International News : શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક (SCO Meeting)માં ભારતે આતંકવાદ (Terrorism)ના મુદ્દે કડક વલણ રજૂ કર્યું છે. દુશાન્બેમાં યોજાયેલી બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારની હાજરીમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે આતંકવાદ (Terrorism)સામે કોઈપણ પ્રકારના બેવડા ધોરણો સ્વીકાર્ય નથી. તેમણે આતંકવાદીઓને મદદ કરનારાઓ અને તેમને આશ્રય આપનારાઓ સામે સામૂહિક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આતંકવાદ સામે ભારતનું કડક વલણ
રાજનાથ સિંહે જણાવ્યું કે આજના સમયમાં આતંકવાદ શાંતિ અને વિકાસ માટેના સૌથી ગંભીર જોખમોમાંનો એક છે. આતંકવાદને કારણે માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી જતા, પરંતુ વેપાર, રોકાણ અને યુવાનોના ભવિષ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે એકજૂથ થઈને લડવા અપીલ કરી હતી.
આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમ ખતમ કરવાની માગ
સંરક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આતંકવાદ (Terrorism)ને કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં. આતંકવાદીઓને નાણાકીય સહાય આપનારાઓ, તેમનું સમર્થન કરનારાઓ અને તેમને આશ્રય આપનારાઓ સામે કડક તથા સામૂહિક પગલાં લેવાં જોઈએ. આતંકવાદના સમગ્ર નેટવર્કને જડમૂળથી ખતમ કરવું જરૂરી છે. તેમણે ભાર મૂક્યો કે આતંકવાદ સામેની લડાઈમાં પસંદગીના ધોરણો નહીં, પરંતુ સમાન અને મક્કમ અભિગમ અપનાવવો જોઈએ.
સરહદ પારના આતંકવાદ સામે કડક સંદેશ
આ અગાઉ 15 ઓક્ટોબરે રાજનાથ સિંહે (Rajnath Singh)સરહદ પારના આતંકવાદ (Terrorism)અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદી હરકત થશે તો ભારત તરફથી તેનો કડક જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતની સંસ્કૃતિ સંવાદ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે, પરંતુ શાંતિ માટેની પ્રતિબદ્ધતાને નબળાઈ સમજવી જોઈએ નહીં.
તાજિકિસ્તાન અને ઈરાનના નેતાઓ સાથે મુલાકાત
SCO બેઠક દરમિયાન રાજનાથ સિંહે તાજિકિસ્તાનના વડાપ્રધાન કોહિર રસૂલઝોદા અને ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. તેમણે તાજિકિસ્તાન સાથેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો અને લોકો વચ્ચેના ગાઢ સંપર્કનો ઉલ્લેખ કર્યો હતો. ઈરાનના નેતા સાથેની મુલાકાતને પણ તેમણે સંતોષકારક ગણાવી હતી.
આ બેઠકમાં ભારતે આતંકવાદ સામેની પોતાની નીતિ સ્પષ્ટ કરતાં આંતરરાષ્ટ્રીય સહયોગ, જવાબદારી અને આતંકવાદી નેટવર્કને નાબૂદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
