Vapi News/ વાપી મહાનગરપાલિકાના 10 મોટા નિર્ણયો! ફાયર સ્ટેશનથી ઓવરબ્રિજ સુધીનાં કામોને મંજૂરી

Vapi Development: વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 10 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. દમણગંગા નદી પર ઓવરબ્રિજ, ફાયર સ્ટેશન, બે કોમ્યુનિટી હોલ અને દિવાળી પહેલાં રસ્તાના ખાડા પૂરવાની કામગીરીને પ્રાધાન્ય અપાયું.

Top Stories Gujarat Breaking News
Vapi Development: દિવાળી પહેલાં રસ્તાના ખાડા પૂરાશે, ફાયર સ્ટેશન અને બે કોમ્યુનિટી હોલનું આયોજન

Vapi News: વાપી મહાનગરપાલિકાની (Vapi Municipal Corporation) સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ (Vapi Development) અને નાગરિક સુવિધાઓને લગતા 10 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ સતીશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પાણી પુરવઠામાં સુધારો, પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન, બે કોમ્યુનિટી હોલ, દમણગંગા નદી પર ઓવરબ્રિજ સહિતનાં કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું પેચવર્ક દિવાળી પહેલાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

Vapi Development: પાણી પુરવઠો સુધારવા 500 મિ.મી.નો નવો વાલ્વ સ્થાપિત કરાશે

વાપીના ડુંગરા ફિલ્ટર પ્લાન્ટથી નુતનનગર સુધી પાણી પહોંચાડવાની (Vapi Water Supply) વ્યવસ્થામાં સુધારો કરવા જીઆઈડીસી કચેરી નજીક મામુ ચા પાસે 500 મિ.મી. વ્યાસનો નવો વાલ્વ સ્થાપિત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીથી પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરાશે.

પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન માટે જમીન ફાળવવાની દરખાસ્ત

વાપીના પૂર્વ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની સંખ્યા વધુ હોવા છતાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કરવડમાં આવેલી જમીન પૈકી 3,000 ચોરસ મીટર જમીન ફાળવવા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે.

આ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નાગરિકોને સામાજિક કાર્યક્રમો માટે સુવિધા મળી રહે તે હેતુથી બે કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન છે. તેના માટે વટાર ખાતે 4,707 ચોરસ મીટર અને કરવડ ખાતે 2,500 ચોરસ મીટર જમીન ફાળવવાની દરખાસ્ત કરવામાં આવશે.

ચંડોરગામથી મોહનગામને જોડતા ઓવરબ્રિજને મંજૂરી

વાપી અને ઉમરગામ તાલુકા વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા દમણગંગા નદી પર ચંડોરગામથી મોહનગામને જોડતા ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી સરકારી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દિવાળી પહેલાં રસ્તાના ખાડા પૂરવા સૂચના

ચોમાસા બાદ શહેરના અનેક રસ્તાઓ પર પડેલા ખાડા અને ક્ષતિગ્રસ્ત માર્ગોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રસ્તાઓ પર ડામરથી પેચવર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરી દિવાળી પહેલાં પૂર્ણ કરવા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે.

સરદાર સર્કલનો પુનર્વિકાસ, નવું સ્ટેચ્યુ મુકાશે

વાપીના બજાર રોડ પર આવેલા સરદાર સર્કલનો પુનર્વિકાસ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. હાલની જગ્યાએ નવા સર્કલનું નિર્માણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલનું નવું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવશે.

શહેરની સફાઈ વ્યવસ્થાનું નિયમિત મોનિટરિંગ કરવા પાંચ નવા સબ-સેનિટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કાર્યક્રમોમાં નાગરિકોને શૌચાલયની સુવિધા મળી રહે તે માટે બે આધુનિક મોબાઇલ ટોઇલેટ બ્લોક ખરીદવામાં આવશે.

રખડતાં પશુઓને પકડવાની કામગીરી વધુ અસરકારક બનાવવા નવું કેટલ કેચિંગ કેજ ખરીદવાનો પણ નિર્ણય લેવાયો છે. બીજી તરફ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલ માટે નવી એજન્સીની નિમણૂક ન થાય ત્યાં સુધી બંને સુવિધાઓનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન.એફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ અને કિરણસિંહ રાણા, સિટી ઇજનેર જતીન પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં શહેરના પાયાના માળખાને મજબૂત બનાવવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.


આ પણ વાંચો: સુરત જ નહીં, વાપી-વલસાડના કરોડપતિઓ પણ ચર્ચામાં

આ પણ વાંચો: શહેરી વિકાસના 20 વર્ષ : મુખ્યમંત્રીનો ‘ઈઝ ઑફ લિવિંગ’ માટે સતત પ્રયાસ

આ પણ વાંચો: શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત ગુજરાતમાં બુલેટ ટ્રેન સ્ટેશનો આસપાસ સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ માટે નવી પહેલ