Ahmedabad News/ અમદાવાદમાં 2000 કિલો નકલી ટોમેટો સોસ ઝડપાયો, ફેક્ટરી સીલ

અમદાવાદમાં પફ, સેન્ડવિચ અને બર્ગર સહિતના ફાસ્ટફૂડમાં વપરાતા ટોમેટો સોસ (Fake Tomato Sauce)ની ગુણવત્તાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં પફ, સેન્ડવિચ અને બર્ગર સહિતના ફાસ્ટફૂડમાં વપરાતા ટોમેટો સોસ (Fake Tomato Sauce)ની ગુણવત્તાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદમાં પફ, સેન્ડવિચ અને બર્ગર સહિતના ફાસ્ટફૂડમાં વપરાતા ટોમેટો સોસ (Fake Tomato Sauce)ની ગુણવત્તાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે બહેરામપુરા વિસ્તારમાં ગેરકાયદે રીતે ચાલતા સોસ બનાવવાના કારખાના પર દરોડો (AMC Raid)પાડ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 2,000 કિલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો મળી આવતાં સમગ્ર યુનિટને સીલ કરવામાં આવ્યું છે.

બટાકાના પાવડરથી બનતો હતો ટોમેટો સોસ

ફૂડ વિભાગની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, દાણીલીમડા-પીરાણા રોડ નજીક બહેરામપુરા વિસ્તારમાં આવેલા આ યુનિટમાં સોસ બનાવવા માટે ટામેટાંના બદલે બટાકાના પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત એસિડિક કલર સહિતની કેમિકલયુક્ત સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

કારખાનામાં સ્વચ્છતાના નિયમોનું પાલન થતું ન હોવાનું પણ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડો જાળવવામાં આવ્યા ન હોવાથી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી.

લાયસન્સ વગર ઉત્પાદન, બિલ પણ રજૂ ન કરી શક્યા

ફૂડ વિભાગની પૂછપરછ દરમિયાન કારખાનાના સંચાલકો આ સ્થળનું માન્ય લાયસન્સ રજૂ કરી શક્યા નહોતા. તપાસમાં લાયસન્સમાં દર્શાવેલું સરનામું પણ ખોટું હોવાનું સામે આવ્યું હતું.

આ યુનિટમાં ‘ટેસ્ટી સ્નેક્સ કેચઅપ’ નામે સોસનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ સોસ શહેરની અલગ-અલગ દુકાનો અને ખાણીપીણીની લારીઓ સુધી પહોંચાડવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. ફૂડ વિભાગે ખરીદ-વેચાણનાં બિલ માંગતાં સંચાલકો તે પણ રજૂ કરી શક્યા નહોતા.

2000 કિલો જથ્થો જપ્ત, સેમ્પલ લઈને નાશ કરવાની કાર્યવાહી

કારખાનામાંથી ફૂડ વિભાગે અંદાજે 2,000 કિલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારબાદ ગેરકાયદે ચાલતા યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.

જપ્ત કરાયેલા જથ્થાનાં સેમ્પલ લઈને તેને નાશ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી સવાલો ઊભા થયા છે. ખાસ કરીને પફ, સેન્ડવિચ અને બર્ગર જેવી વસ્તુઓમાં વપરાતા સોસની ગુણવત્તા અંગે ગ્રાહકોએ સાવચેત રહેવું જરૂરી છે.


આ પણ વાંચો: દીવમાં ફૂગ લાગેલી મીઠાઈ વેચાતી ઝડપાઈ, ફૂડ વિભાગે દુકાન સીલ કરી

આ પણ વાંચો: વડોદરા મ્યુનિ.ના ફૂડ વિભાગે અખાદ્ય મીઠાઈનો જંગી જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો: પામોલિનથી બનતું નકલી ઘી! બનાસકાંઠાની ગેરકાયદેસર ફેક્ટરીનો ફૂડ વિભાગે કર્યો પર્દાફાશ