Ahmedabad News/ Airbnb પર રૂમ બુકિંગ કરવું અમદાવાદના વૃદ્ધને ભારે પડ્યું,₹9.77 લાખની છેતરપિંડી

અમદાવાદના નવરંગપુરામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગોએ ઓનલાઈન રૂમ બુકિંગ (Online Room Booking)ના બહાને ₹9.77 લાખની છેતરપિંડી (Airbnb Fraud)કરી છે

Gujarat Ahmedabad
અમદાવાદના નવરંગપુરામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગોએ ઓનલાઈન રૂમ બુકિંગ (Online Room Booking)ના બહાને ₹9.77 લાખની છેતરપિંડી (Airbnb Fraud)કરી છે

Ahmedabad News : અમદાવાદના નવરંગપુરામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગોએ ઓનલાઈન રૂમ બુકિંગ (Online Room Booking)ના બહાને ₹9.77 લાખની છેતરપિંડી (Airbnb Fraud)કરી છે. દિવાળીના વેકેશનમાં નાગપુર જવા માટે Airbnb એપ પર રૂમ શોધતી વખતે વૃદ્ધે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઠગોએ તેમને APK ફાઇલ (APK File Fraud)મોકલી હતી, જેના આધારે બેંક ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Airbnb રૂમ બુકિંગ દરમિયાન કસ્ટમર કેરના નામે સંપર્ક

ફરિયાદ મુજબ, નવરંગપુરાના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા આંગન એપાર્ટમેન્ટમાં રહેતા નીતિન કાંતિભાઈ હાથીએ 19 ઓક્ટોબર, 2026ના રોજ નાગપુરમાં રહેવા માટે રૂમ બુકિંગ (Online Room Booking)કરવા Airbnb એપ પર ઓનલાઇન સર્ચ કર્યું હતું. ઓનલાઇન ફોર્મમાં પાનકાર્ડનો ફોટો અપલોડ કરવામાં મુશ્કેલી પડતાં તેમણે 6291418974 નંબર પર સંપર્ક કર્યો હતો. આ નંબરના ધારકે પોતે અમદાવાદની Airbnb કસ્ટમર કેર સેવા સાથે સંકળાયેલા હોવાનું જણાવી વીડિયો કોલ અને વોટ્સએપ ચેટ દ્વારા વાતચીત શરૂ કરી હતી.

Customer_Support_FUD.apk ફાઇલ ડાઉનલોડ કરાવી

વાતચીત દરમિયાન અજાણી વ્યક્તિએ વૃદ્ધને Customer_Support_FUD.apk નામની APK ફાઇલ મોકલી હતી. વૃદ્ધે આ ફાઇલ ડાઉનલોડ (APK File Fraud)કરી હતી અને વોટ્સએપ મારફતે પોતાનું પાનકાર્ડ પણ મોકલ્યું હતું. ત્યારબાદ રૂમનું રિઝર્વેશન થયું હોવાનો સ્ક્રીનશોટ માંગવામાં આવતાં તેમણે તે પણ મોકલી આપ્યો હતો. આ દરમિયાન બીજા મોબાઇલ નંબર 9414229558 પરથી Bank of India pension card verification online નામની બીજી APK ફાઇલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ પર ક્લિક કરતાં તેમના ફોનમાં બેંકિંગ એપ ડાઉનલોડ થઈ ગઈ હતી, જેને તેમણે બાદમાં ડિલીટ કરી દીધી હતી.

Airbnb Fraud : બે દિવસમાં 17 ટ્રાન્ઝેક્શનથી ₹9.77 લાખ ટ્રાન્સફર

20 ઓક્ટોબરના રોજ નીતિન હાથીના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ₹11,800 ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ખાતામાં બેલેન્સ ઓછું જણાતાં તેમણે બેંકનો સંપર્ક કરીને ખાતું બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટ તપાસતાં 19થી 20 ઓક્ટોબર દરમિયાન કુલ 17 ટ્રાન્ઝેક્શન દ્વારા ₹9,77,800 ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ

આ સમગ્ર મામલે નીતિન હાથીએ 21 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડા ચલાવી રહ્યા છે.

અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરવી નહીં. હોટેલ કે રૂમ બુકિંગ માટે સત્તાવાર એપ અથવા વેબસાઇટનો જ ઉપયોગ કરો. બેંકિંગ સંબંધિત માહિતી, OTP કે પાનકાર્ડની વિગતો અજાણી વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો.


આ પણ વાંચો: પૂર્વ PM આઈ.કે. ગુજરાલના પુત્ર સાથે ₹7.8 કરોડની સાયબર છેતરપિંડી

આ પણ વાંચો:સાયબર છેતરપિંડી રોકવા RBI અમદાવાદમાં એક્શન મોડમાં, Cyber Fraud થાય તો ‘1930’ પર તુરંત કરો કોલ

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા પ્રિન્સિપાલ સાથે 11 કરોડની સાયબર છેતરપિંડી, આરોપી ઝડપાયો