New Delhi News: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો વિરોધ હવે ન્યાયિક લડાઈમાં ફેરવાયો છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત 11 વિપક્ષી નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામ દૂર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. રાહુલ ગાંધીએ આ લડાઈને દેશના ભવિષ્ય સાથે જોડાયેલી ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યાય મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
દિલ્હીમાં Rahul Gandhi સબિતના નેતાઓનું પ્રદર્શન
દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન INDIA બ્લોક (INDIA Bloc) દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિપક્ષના અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.
પ્રદર્શનમાં સામેલ મુખ્ય નેતાઓમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર તથા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો સમાવેશ થાય છે.
11 વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી
રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત 11 અરજદારો સુપ્રીમ કોર્ટ( Supreme Court)માં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની કાનૂની ટીમે અરજી અગાઉથી તૈયાર કરીને રજૂ કરી હતી. ત્યારબાદ નેતાઓએ તેના પર ઔપચારિક સહી કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી પણ કાનૂની કાર્યવાહી માટે હાજર રહ્યા હતા.
જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી, ખડગે સહિતના નેતાઓ કોર્ટ પરિસરમાંથી નીકળી ગયા હતા. બીજી તરફ, વિપક્ષના આ પગલાને લઈને ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
અરજી કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર પણ નોંધાઈ છે. અરજદારોમાં નીચેના નેતાઓનો સમાવેશ થાય છે:
રાહુલ ગાંધી
મલ્લિકાર્જુન ખડગે
અખિલેશ યાદવ
તેજસ્વી પ્રસાદ યાદવ
સૌગત રોય (TMC)
સંજય રાઉત (શિવસેના UBT)
એમ. એ. બેબી (CPI-M)
ડી. રાજા (CPI)
અરજીમાં ચૂંટણી પંચ સમક્ષ કઈ માગણીઓ રજૂ કરાઈ?
અરજીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન કથિત રીતે થયેલી ગેરરીતિઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજદારોએ ચૂંટણી પંચના નિર્ણયોની પારદર્શિતા અને કાયદેસરતા અંગે તપાસ કરવાની માગ કરી છે.
1. નિર્ણય સંબંધિત દસ્તાવેજો જાહેર કરવા: 24 જૂન, 2025ના રોજ SIR શરૂ કરવાના નિર્ણય સહિત સંબંધિત ફાઇલો, બેઠકના એજન્ડા, કાર્યવાહીનું વિવરણ, નોંધો, વાંધાઓ તથા ECINET અને ERONETના એક્સેસ લોગ્સ જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
2. નિર્ણયોની કાયદેસરતા તપાસવી: ચૂંટણી પંચે બંધારણની કલમ 324, વર્ષ 2023ના સંબંધિત કાયદા અને ટી. એન. શેષન કેસના ચુકાદાને અનુરૂપ નિર્ણયો લીધા છે કે નહીં તેની તપાસ કરવાની માગ છે.
3. મતદારોને યોગ્ય તક આપવી: પૂરતી નોટિસ અને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના કોઈ મતદારનું નામ યાદીમાંથી દૂર ન કરવામાં આવે તેવી માગ અરજીમાં કરવામાં આવી છે.
4. દૂર કરાયેલા નામોની વિગતો જાહેર કરવી: મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા નામોની બૂથવાર યાદી, તેની પાછળનાં કારણો અને સંબંધિત વસ્તીવિષયક વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાની માગ છે.
5. સ્વતંત્ર તપાસ સમિતિ બનાવવી: ડેટાબેઝમાં થયેલી હોવાની આશંકા વ્યક્ત કરાયેલી ગેરરીતિઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર ઓડિટ સમિતિ રચવાની માગ કરાઈ છે.
6. SIR પ્રક્રિયા પર વચગાળાનો પ્રતિબંધ: કેસની અંતિમ સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ SIR પ્રક્રિયા અટકાવવા વચગાળાનો સ્ટે આપવાની માગ પણ અરજીમાં સામેલ છે.
આ પણ વાંચો: લોકશાહીનો અમ્પાયર કેટલો સ્વતંત્ર? સુકુમાર સેનથી જ્ઞાનેશ કુમાર સુધી ચૂંટણી પંચના 75 વર્ષની સફર
આ પણ વાંચો: Rahul Gandhi: ‘જ્ઞાનેશ કુમારને સરકાર બચાવી રહી છે’, સુપ્રીમ કોર્ટ માર્ચ પહેલા મોટું નિવેદન
આ પણ વાંચો: વિરોધ પ્રદર્શન વચ્ચે CEC જ્ઞાનેશ કુમારના પ્રવાસ સ્થગિત, બંને ચૂંટણી કમિશનરોની સુરક્ષા પણ કડક
