરી રહ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, રવિવારે ભડાના પક્ષના 40થી 50 લોકો સ્થળ પર પહોંચ્યા અને ધરણાં કરી રહેલા લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું.
ફાયરિંગ થયું હતું કે નહીં તેની તપાસ
ભડાનાના પત્ની કમલેશે પોલીસ અને વહીવટી તંત્ર પર સમયસર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે હુમલામાં ગોળી વાગ્યાનો દાવો પણ કર્યો હતો. જોકે, પ્રાથમિક તબીબી તપાસમાં આ દાવાને સમર્થન મળ્યું ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસ ફાયરિંગના આક્ષેપો સહિત સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
હાલમાં હુમલાની શરૂઆત કેવી રીતે થઈ, તેમાં કોણ-કોણ સામેલ હતું અને ક્રશર પ્લાન્ટના વિવાદની ભૂમિકા શું હતી તે અંગે તપાસ (Rajasthan Police Investigation) ચાલુ છે. ઘટનાને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અંકિતા ભંડારી મર્ડર કેસ :પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ
આ પણ વાંચો: રિવરફ્રન્ટની ગુજરી બજાર બની બકરામંડી? પૂર્વ ધારાસભ્યે પોલીસ કમિશનરને કરી રજૂઆત
આ પણ વાંચો: “ભાજપ પોતાની શકુનિ નીતિ છોડતી નથી”: પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના ગંભીર આક્ષેપ, BJPનો વળતો પ્રહાર
