Rajkot News: રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં શારીરિક અને જાતીય ક્ષમતા વધારતી દવાઓના ઓનલાઈન વેચાણના નામે કથિત છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના નેટવર્કનો પોલીસે પર્દાફાશ (Rajkot Fake Website Scam) કર્યો છે. ભાયાવદર પોલીસે (Bhayavadar Police) 22 ઑક્ટોબર, 2026ના રોજ ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ત્રણ કોલ સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન 10 શખસોને પકડી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જણાવાયું છે.
Rajkot Fake Website Scam: નકલી ડૉક્ટર બની ગ્રાહકોને ફસાવતા હોવાનો આરોપ
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ પાસે જરૂરી લાઇસન્સ કે તબીબી લાયકાત ન હોવા છતાં ડૉક્ટર તરીકે ઓળખ આપીને ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. તેઓ ‘bedroomboss.in/Gujarat/’ નામની વેબસાઇટ (Fake Medicine Website) મારફતે ‘ન્યુરો શક્તિ પ્લસ’ અને વિટામિન B-12 સહિતની પ્રોડક્ટ્સ વેચતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ ગ્રાહકોને અશ્લીલ સામગ્રી મોકલીને દવા ખરીદવા પ્રેરિત કરતા હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદ મુજબ, ઓર્ડર રદ કરવાનો પ્રયાસ કરનાર ગ્રાહકોને કાનૂની કાર્યવાહી અને જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવતી હતી. કેટલાક કિસ્સામાં પરિવારજનોને અશ્લીલ વિગતો જણાવવાની ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ થતો હોવાની પણ પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે.
આયુષ મંત્રાલય અને PM-JAYના લોગોના દુરુપયોગનો આરોપ
પોલીસે ગુપ્ત બાતમીના આધારે ભાયાવદરમાં ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી ખાતે દરોડા પાડ્યા હતા. આ સ્થળોએથી કથિત રીતે ગેરકાયદે રીતે ચાલતાં ત્રણ કોલ સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, વેબસાઇટ પર લોકોનો વિશ્વાસ જીતવા માટે આયુષ મંત્રાલય અને ભારત સરકારની PM-JAY યોજનાના લોગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત, અખબારોનાં બનાવટી કટિંગ, 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફરો અને અમદાવાદ, મુંબઈ તથા બેંગલુરુ જેવા શહેરોના લોકોના ખોટા રિવ્યૂ દર્શાવી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હોવાનો આરોપ છે.
₹5.16 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 આરોપીઓની શોધખોળ
દરોડા દરમિયાન પોલીસે 18 કમ્પ્યુટર-લેપટોપ, 33 કીબોર્ડ-માઉસ, 23 મોબાઇલ ફોન અને બ્રોડબેન્ડનાં સાધનો સહિત કુલ ₹5,16,700નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે.
આ કેસમાં પકડાયેલા 10 શખસોમાં ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરઝા મુલતાણી, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરઝા ઉર્ફે બાપુ કાદરી, નાશીર લાખા અને જીલ ખાણીયાનો સમાવેશ થાય છે.
જ્યારે હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, રાહુલ, ફૈઝલ રજાક અને નિશાંત ઉર્ફે નિલ ભટ્ટની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 319(2), 308(2), 351(4) અને 3(5), IT Act તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો (Gujarat Crime News) નોંધ્યો હોવાનું જણાવાયું છે. પોલીસ હવે આ કથિત નેટવર્કનાં અન્ય જોડાણો અને ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડીની વિગતો મેળવવા તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કેમિકલ વેપારી સાથે ₹18 કરોડની છેતરપિંડીનો આરોપ, 179 ચેક બાઉન્સ થતાં ફરિયાદ
આ પણ વાંચો: Airbnb પર રૂમ બુકિંગ કરવું અમદાવાદના વૃદ્ધને ભારે પડ્યું,₹9.77 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: ગરબાનું ફેક પાસ કૌભાંડ: 686 પાસ વેચી ₹8 લાખની છેતરપિંડી, 2 ઝડપાયા
